<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

"મહિલાઓના અધિકારો પર તરાપ મારવાનું બંધ કરો": મૈને ગવર્નરની રેસમાં ભારતીય મૂળના નીરવ શાહે ટ્રમ્પ અને રિપબ્લિકન વિરુદ્ધ છેડ્યું યુદ્ધ

ગર્ભપાતના અધિકારોને મૈનેના બંધારણમાં સામેલ કરવાનું નીરવ શાહનું મોટું વચન; પ્રજનન સ્વતંત્રતા અને ડેટા ગોપનીયતાના રક્ષણ માટે વ્યાપક બ્લુપ્રિન્ટ જાહેર કરતા રાજકારણ ગરમાયું

મૈને (યુ.એસ.) : અમેરિકાના મૈને (Maine) રાજ્યમાં ગવર્નર પદની ચૂંટણી જંગમાં ભારતીય મૂળના ડેમોક્રેટ નેતા નીરવ શાહે એક મોટું નિવેદન આપીને રાજકીય હોબાળો મચાવી દીધો છે. 17 એપ્રિલના રોજ પોતાની ઝુંબેશ દરમિયાન શાહે મહિલાઓના પ્રજનન અધિકારો (Reproductive Rights) નું રક્ષણ કરવા માટે અનેક મહત્વના વચનો આપ્યા હતા. તેમણે સીધો નિશાન સાધતા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રિપબ્લિકન નેતાઓ પર મહિલાઓના અધિકારો છીનવી લેવાનો ગંભીર આરોપ મૂક્યો છે.
ટ્રમ્પની નીતિઓ સામે મજબૂત પડકાર
નીરવ શાહે તેમની વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે, જ્યારે ટ્રમ્પ અને અન્ય રિપબ્લિકન નેતાઓ દેશભરમાં ગર્ભપાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા અને પ્રદાતાઓને ગુનાહિત જાહેર કરવા માટે મથામણ કરી રહ્યા છે, ત્યારે તેઓ મૈનેની મહિલાઓને સુરક્ષા કવચ આપવા માટે કટિબદ્ધ છે. તેમણે ચેતવણી આપી હતી કે 'રો વિ. વેડ' ને ઉથલાવી નાખનારા દળો હવે ફેડરલ એક્શન અને દેખરેખના નવા સ્વરૂપો દ્વારા મૈને જેવા સુરક્ષિત રાજ્યોમાં પણ દખલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
શાહની સુરક્ષા યોજનાના મુખ્ય મુદ્દાઓ
જો તેઓ ગવર્નર તરીકે ચૂંટાશે, તો નીચે મુજબના કડક પગલાં લેવાની તેમણે જાહેરાત કરી છે:
•    બંધારણીય રક્ષણ: પ્રજનન સ્વતંત્રતાને મૈનેના બંધારણમાં કાયમી સ્થાન આપવું.
•    આર્થિક અવરોધો દૂર કરવા: ગર્ભપાત અને પ્રજનન સંભાળ માટે ખર્ચ કોઈને નડે નહીં તેની ખાતરી કરવી.
•    ડેટા ગોપનીયતા: ગર્ભપાતની સેવા લેતી મહિલાઓની ડેટા પ્રાઈવસી મજબૂત કરવી જેથી કોઈ તેમનો પીછો કે ટ્રેકિંગ ન કરી શકે.
•    દવાનો ભંડાર: ગર્ભપાત માટેની આવશ્યક દવા 'મિફેપ્રિસ્ટોન' નો પૂરતો સ્ટોક રાખવો.
કોણ છે નીરવ શાહ?
નીરવ શાહ ભારતીય ઇમિગ્રન્ટ માતાપિતાના સંતાન છે અને જાહેર આરોગ્ય ક્ષેત્રે મોટું નામ ધરાવે છે. તેઓ અગાઉ યુ.એસ. સીડીસી (CDC) ના મુખ્ય ડેપ્યુટી ડિરેક્ટર રહી ચૂક્યા છે. કોવિડ-19 મહામારી દરમિયાન મૈને સીડીસીનું નેતૃત્વ કરતી વખતે તેમની કુશળતાને કારણે તેઓ સમગ્ર રાજ્યમાં લોકપ્રિય બન્યા હતા. મનોવિજ્ઞાન, જીવવિજ્ઞાન અને કાયદાના જાણકાર શાહ હવે સરકારમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના લક્ષ્ય સાથે ગવર્નર પદની રેસમાં છે.
શાહે ગર્વ સાથે જણાવ્યું કે તેઓ ગવર્નર પદના પ્રથમ અને એકમાત્ર ડેમોક્રેટિક ઉમેદવાર છે જેમણે મહિલાઓની સ્વતંત્રતા માટે આવી વ્યાપક યોજના રજૂ કરી છે. અમેરિકન રાજકારણમાં અત્યારે ગર્ભપાતનો મુદ્દો કેન્દ્રસ્થાને છે, ત્યારે નીરવ શાહની આ રણનીતિ તેમને અન્ય ઉમેદવારો કરતા અલગ પાડી રહી છે.

(8:14 PM IST)