<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્યું પણ આભાસી ઉલ્લાસ: વિશ્વના બજારમાંથી ૧.૧૫ અબજ બેરલ ક્રૂડ ઓઇલ ગાયબ: કટોકટી યથાવત!

અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર બાદ દરિયાઈ માર્ગ મુક્ત થયો, પરંતુ તળિયે બેસેલા તેલના ભંડાર અને ખાલીખમ રિઝર્વના કારણે આગામી મહિનાઓમાં વૈશ્વિક મહામંદીનો તોળાતો મોટો આર્થિક ખતરો

વોશિંગ્ટન  :  અમેરિકા અને ઈરાન વચ્ચેના ઐતિહાસિક શાંતિ કરાર  અને હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલવાના સમાચારથી વૈશ્વિક સ્તરે ઉત્સાહનો માહોલ જરૂર દેખાઈ રહ્યો છે, પરંતુ તેલ બજારની કડવી વાસ્તવિકતા અત્યંત ભયાનક છે. પશ્ચિમ એશિયામાં છેલ્લા ચાર મહિનાથી ચાલેલા સપ્લાય અવરોધના કારણે વૈશ્વિક બજારોમાંથી અધધ ૧.૧૫ અબજ બેરલ ક્રૂડ ઓઇલ સંપૂર્ણપણે ગાયબ થઈ ગયું છે. વિશ્લેષણાત્મક પેઢી 'કેપ્લર'ના તાજેતરના અહેવાલે આખી દુનિયાને ચોંકાવી દીધી છે, કારણ કે આ ભયંકર ખાધને સરભર કરવામાં આખું એક વર્ષ લાગશે. પરિણામે, રાજદ્વારી સફળતા છતાં વિશ્વ પર આગામી થોડા જ મહિનાઓમાં ૧૯૨૯ની ઐતિહાસિક મહામંદી કરતાં પણ ભયંકર આર્થિક વિનાશ અને કટોકટીના વાદળો તોળાઈ રહ્યા છે.

આ આંતરરાષ્ટ્રીય તેલ સંકટની સૌથી ગંભીર અસરોમાંથી એક એ છે કે અમેરિકાના ઇમરજન્સી ઓઇલ રિઝર્વ છેલ્લા ૪૩ વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે. G7 સમિટ દરમિયાન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ વિસ્ફોટક સ્થિતિ અંગે ખુલ્લી ચેતવણી આપતા કહ્યું હતું કે, જો આગામી ચાર અઠવાડિયામાં કટોકટી માટે રાખેલું તેલ રિઝર્વ ખાલી થઈ જશે તો વાસ્તવિક અરાજકતા જોવા મળશે. જો કે, આ કરારના કારણે તેલના વૈશ્વિક ભાવો એકઝટકે $૧૨૬.૪૧ પ્રતિ બેરલથી ઘટીને $૮૦ની નીચે આવી ગયા છે, પરંતુ નિષ્ણાતો તેને માત્ર બજારનો "કામચલાઉ ઉત્સાહ" ગણાવી રહ્યા છે. અમેરિકાના ઓક્લાહોમા સ્થિત મુખ્ય 'કુશિંગ ઓઇલ હબ' હાલમાં તેના અંતિમ ઓપરેશનલ સ્ટ્રેસ લેવલ પર છે, જ્યાં ટાંકીઓના તળિયે માત્ર બિનઉપયોગી ઘન કચરો બચ્યો છે અને પાઇપલાઇનનું દબાણ ઘટી જતાં ઇંધણ પહોંચાડવું એ લોઢાના ચણા ચાવવા સમાન બન્યું છે.

બીજી તરફ, સામાન્ય જનતા અને રોકાણકારો ભલે એવું માનતા હોય કે હોર્મુઝ સ્ટ્રેટ ખુલતાની સાથે જ આવતીકાલથી તેલની નદીઓ વહેવા લાગશે, પરંતુ 'આરબીસી કેપિટલ માર્કેટ્સ'ના હેલિમા ક્રોફ્ટે આ ઉલ્લાસને માત્ર એક ભ્રમ ગણાવ્યો છે. ભૌગોલિક અને વ્યાપારી વાસ્તવિકતા એ છે કે યુદ્ધ દરમિયાન હોર્મુઝના પાણીમાં બિછાવેલી દરિયાઈ ખાણો સાફ કરવામાં અને ખાલી તેલ જહાજોને ફરીથી લાઈનમાં ગોઠવવામાં મહિનાઓનો સમય નીકળી જશે. આ ઉપરાંત, લાંબા સમયથી બંધ પડેલા તેલના કુવાઓમાંથી ફરીથી ઉત્પાદન શરૂ કરવું અને દરિયાઈ મુસાફરી કાપીને પંપો સુધી ઇંધણ પહોંચાડવું એ અત્યંત જટિલ પ્રક્રિયા છે. આથી, હોર્મુઝ ભલે ખુલી ગયું હોય, પણ વૈશ્વિક અર્થતંત્રને પાટા પર લાવવા માટે દુનિયાએ હજી એક મોટા સપ્લાય ચેઇન પડકારનો સામનો કરવો જ પડશે.

(7:19 PM IST)