<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

વિદેશમાં રહેતાં સંતાનોની ચિંતા ઘટાડી રહ્યાં છે સ્‍ટાર્ટઅપ્‍સઃ વૃદ્ધ માતા-પિતાની સંભાળથી લઈને ઇમરજન્‍સી સારવાર સુધીની જવાબદારી હવે કંપનીઓના હાથમાં

૨૦૫૦ સુધીમાં ભારતની દર પાંચમાંથી એક વ્‍યક્‍તિ ૬૦ વર્ષથી વધુ વયની હશે : ભારતમાં વરિષ્ઠ નાગરિકોની સંભાળનું બજાર આશરે ૭ અબજ ડોલરનું

નવી દિલ્‍હી તા.૩૧: સંતાનો અભ્‍યાસ, નોકરી કે વ્‍યવસાય માટે વિદેશમાં સ્‍થાયી થઈ રહ્યાં છે, ત્‍યારે ભારતમાં એકલાં રહેતાં વૃદ્ધ માતા-પિતાની સંભાળનો પ્રશ્ન વધુ ગંભીર બની રહ્યો છે. સંયુક્‍ત પરિવારો ઘટી રહ્યાં છે અને વૃદ્ધોની મદદ માટેની સામાજિક વ્‍યવસ્‍થા મર્યાદિત છે. આ સ્‍થિતિમાં સ્‍ટાર્ટઅપ્‍સ (Startups) વૃદ્ધોની આરોગ્‍ય સંભાળ, ઘરેથી સારવાર, ઇમરજન્‍સી મદદ અને એકલતા દૂર કરવા જેવી સેવાઓ પૂરી પાડી રહ્યાં છે.

જકાર્તામાં રહેતા જાહેરાત ક્ષેત્રના એક્‍ઝિક્‍યુટિવ અરિદમ ભટ્ટાચાર્યને ૨૦૨૪માં આ સમસ્‍યાનો અનુભવ થયો. કોલકાતામાં રહેતાં તેમનાં પિતાની તેઓ જાકાર્તામાં હતા ત્‍યારે તબિયત બગડી હતી. સારવાર કરાવ્‍યા બાદ માતા-પિતાને ભારત પરત મોકલતી વખતે તેમની સંભાળ કેવી રીતે રાખવી તે સવાલ ઊભો થયો. હવે તેઓ બે સ્‍ટાર્ટઅપની મદદથી માતા-પિતાના આરોગ્‍ય પર નજર રાખે છે અને ઇમરજન્‍સી સારવારની વ્‍યવસ્‍થા કરે છે.

યુએનએફપીએ (UNFPA)ના અંદાજ મુજબ, ૨૦૨૦થી ૨૦૫૦ દરમિયાન દુનિયામાં ૬૦ વર્ષથી વધુ વયના લોકોની સંખ્‍યા બમણી થઈને ૨.૧ અબજ થશે. ભારતમાં ૨૦૫૦ સુધીમાં કુલ વસ્‍તીના લગભગ ૨૧ ટકા એટલે કે દર પાંચમાંથી એક વ્‍યક્‍તિ ૬૦ વર્ષથી વધુ વયની હશે.

નીતિ આયોગ (NITI Aayo)નિંા જણાવ્‍યા અનુસાર, ભારતમાં વરિષ્ઠ નાગરિકોની સંભાળનું બજાર આશરે ૭ અબજ ડોલરનું છે. સંગઠિત વૃદ્ધ નિવાસની માગ ૨૦થી ૨૨ લાખ એકમની છે, જ્‍યારે ઉપલબ્‍ધ એકમો માત્ર ૨૫,૦૦૦ જેટલા છે. મેનાસુમ, પ્રિમસ, અનંતા અને વેદાંતા જેવી કંપનીઓ આ ક્ષેત્રમાં પ્રોજેક્‍ટ બનાવી રહી છે. મેનાસુમ પાસે હાલમાં ૯૦૦ એકમ કાર્યરત છે અને ૨૦૩૦ સુધીમાં ૧૦,૦૦૦ એકમનું લક્ષ્ય છે.

ઘરે જ સંભાળ માટે ઇમોહા, કેર૨૪ અને કાઇટ્‍સ જેવી કંપનીઓ સેવાઓ આપે છે. જોકે પ્રશિક્ષિત કર્મચારીઓની અછત અને તેમની ચકાસણી મોટો પડકાર છે. કેરએજના અહેવાલ મુજબ, પૂરતી તાલીમ નહીં મળે તો કુશળ કર્મચારીઓની અછત વધશે.

૨૦૨૨માં રતન ટાટાના રોકાણથી ગુડફેલોઝ સ્‍ટાર્ટઅપ ચર્ચામાં આવ્‍યું હતું. તેના સ્‍થાપક શાંતનુ નાયડુ વૃદ્ધોને સમય આપવા અને ટેકનોલોજીમાં મદદ કરવા યુવા સાથીઓ પૂરા પાડે છે. બેંગલુરુમાં કુબો કેર અને નોબ્‍લિંક.એઆઈ રડાર તથા એઆઇથી વૃદ્ધોની હિલચાલ પર નજર રાખે છે. નોબ્‍લિંકનું એક ડિવાઇસ ૧૩,૫૦૦ રૂપિયામાં અને માસિક મોનિટરિગ સર્વિસ રૂમદીઠ ૫૦ રૂપિયાથી શરૂ થાય છે.

જોકે ખર્ચ મોટો અવરોધ છે. વૃદ્ધ નિવાસમાં એક બેડરૂમ-હોલ-કિચન એકમની કિમત ૬૦ લાખ રૂપિયા સુધી છે. નીતિ આયોગ મુજબ, ૭૮ ટકા વૃદ્ધો પાસે પેન્‍શન નથી. વૃદ્ધ સભ્‍ય ધરાવતા પરિવારોની માથાદીઠ માસિક આવક ૩,૫૬૮ રૂપિયા છે, જ્‍યારે અન્‍ય પરિવારોમાં ૪,૦૯૮ રૂપિયા છે.

જાપાન લાંબા ગાળાના આરોગ્‍ય વીમા અને સામુદાયિક સેવાઓથી વૃદ્ધોની સંભાળ રાખે છે, જ્‍યારે ચીન લગ્ન અને જન્‍મદર વધારવાના પ્રયાસો કરી રહ્યું છે. આ વર્ષે કેરળે સસ્‍તી સંભાળ, કાનૂની સહાય, ડિજિટલ સમાવેશ અને સુરક્ષિત જાહેર સ્‍થળોના અધિકાર માટે વરિષ્ઠ નાગરિકો અંગેનો કાયદો પસાર કર્યો છે. નિષ્‍ણાતોના મતે, માત્ર સ્‍ટાર્ટઅપ્‍સ પૂરતા નથી.  વૃદ્ધો માટે સસ્‍તી અને મજબૂત સામાજિક વ્‍યવસ્‍થા પણ જરૂરી છે.

 

(11:26 AM IST)