તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 1st November 2026
મતદાર યાદીમાં ગેરરીતિ આચરનાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે ચૂંટણી પંચની કડક કાર્યવાહી : સસ્પેન્શન સાથે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ નોંધાશે ફોજદારી ગુનો
પીલીભીતમાં મતદાર યાદીમાં ગેરરીતિ પકડાતા ચૂંટણી પંચે બે ઈલેક્ટોરલ રજીસ્ટ્રેશન ઓફિસર (ERO) અને ડેટા એન્ટ્રી ઓપરેટરને તાત્કાલિક અસરથી કર્યા સસ્પેન્ડ : થશે જેલ અને દંડ

નવી દિલ્હી : દેશમાં લોકશાહીના પાયા સમાન મતદાર યાદી તૈયાર કરવાની પવિત્ર કામગીરીમાં લાપરવાહી કે ગેરરીતિ આચરનારા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે ચૂંટણી પંચે અત્યંત લાલ આંખ કરી છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે હવે મતદાર યાદીમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ આચરવી ભારે પડશે અને દોષિતો સામે માત્ર ખાતાકીય પગલાં જ નહીં પરંતુ સીધી ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં સામે આવેલા ગેરરીતિના એક મોટા કેસ બાદ ચૂંટણી પંચે આ કડક નિર્ણય લીધો છે. તપાસમાં ખૂલ્યું હતું કે કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા કોઈપણ જાતના અધિકૃત પુરાવા કે અરજી વગર આશરે દસ હજાર જેટલા મતદારોના નામ ગેરકાયદેસર રીતે ઉમેરવામાં કે રદ કરવામાં આવ્યા હતા. આ ગંભીર બાબતની પૂર્વ તપાસ વગર જ બે સંબંધિત ઈલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર (ERO) દ્વારા તેને મંજૂરી આપી દેવામાં આવી હતી.
રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીના અહેવાલના આધારે ચૂંટણી પંચે તાત્કાલિક પગલાં લેતા બંને ઈરો (ERO) અને ડેટા એન્ટ્રી ઓપરેટરને સસ્પેન્ડ કરી દીધા છે અને પંચની મંજૂરી વગર તેમને પુનઃ સેવામાન ન કરવા આદેશ આપ્યો છે. આ કેસમાં પ્રથમ વખત કડક વલણ અપનાવતા આરપી એક્ટ (લોક પ્રતિનિધિત્વ કાનૂન) ઉપરાંત ભારતીય ન્યાય સંહિતા (BNS) ની ધારા 198 હેઠળ એફઆઈઆર (FIR) નોંધીને કાનૂની કાર્યવાહી કરવાનો આદેશ અપાયો છે.
બીએનએસ (BNS) ની ધારા 198 ખાસ કરીને સરકારી કર્મચારીઓ દ્વારા પદના દુરુપયોગ અને કાનૂનની જાણીજોઈને અવહેલના કરવાના કેસોમાં લાગુ પડે છે. આ કાયદા હેઠળ દોષિત સાબિત થનાર કર્મચારીને એક વર્ષ સુધીની સાદી કેદની સજા અથવા આર્થિક દંડ અથવા બંને સજા એકસાથે થઈ શકે છે. ચૂંટણી પંચના આ કડક આદેશથી સમગ્ર દેશના વહીવટી તંત્રમાં ભારે હચમચ મચી ગઈ છે.
(11:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
