<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

કેપ્ટન સ્મિત માછરને સર્વોચ્ચ 'અશોક ચક્ર' એવોર્ડ આપવા દેશભરમાંથી પ્રબળ માંગણી

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે, સાંસદ મિલિંદ દેવરા અને પાઈલોટ્સ ફેડરેશનની વડાપ્રધાનને રજૂઆત

મુંબઈ: દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ 1073 માં સહ-પાઈલટના ગંભીર છરીના હુમલા છતાં ૧૭૪ ઈઝરાયલી મુસાફરો સહિત તમામ લોકોના જીવ બચાવી અસાધારણ હિંમત દર્શાવનાર મુંબઈના બહાદુર કેપ્ટન સ્મિત માછરની શૌર્યગાથા સમગ્ર વિશ્વમાં ગુંજી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના વૈશ્વિક નેતાઓએ તેમની બહાદુરીને બિરદાવી છે. આ દરમિયાન હવે ભારતમાં કેપ્ટન સ્મિતને દેશના શાંતિકાળના સર્વોચ્ચ વીરતા પુરસ્કાર 'અશોક ચક્ર'થી સન્માનિત કરવાની માંગણીએ જોર પકડ્યું છે.


શિવસેનાના રાજ્યસભાના સાંસદ મિલિંદ દેવરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને શિવસેના વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક સત્તાવાર પત્ર લખીને કેપ્ટન સ્મિત માછરને પ્રતિષ્ઠિત 'અશોક ચક્ર' એનાયત કરવા વિનંતી કરી છે. મિલિંદ દેવરાએ સોશિયલ મીડિયા પર પત્ર શેર કરતા કેપ્ટન સ્મિતને "મુંબઈનો પુત્ર" ગણાવ્યા હતા અને લખ્યું હતું કે, હવામાં એક અત્યંત અકલ્પનીય સંકટનો સામનો કરતા કેપ્ટન સ્મિતે પોતાના જીવની પરવા કર્યા વિના બીજાના જીવનને પ્રાથમિકતા આપી હતી. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં તેમણે અદમ્ય સાહસ દર્શાવ્યું હતું, જે નિઃસ્વાર્થતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠાનું સર્વોચ્ચ ઉદાહરણ છે.

પ્રસિદ્ધ લેખિકા શેફાલી વૈદ્યએ પીએમ મોદી અને અમિત શાહને ટેગ કરીને પોસ્ટ કરી હતી કે, જો આ વર્ષે કોઈ અશોક ચક્રને ખરેખર પાત્ર હોય તો તે કેપ્ટન સ્મિત માછર છે. આ ઉપરાંત 'ફેડરેશન ઓફ ઈન્ડિયન પાઈલોટ્સ' (FIP) એ પણ પીએમઓ (PMO) ને પત્ર લખીને કેપ્ટન સ્મિત માટે યોગ્ય રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કાર અથવા નાગરિક સન્માન આપવાની ભલામણ કરી છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મેજર ડી.પી. સિંહે પણ ૧૯૮૭માં નીરજા ભનોટને અપાયેલા મરણોત્તર અશોક ચક્રનો ઉલ્લેખ કરીને કેપ્ટન સ્મિતને આ પુરસ્કાર આપવા સમર્થન જાહેર કર્યું છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  અબુ ધાબીની હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા કેપ્ટન સ્મિત માછર સાથે ફોન પર સીધી વાતચીત કરી હતી અને તેમની સ્વાસ્થ્ય વિષયક સ્થિતિ અંગે પૃચ્છા કરી હતી. આ પહેલા વડાપ્રધાને તેમના પરિજનો સાથે પણ વાત કરી હતી. યુએઈ સ્થિત ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, તાબુકથી અબુ ધાબી એરલિફ્ટ કરાયેલા કેપ્ટન સ્મિતની તબિયતમાં હાલ સુધારો થઈ રહ્યો છે અને તેઓ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે. ભારત સરકાર તેમના પરિવાર સાથે સતત સંપર્કમાં છે.

(7:42 PM IST)