News of Tuesday, 28th April 2026
કુદરતનો અજીબ ખેલઃ ભારત ગરમીમાં શેકાયું અને ચીન પૂરમાં ડૂબ્યું!
એશિયાના બે દેશો વચ્ચે હવામાનનો વિરોધાભાસ એક તરફ ૪૭ ડિગ્રીની અગનજ્વાળાઓ અને બીજી તરફ આઠ કલાકમાં આખા વર્ષ જેવો વરસાદ

નવી દિલ્હી, તા.૨૮: એપ્રિલ ૨૦૨૬ના અંતિમ દિવસોમાં એશિયા ખંડ કુદરતના બે અત્યંત ભયાનક સ્વરૂપોનો એકસાથે સાક્ષી બની રહ્યો છે. ભારતના નકશા પર નજર કરીએ તો ઉત્તરથી પશ્ચિમ સુધી સૂર્યદેવ જાણે આગ ઓકી રહ્યા છે, જ્યાં અનેક શહેરોમાં તાપમાન ૪૫ થી ૪૭ ડિગ્રીને પાર કરી ગયું છે. બીજી તરફ, સરહદની પેલે પાર ચીનના ગુઆંગસી પ્રાંતમાં આભ ફાટયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કિંગઝોઉ શહેરમાં માત્ર ૮ કલાકમાં ૨૭૩ મીમી વરસાદે રસ્તાઓને નદીઓમાં ફેરવી દીધા છે. એક જ કલાકમાં ૧૬૦ મીમી વરસાદ ખાબકતા હજારો વાહનો રમકડાની જેમ પાણીમાં તરતા જોવા મળ્યા હતા. આ એવી સ્થિતિ છે જ્યાં એક દેશમાં તરસ છિપાવવા માટે પાણી નથી, તો બીજા દેશમાં પાણી જ આફત બનીને ત્રાટકયું છે.
ભારતમાં આ ગરમી પાછળ ‘હીટ ડોમ'નામની ભૌગોલિક ઘટના જવાબદાર હોવાનું મનાય છે. ગરમ હવા એક જગ્યાએ કેદ થઈને પર્વતની જેમ દબાણ બનાવે છે, જેને કારણે ઠંડી હવા અંદર પ્રવેશી શકતી નથી. પશ્ચિમી વિક્ષેપ નબળા પડવાથી વરસાદી ઝાપટાં ગાયબ છે અને થારના રણના ગરમ પવનોએ દિલ્હીથી લઈને રાજસ્થાન સુધી હાહાકાર મચાવ્યો છે. કોંક્રિટના જંગલો અને ઘટતા જતા વળક્ષોને કારણે રાત્રિનું તાપમાન પણ નીચે નથી ઉતરી રહ્યું, જેના કારણે લોકોને ૨૪ કલાક અસહ્ય બફારાનો સામનો કરવો પડી રહ્યો છે. આઈએમડીની ચેતવણી મુજબ, આ હીટવેવ હજુ થોડા દિવસો સુધી પીછો છોડે તેમ નથી. હવામાનમાં આવો વિરોધાભાસી પલટો એ સ્પષ્ટ સંકેત છે કે ગ્લોબલ ર્વોમિંગ હવે માત્ર ભવિષ્યની વાત નથી રહી. જ્યારે સમુદ્રનું તાપમાન વધે છે, ત્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે છે, જે ચીન જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં ટૂંકા ગાળામાં વિકરાળ વરસાદ લાવે છે, જ્યારે જમીની વિસ્તારોમાં તે સુકા પવનોને કારણે ભીષણ લૂમાં પરિવર્તિત થાય છે. ચીનમાં શાળાઓ બંધ કરવી પડી છે અને રેસ્કયુ ટીમો બોટ લઈને રસ્તાઓ પર ઉતરી છે.
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
