<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

રાજ્‍ય સરકારે ૩ ટકા મોંઘવારી ભથ્‍થા વધારાને આપી લીલી ઝંડી!

સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી

અમદાવાદ,તા.૪: રાજ્‍યના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્‍શનરો માટે દિવાળીનો તહેવાર વધુ રોશન અને ખુશીઓથી ભરેલો બની રહેશે. તહેવારોની મોસમમાં સરકારી કર્મચારીઓને મોટી આર્થિક રાહત આપતા રાજ્‍ય સરકારે મોંઘવારી ભથ્‍થા (DA) માં ૩ ટકા વધારાને મંજૂરી આપી દીધી છે.

દિવાળી પૂર્વે લેવાયેલા આ મહત્‍વપૂર્ણ નિર્ણયથી રાજ્‍ય સરકારના વર્ગ ૧ થી લઈને વર્ગ ૪ ના કર્મચારીઓ તેમજ પેન્‍શનરોને સીધો આર્થિક લાભ મળશે. મોંઘવારીના સમયમાં કર્મચારીઓના પગાર અને ભથ્‍થામાં વધારો થતાં તેમના ખિસ્‍સા પરનો બોજ હળવો થશે. સરકારના આ નિર્ણયથી સરકારી કર્મચારી મંડળો અને કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજ્‍ય સરકારના આ નિર્ણયથી અંદાજે ૪ લાખથી વધુ કાર્યરત કર્મચારીઓ અને ૪.૮૨ લાખ જેટલા પેન્‍શનરો મળીને કુલ ૮.૮૨ લાખથી વધુ લોકોને સીધો આર્થિક ફાયદો થશે. આ વધારામાં રાજ્‍ય સરકારી કર્મચારીઓ તેમજ પંચાયત સેવાના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. આ અંગેનો સત્તાવાર પરિપત્ર અને અમલીકરણની તારીખ વિશે ટૂંક સમયમાં કેબિનેટ નિર્ણય બાદ આખરી વિગતો જાહેર કરવામાં આવશે.

સુત્રોના જણાવ્‍યા અનુસાર, ૩ ટકા મોંઘવારી ભથ્‍થામાં વધારાની આ દરખાસ્‍તને મંજૂરી મળી ગઈ છે અને આ અંગેની સત્તાવાર જાહેરાત તથા વિધિવત નોટિફિકેશન રાજ્‍ય સરકાર દ્વારા ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. તહેવારોના સમયે જ આ નિર્ણય લેવાતા સરકારી કર્મચારીઓને મોટો આર્થિક ટેકો મળશે.(૪૦.૫૧)

 

(2:52 PM IST)