News of Wednesday, 9th September 2026
અમેરિકામાં ભારતીય પરિવાર સાથે અજીબોગરીબ ઘટના: રાતોરાત કારના ચારેય ટાયર ચોરાઈ ગયા, ચોરો વિરોધ દર્શાવતી લેખિત પ્રિન્ટેડ નોટ પણ છોડતા ગયા!
અમેરિકાના ક્રિસ્ટલ હાઉસ સોસાયટીના પાર્કિંગની ઘટના વાયરલ; ચોરોએ મેનેજમેન્ટની સિક્યોરિટી પર સવાલ ઉઠાવતા લખ્યું- 'જ્યાં સુધી મેનેજમેન્ટ ગંભીર નહીં થાય, ત્યાં સુધી ચોરી અટકશે નહીં'

ન્યૂ યોર્ક : "યુએસએમાં આવું કઈ રીતે બની શકે?" - અમેરિકામાં રહેતી એક ભારતીય મહિલા તેની સાથે બનેલી અજીબોગરીબ ચોરીની ઘટના બાદ સ્તબ્ધ થઈ ગઈ છે અને આ સવાલ પૂછી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર વાયરલ થયેલી એક પોસ્ટ અનુસાર, મહિલાના ભાઈએ પાર્કિંગ એરિયામાં પાર્ક કરેલી કારના ચારેય વ્હીલ (ટાયર અને રિમ્સ) રાતોરાત ગાયબ થઈ ગયા હતા. જોકે, આ ઘટના માત્ર ટાયરની ચોરી પૂરતી મર્યાદિત ન રહેતાં, ચોરોએ સ્થળ પર છોડેલી એક પ્રિન્ટેડ નોટને કારણે નેટીઝન્સમાં ભારે ચર્ચાનો વિષય બની છે.
ચોરોની ચોંકાવનારી 'ચેતવણી નોટ':
મહિલાએ શેર કરેલા વિડીયો મુજબ, સવારે જ્યારે તેનો ભાઈ કાર પાસે પહોંચ્યો ત્યારે ગાડી ઈંટો કે સપોર્ટ પર ઊભેલી હતી અને ચારેય ટાયર ગાયબ હતા. ચોરોએ કાર પર એક પ્રિન્ટેડ લેટર છોડ્યો હતો, જેમાં સોસાયટીના મેનેજમેન્ટ સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. નોટમાં લખ્યું હતું કે, "ગયા વીકેન્ડ પર ક્રિસ્ટલ હાઉસ પ્રોપર્ટીમાં ઓછામાં ઓછી ૩ કારમાં તોડફોડ કરવામાં આવી હતી અને આ વીકેન્ડ પર ૩ કારના વ્હીલ્સ ચોરાયા છે. જ્યાં સુધી ક્રિસ્ટલ હાઉસ મેનેજમેન્ટ પાર્કિંગની સુરક્ષા પ્રત્યે ગંભીર નહીં થાય, ત્યાં સુધી આ ગુના અટકશે નહીં. તેમને આ વાતની જાણ કરો."
સોશિયલ મીડિયા પર યુઝર્સની રમુજી અને ગંભીર પ્રતિક્રિયાઓ:
આ વાયરલ વિડીયો પર ઓનલાઈન યુઝર્સે અલગ-અલગ પ્રતિક્રિયા આપી હતી. એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું કે, "અમેરિકાના ચોરો પણ કેવા શિક્ષિત છે! તેમની પાસે પ્રિન્ટર પણ છે અને તેઓ અંગ્રેજીમાં મેનેજમેન્ટને સુધરવાની તાલીમ પણ આપી રહ્યા છે." બીજા એક યુઝરે ગંભીરતા દર્શાવતા લખ્યું કે, "અમેરિકામાં તમે કયા વિસ્તારમાં રહો છો તેના પર સુરક્ષાનો આધાર રહે છે. અજાણ્યા વિસ્તારોમાં આવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે."
ઘટના સ્થળ અંગે અસમંજસ:
વાયરલ પોસ્ટમાં "ક્રિસ્ટલ હાઉસ" નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે વર્જિનિયાના આર્લિંગ્ટનમાં આવેલી એક જાણીતી રેસિડેન્શિયલ સોસાયટી માનવામાં આવે છે. જોકે, સ્થાનિક પોલીસ તરફથી હજુ સુધી આ ચોરી અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
(8:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
