તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
દિલ્હીની બહાર પહેલીવાર ગુજરાતમાં યોજાશે સ્ટાર્ટઅપ મહાકુંભ
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ સાથે ગાંધીનગરમાં થશે આયોજન : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ફિનટેક અને એગ્રીટેક સહિતના ક્ષેત્રો પર ફોકસ

નવી દિલ્હી,તા.૨૦: ગુજરાત હવે દેશના સ્ટાર્ટઅપ ક્ષેત્રના મોટા આયોજનનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. અત્યાર સુધી દિલ્હીમાં યોજાતો સ્ટાર્ટઅપ મહાકુંભ પ્રથમવાર દેશની રાજધાની બહાર યોજાશે અને તેનું યજમાનપદ ગુજરાતને મળ્યું છે. જાન્યુઆરી ૨૦૨૭માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સાથે આ કાર્યક્રમનું આયોજન કરાશે. તેનાથી રાજ્યને દેશ-વિદેશના સ્ટાર્ટઅપ, રોકાણકારો અને ઉદ્યોગજગત સમક્ષ પોતાનું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ રજૂ કરવાની તક મળશે. નકશાજુઓ
સ્ટાર્ટઅપ મહાકુંભની પ્રથમ બે આવૃત્તિ દિલ્હીના ભારત મંડપમમાં યોજાઈ હતી. હવે તેની ત્રીજી આવૃત્તિ ૧૧મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સાથે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાશે. સમિટનું આયોજન ૧૦થી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૭ દરમિયાન કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારના ઉચ્ચ સ્તરીય સૂત્રોના જણાવ્યા અનુસાર, કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૦ જાન્યુઆરીની સવારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ધાટન કરે તેવી અપેક્ષા છે. ત્યારબાદ એ જ દિવસે સ્ટાર્ટઅપ મહાકુંભ યોજાય તેવી શક્યતા છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે કાર્યક્રમના આયોજનની તમામ જવાબદારી સંભાળવા રાજ્ય સરકારે સ્ટાર્ટઅપ મહાકુંભ સમિતિની રચના કરી છે. તેનું ઉદ્ધાટન ગાંધીનગરમાં થશે, જ્યારે પ્રદર્શન મહાત્મા મંદિર નજીક આવેલા હેલિપેડ ગ્રાઉન્ડ્સમાં યોજાય તેવી શક્યતા છે.
તૈયારીઓ સાથે સંકળાયેલા અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર સ્ટાર્ટઅપ મહાકુંભને અલગ કાર્યક્રમ તરીકે યોજવાને બદલે વાઇબ્રન્ટ ગુજરાત સમિટના મુખ્ય કાર્યક્રમનો વિશેષ હિસ્સો બનાવવાનું વિચારી રહી છે. તેના માટે એક સંકલિત સ્ટાર્ટઅપ પેવેલિયન ઊભું કરવાની દરખાસ્ત છે. તેમાં દેશ-વિદેશના સ્ટાર્ટઅપ, રોકાણકારો, કંપનીઓ, યુનિવર્સિટીઓ, ઇન્ક્યુબેટર્સ અને સરકારી વિભાગોને એક મંચ પર લાવવામાં આવશે.
પ્રસ્તાવિત કાર્યક્રમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડીપ ટેક, ફિનટેક, એગ્રીટેક, હેલ્થટેક અને બાયોટેક, ક્લાઇમેટ ટેક, ઇન્ડસ્ટ્રી ૪.૦, મોબિલિટી અને એરોસ્પેસ, વિદ્યાર્થીઓના સંશોધન અને નવીનતા, સામાજિક નવીનતા તથા વૈશ્વિક સ્ટાર્ટઅપ જોડાણ માટે અલગ ઝોન બનાવવાની યોજના છે.
વાઇબ્રન્ટ ગુજરાત સાથે આયોજન થવાથી વૈશ્વિક રોકાણકારો, ઉદ્યોગજગતના અગ્રણીઓ અને નીતિ ઘડનારાઓની હાજરીનો લાભ રાજ્યને મળશે. તેનાથી રોકાણની તકો વધશે, બજાર સુધી પહોંચ સરળ બનશે, ગિફટ સિટીને વધુ મજબૂત રીતે પ્રમોટ કરી શકાશે અને યુનિવર્સિટીઓનું ઇકોસિસ્ટમ પણ મજબૂત બનશે.
ઉલ્લેખનીય છે કે સ્ટાર્ટઅપ મહાકુંભ ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ (DPIIT)ની મહત્ત્વની પહેલ છે. તેનો હેતુ સ્ટાર્ટઅપ, રોકાણકારો, ઉદ્યોગ પ્રતિનિધિઓ અને અન્ય સંબંધિત પક્ષોને એક મંચ પર લાવી ભારતના ઉદ્યોગસાહસિક માળખાને મજબૂત કરવાનો છે.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
