News of Thursday, 26th November 2026
26/11 હુમલામાં મુસાફરો માટે દેવદૂત બનેલા 'છોટુ ચાયવાલા'ની દાસ્તાન: 27 સન્માન મળ્યા પણ સરકારી વાયદા હજુ અધૂરા
CSMT સ્ટેશન પર ગોળીબાર વચ્ચે મુસાફરોને બચાવવા લગાવ્યો જીવ, લારીઓમાં ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા; બિહારથી આવેલા મોહમ્મદ તૌફીક શેખે યાદ કરી એ ગોઝારી રાત, કહ્યું—લોકોના જીવ બચાવ્યા એ જ સૌથી મોટો સંતોષ

મુંબઈ : 26મી નવેમ્બર, 2008ના મુંબઈ આતંકી હુમલામાં 166 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, પરંતુ આ ભયાનક ત્રાસદી વચ્ચે કેટલાક સામાન્ય નાગરિકોએ અદમ્ય સાહસ દાખવીને માનવતાની મિસાલ કાયમ કરી હતી. આવા જ એક રિયલ હીરો છે બિહારના ડુમરી ગામના રહેવાસી મોહમ્મદ તૌફીક શેખ, જેઓ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) નજીક સેન્ટ જ્યોર્જ હોસ્પિટલ સામે ચા વેચે છે અને મુંબઈમાં પ્રેમથી 'છોટુ ચાયવાલા' તરીકે ઓળખાય છે. પોતાની જિંદગી જોખમમાં મૂકીને સેંકડો લોકોને બચાવનાર તૌફીકને અત્યાર સુધીમાં 27 સન્માન મળી ચૂક્યા છે.
હુમલાની એ ગોઝારી રાતને યાદ કરતાં તૌફીકે જણાવ્યું કે તેઓ ચાના પૈસા લેવા માટે CSMT સ્ટેશન ગયા હતા. સામાન્ય દિવસોમાં તેમની ડ્યુટી સ્ટેશનની અંદર વધુ રહેતી હતી, પરંતુ તે દિવસે છેલ્લી ઘડીએ શિફ્ટ બદલાઈ જતાં તેમનો જીવ બચી ગયો હતો. રાત્રે લગભગ 9 વાગ્યે પ્લેટફોર્મ તરફ જતી વખતે ગોળીઓ અને વિસ્ફોટના અવાજ સંભળાયા ત્યારે શરૂઆતમાં તેમને ક્રિકેટ મેચની જીતની ઉજવણીમાં ફટાકડા ફૂટતા હોવાનું લાગ્યું હતું, પરંતુ ગણતરીની ક્ષણોમાં જ આતંકી હુમલાની ભયાનક વાસ્તવિકતા સામે આવી ગઈ.
બે હથિયારધારી આતંકીઓ અજમલ કસાબ અને ઈસ્માઇલ ખાન સ્ટેશન પર અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યા હતા. એક પળ માટે તૌફીકને પણ લાગ્યું કે તેઓ જીવતા નહીં બચે, તેથી તેમણે પત્નીને ફોન કરીને ઘરે પાછા ન ફરી શકવાની આશંકા વ્યક્ત કરી. પરંતુ ડરને હરાવીને તેમણે ટિકિટ કાઉન્ટર અને મેડિકલ સ્ટોર પાસે ઊભા રહીને મુસાફરોને બૂમો પાડીને બહાર નીકળવાની ચેતવણી આપી, જેના કારણે અનેક મુસાફરો સુરક્ષિત બહાર નીકળી શક્યા.
ગોળીબારમાં ટિકિટ કાઉન્ટરના કાચ તૂટી ગયા હતા અને સ્ટેશન માસ્ટર એસ. એન. જાધવ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તૌફીક અને તેમના સાથીઓએ એમ્બ્યુલન્સની રાહ જોયા વિના લારીઓની મદદથી સ્ટેશનના પાછળના રસ્તેથી ઘાયલોને સેન્ટ જ્યોર્જ હોસ્પિટલ પહોંચાડ્યા અને ઘાયલ સ્ટેશન માસ્ટરને ભાયખલાની રેલવે હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. માત્ર 10 વર્ષની ઉંમરે બિહારથી મુંબઈ આવેલા તૌફીકને 27 પુરસ્કાર મળ્યા છે, જોકે રેલવે અને રાજ્ય સરકારના મદદના વાયદા હજુ પૂરા ન થયા હોવાનું તેમણે જણાવ્યું. તેમ છતાં, નિર્દોષ લોકોના જીવ બચાવી શક્યા એ જ તેમના જીવનનો સૌથી મોટો સંતોષ હોવાનું તેમણે ગર્વથી કહ્યું.
(7:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
