News of Tuesday, 17th November 2026
અટકવાની નથી શેરબજારની તેજીઃ ૧ લાખને પાર જશે સેન્સેક્સ !
મોર્ગન સ્ટેનલીએ લેવલ સાથે કરી દીધી આગાહી...ડિસેમ્બર ૨૦૨૭ સુધી સેન્સેક્સ ૯૫,૦૦૦ અથવા તેજીની સ્થિતિમાં ૧,૦૫,૦૦૦ સુધી પહોંચી શકે છે : દેશની મજબૂત આર્થિક વૃદ્ધિ, કંપનીઓની વધતી કમાણી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકારનું સતત ફોકસ અને ખાનગી ક્ષેત્રના રોકાણમાં વધારો ભારતીય અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જવાની ક્ષમતા ધરાવે છે

નવી દિલ્હી તા.૧૭: ભારતીય શેરબજાર માટે આગામી બે વર્ષ ખૂબ જ મહત્વના સાબિત થઈ શકે છે. દેશની મજબૂત આર્થિક વૃદ્ધિ, કંપનીઓની વધતી કમાણી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકારનું સતત ફોકસ અને ખાનગી ક્ષેત્રના રોકાણમાં વધારો ભારતીય અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જવાની ક્ષમતા ધરાવે છે. જો આર્થિક વિકાસની ગતિ આવી જળવાઈ રહે અને વૈશ્વિક સ્થિતિ પણ ભારતને સાથ આપે તો શેરબજાર માટે એક નવો ઇતિહાસ રચાવાની શક્યતા છે. શું આગામી બે વર્ષમાં સેન્સેક્સ ૧ લાખની ઐતિહાસિક સપાટીને પાર કરી શકે છે? વિશ્વની જાણીતી બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીના નવા અનુમાને આ ચર્ચાને ફરી તેજ બનાવી છે.
મોર્ગન સ્ટેનલીનું માનવું છે કે ડિસેમ્બર ૨૦૨૭ સુધીમાં સેન્સેક્સ ૧ લાખની સપાટી પણ પાર કરી શકે છે. જોકે, આ તેનું સૌથી આશાવાદી અનુમાન છે. બ્રોકરેજે પોતાના સામાન્ય અંદાજમાં સેન્સેક્સ માટે ૯૫,૦૦૦નો ટાર્ગેટ આપ્યો છે. આ ૧૨ નવેમ્બર ૨૦૨૬ના ૮૧,૯૧૧ના સ્તરની સરખામણીએ લગભગ ૧૬્રુનો સંભવિત ઉછાળો દર્શાવે છે. બીજી તરફ, જો બજારમાં જોરદાર તેજી આવે તો સેન્સેક્સ ૧,૦૫,૦૦૦ સુધી પહોંચી શકે છે. પરંતુ નકારાત્મક પરિસ્થિતિમાં ૬૮,૦૦૦ સુધી ગગડવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.
સેન્સેક્સ માટે મોર્ગન સ્ટેનલીના ૩ ટાર્ગેટ શું છે? :- મોર્ગન સ્ટેનલીએ પોતાના ૨૦૨૭ના India Equity Strategy Outlookમાં સેન્સેક્સ માટે ત્રણ સંભવિત સ્થિતિ રજૂ કરી છે. તેમાં સૌથી વધુ ૫૦% શક્યતા સામાન્ય સ્થિતિ એટલે કે બેઝ કેસને આપવામાં આવી છે. આ સ્થિતિમાં ડિસેમ્બર ૨૦૨૭ સુધી સેન્સેક્સ ૯૫,૦૦૦ સુધી પહોંચી શકે છે. બીજી સ્થિતિ બુલ કેસની છે. જો ભારતીય અર્થતંત્ર અને વૈશ્વિક બજાર બંને માટે સંજોગો અનુકૂળ રહે તો સેન્સેક્સ ૧,૦૫,૦૦૦ સુધી પહોંચી શકે છે. આ શક્યતાને ૩૦% વેઇટેજ આપવામાં આવ્યું છે. જ્યારે ત્રીજી સ્થિતિ બેર કેસની છે. તેમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો અને વૈશ્વિક અર્થતંત્રમાં મંદી જેવી સ્થિતિ સર્જાય તો સેન્સેક્સ ૬૮,૦૦૦ સુધી ગગડી શકે છે. આ સ્થિતિની શક્યતા ૨૦% માનવામાં આવી છે.
આ ત્રણેય સંભાવનાઓને ધ્યાનમાં રાખીને સેન્સેક્સનું પ્રોબેબિલિટી-વેઇટેડ લેવલ ૯૦,૭૫૦ પોઇન્ટ આવે છે. એટલે કે મોર્ગન સ્ટેનલીનો એકંદરે ભારતીય શેરબજાર પ્રત્યેનો લ્લષ્ટિકોણ સકારાત્મક છે, પરંતુ તેની સાથે જોખમો પણ જોડાયેલાં છે.
ભારતીય કંપનીઓની કમાણીમાં થશે મોટો વધારો? :- મોર્ગન સ્ટેનલીના તેજીના અંદાજ પાછળનું સૌથી મોટું કારણ ભારતીય કંપનીઓની કમાણીમાં થનારો સંભવિત વધારો છે. બ્રોકરેજનું અનુમાન છે કે નાણાકીય વર્ષ ૨૦૨૬થી ૨૦૨૯ દરમિયાન સેન્સેક્સની કંપનીઓની પ્રતિ શેર કમાણી (EPS) વાર્ષિક સરેરાશ ૧૮.૧%ના દરે વધી શકે છે. તેના અંદાજ પ્રમાણે, નાણાકીય વર્ષ ૨૦૨૭માં સેન્સેક્સની કંપનીઓની EPS ૪,૦૮૧ રૂપિયા, નાણાકીય વર્ષ ૨૦૨૮માં ૪,૮૭૧ રૂપિયા અને નાણાકીય વર્ષ ૨૦૨૯માં વધીને ૫,૬૬૯ રૂપિયા થઈ શકે છે. કંપનીઓની કમાણીમાં સતત વધારો થાય તો તેની અસર શેરના મૂલ્યાંકન પર પણ પડી શકે છે અને બજારને લાંબા ગાળે મજબૂતી મળી શકે છે.
આ ઉપરાંત, દેશમાં ખાનગી ક્ષેત્રના રોકાણમાં વધારો, મજબૂત બેન્કિંગ સિસ્ટમ, કંપનીઓની સુધરતી નાણાકીય સ્થિતિ અને ગ્રાહકોના ખર્ચમાં વધારો પણ બજાર માટે સકારાત્મક પરિબળ બની શકે છે. મોર્ગન સ્ટેનલીના અંદાજ પ્રમાણે, આગામી પાંચ વર્ષમાં ભારતનો ઇન્વેસ્ટમેન્ટ-ટુ-GDP રેશિયો વધીને ૩૭.૫% થઈ શકે છે. આનો અર્થ એ છે કે દેશના કુલ અર્થતંત્રની સરખામણીએ રોકાણનો હિસ્સો વધવાની અપેક્ષા છે.
કયા સેક્ટરના શેરમાં દેખાઈ શકે છે વધુ તક? :- મોર્ગન સ્ટેનલીની રોકાણ વ્યૂહરચનામાં Financials, Consumer Discretionary અને Industrials સેક્ટરને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એટલે કે બેન્કિંગ અને ફાઇનાન્સ, ગ્રાહકોના ખર્ચ સાથે જોડાયેલી કંપનીઓ તેમજ ઇન્ડસ્ટ્રિયલ અને મેન્યુફેક્ચરિગ ક્ષેત્રની કંપનીઓમાં બ્રોકરેજ વધુ સંભાવના જોઈ રહી છે.
તેની પાછળ પણ ચોક્કસ કારણો છે. બેન્કિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રને ક્રેડિટ ગ્રોથ અને બેન્કોની સુધરતી નાણાકીય સ્થિતિનો ફાયદો મળી શકે છે. બીજી તરફ, લોકોની આવક અને ખર્ચ કરવાની ક્ષમતા વધે તો ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને અન્ય કન્ઝ્યુમર કંપનીઓને ફાયદો થઈ શકે છે. જ્યારે ખાનગી ક્ષેત્રના કેપિટલ એક્સપેન્ડિચરમાં વધારો થાય તો ઇન્ડસ્ટ્રિયલ અને મેન્યુફેક્ચરિગ કંપનીઓ માટે નવી તકો ઊભી થઈ શકે છે.
બીજી તરફ Energy, Materials, Utilities અને Healthcare સેક્ટર પ્રત્યે બ્રોકરેજનો અભિગમ સાવચેત છે. જોકે, IT Services સેક્ટર ભવિષ્યમાં આヘર્યજનક રીતે સારું પ્રદર્શન કરી શકે છે. ખાસ કરીને વિશ્વની કંપનીઓ AI એપ્લિકેશન અને સોલ્યુશન્સ વિકસાવવા માટે ભારતીય IT કંપનીઓની મદદ લે તો આ સેક્ટરને ફાયદો થઈ શકે છે.
કઈ સ્થિતિમાં સેન્સેક્સ ૧,૦૫,૦૦૦ સુધી પહોંચી શકે? :- મોર્ગન સ્ટેનલીએ પોતાના બુલ કેસમાં ડિસેમ્બર ૨૦૨૭ સુધી સેન્સેક્સ ૧,૦૫,૦૦૦ સુધી પહોંચવાનો અંદાજ આપ્યો છે. આ માટે કેટલીક અનુકૂળ પરિસ્થિતિઓ જરૂરી છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ સતત ૭૫ ડોલર પ્રતિ બેરલથી નીચે રહે, મોંઘવારીનું દબાણ ઘટે અને દેશમાં આર્થિક સુધારાની પ્રક્રિયા આગળ વધે તો બજારને મજબૂત ટેકો મળી શકે છે.
આ ઉપરાંત, લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ (LTCG) ટેક્સનો દર શૂન્ય થવો અને રોકાણને પ્રોત્સાહન આપતા અન્ય નીતિગત સુધારા પણ બુલ કેસના અનુમાનમાં સામેલ છે. જોકે, આ મોર્ગન સ્ટેનલીની સંભવિત સ્થિતિ માટેની ધારણા છે, સરકાર દ્વારા જાહેર કરાયેલો કોઈ નિર્ણય નથી. આ સ્થિતિમાં નાણાકીય વર્ષ ૨૦૨૬થી ૨૦૨૯ દરમિયાન સેન્સેક્સની કંપનીઓની કમાણી વાર્ષિક સરેરાશ ૨૦.૩%ના દરે વધી શકે છે. જો કંપનીઓની કમાણી આ ગતિએ વધે અને રોકાણકારોનો વિશ્વાસ પણ મજબૂત રહે તો શેરબજારમાં મોટી તેજી જોવા મળી શકે છે.
આ જોખમો બજારની તેજી પર પાણી ફેરવી શકે છે :- મોર્ગન સ્ટેનલીએ તેજીની સંભાવના દર્શાવવાની સાથે કેટલાક મોટા જોખમો અંગે પણ ચેતવણી આપી છે. જો ક્રૂડ ઓઇલના ભાવ ૧૦૦ ડોલર પ્રતિ બેરલથી ઉપર જઈને લાંબા સમય સુધી ઊંચા રહે તો ભારત જેવા મોટા ઓઇલ આયાતકાર દેશ માટે મુશ્કેલી વધી શકે છે. મોંઘા ક્રૂડને કારણે આયાત બિલ વધે, મોંઘવારીનું દબાણ વધે અને RBIએ નાણાકીય નીતિ વધુ કડક બનાવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
આ ઉપરાંત, વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ ધીમી પડવી અને સપ્લાય સાઇડથી મોંઘવારીનું દબાણ ફરી વધવું પણ શેરબજાર માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. આવી સ્થિતિમાં કંપનીઓની કમાણીમાં વૃદ્ધિ ધીમી પડી શકે છે અને રોકાણકારો શેર માટે ઊંચી કિમત ચૂકવવા તૈયાર ન રહે. મોર્ગન સ્ટેનલીના બેર કેસ પ્રમાણે, આવી પ્રતિકૂળ સ્થિતિમાં નાણાકીય વર્ષ ૨૦૨૬થી ૨૦૨૯ દરમિયાન સેન્સેક્સની કંપનીઓની કમાણીનો વાર્ષિક વૃદ્ધિદર ઘટીને ૧૫.૮% થઈ શકે છે. પરિણામે શેરના મૂલ્યાંકનમાં પણ ઘટાડો જોવા મળી શકે છે.
રોકાણકારો માટે શું સમજવું જરૂરી છે? :- મોર્ગન સ્ટેનલીનું અનુમાન ભારતીય શેરબજારની લાંબા ગાળાની સંભાવનાઓ તરફ સંકેત આપે છે. જોકે, સેન્સેક્સ ૧ લાખ કે ૧.૦૫ લાખ સુધી પહોંચશે જ તેની કોઈ ગેરંટી નથી. બ્રોકરેજે પોતે જ ત્રણ અલગ-અલગ પરિસ્થિતિઓ રજૂ કરી છે, જેમાં બજાર નીચે જવાની શક્યતા પણ સામેલ છે. તેથી માત્ર ટાર્ગેટ જોઈને શેર ખરીદવા કરતાં કંપનીની કમાણી, વેલ્યુએશન, સેક્ટરની સ્થિતિ અને બજારના જોખમોને ધ્યાનમાં રાખીને રોકાણનો નિર્ણય લેવો વધુ યોગ્ય રહેશે.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
