<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

​તણાવમુક્તિ અને આરામ માટે પીઠ ખંજવાળવાનો અનોખો વ્યવસાય શરૂ કરીને માસિક રૂ. ૧૪ લાખ કમાતો ચીનનો યુવાન: માર્કેટમાં આ નવીન સબ-સેવા બોલબાલા મેળવી રહી છે

​ચીનના હુબેઈ પ્રાંતના ૩૨ વર્ષીય ઝાંગ શિયાઓકિયાઓએ 'સુમા' બ્રાન્ડ હેઠળ શરૂ કરેલા પ્રોફેશનલ સ્ક્રેચિંગ થેરાપી કન્સેપ્ટને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો; સેનઝેન શહેરમાં બે આઉટલેટ્સ દ્વારા દર મહિને ભારતીય ચલણ મુજબ લાખો રૂપિયાની કમાણી કરી નવો ટ્રેન્ડ સ્થાપિત કર્યો

બીજિંગ: ​દૈનિક જીવનની અતિશય દોડધામ અને માનસિક તણાવ વચ્ચે આરામ (રિલેક્સેશન) મેળવવા માટે લોકો અવનવા પ્રયોગો કરતા હોય છે. ત્યારે ચીનના એક સાહસિક યુવા એન્ટરપ્રેન્યોરે બાળપણની એક સામાન્ય ઘટના અને સોશિયલ મીડિયાના વિચારને વ્યાવસાયિક રૂપ આપીને એક અત્યંત અનોખો ધંધો શરૂ કર્યો છે. ચીનના હુબેઈ પ્રાંતના ૩૨ વર્ષીય યુવક ઝાંગ શિયાઓકિયાઓએ લોકોની પીઠ કે શરીરના અન્ય ભાગોની ખંજવાળ (ઈચિંગ) શાંત કરવા માટેની 'પ્રોફેશનલ સ્ક્રેચિંગ થેરાપી' શરૂ કરી છે. આ અનોખી સેવા દ્વારા તે દર મહિને આશરે ૧૪ લાખ રૂપિયા (ભારતીય ચલણ મુજબ) ની કમાણી કરી રહ્યો છે અને ચીનની આર્થિક રાજધાની ગણાતા શેનઝેન શહેરમાં આ સર્વિસની માંગ ખૂબ ઝડપથી વધી રહી છે.

​લક્ઝરી સ્પા જેવો માહોલ અને વિશેષ તાલીમબદ્ધ સ્ટાફ

​દક્ષિણ ચીનના અગ્રણી વર્તમાનપત્રના અહેવાલ મુજબ, ઝાંગે 'સુમા' (Suma) બ્રાન્ડ નામથી આ અનોખા બિઝનેસની શરૂઆત કરી છે. અહીં આ સેવાનો અનુભવ મેળવવા આવતા ગ્રાહકો માટે વાતાવરણ તદ્દન હાઈ-એન્ડ લક્ઝરી સ્પા કે મસાજ પાર્લર જેવું રાખવામાં આવ્યું છે. ગ્રાહકોને આરામદાયક બેડ પર સુવાડવામાં આવે છે અને તાલીમબદ્ધ સ્ટાફ તેમના શરીર પર હળવા હાથે ખંજવાળવાની કામગીરી કરે છે. આ માટે કર્મચારીઓ ખાસ ડિઝાઇન કરેલા સહેજ અણીદાર પણ ત્વચાને નુકસાન ન પહોંચાડે તેવા નખનો ઉપયોગ કરે છે. આ પદ્ધતિ માત્ર ખંજવાળ મટાડવા પૂરતી સીમિત નથી, પરંતુ માનસિક તણાવ ઘટાડવા, આરામ આપવા અને ગાઢ ઊંઘ લાવવાના એક શ્રેષ્ઠ ઉપાય તરીકે પ્રમોટ કરવામાં આવી રહી છે.

​કલાકના ૪,૨૦૦ રૂપિયા ચાર્જ છતાં ગ્રાહકોનો ધસારો

​આ પ્રોફેશનલ ઈચિંગ/સ્ક્રેચિંગ થેરાપી માટે ગ્રાહકો પાસેથી પ્રતિ કલાક લગભગ ૪,૨૦૦ રૂપિયા (ભારતીય ચલણમાં) લેવામાં આવે છે. ગ્રાહકો તેમની જરૂરિયાત મુજબ સ્ટાફને માર્ગદર્શન આપી શકે છે કે શરીરના કયા ભાગમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. ઘણી વખત આ પ્રક્રિયા દરમિયાન ગ્રાહકોને ગલીપચી થતાં તેઓ હસી પડે છે, જે તેમના તણાવને હળવો કરવામાં મદદ કરે છે. ઝાંગના જણાવ્યા મુજબ, મેટ્રો શહેરોમાં રહેતા લોકો ભારે કામના બોજ હેઠળ જીવતા હોય છે, જેથી તેમને આવી હળવી અને રિલેક્સિંગ પદ્ધતિઓ ખૂબ પસંદ પડી રહી છે.

​બે આઉટલેટ્સથી દર મહિને ૧૪ લાખની કમાણી, ૭૦ ટકા પુરુષ ગ્રાહકો

​ઝાંગે ચાલુ વર્ષના મે મહિનામાં શેનઝેનના બાઓન વિસ્તારમાં પોતાનું પ્રથમ આઉટલેટ ખોલ્યું હતું. ત્યાં મળેલી અકલ્પનીય સફળતા બાદ માત્ર એક જ મહિનામાં ફુતિયાન વિસ્તારમાં બીજી બ્રાન્ચ શરૂ કરી દીધી હતી. હાલમાં આ બંને આઉટલેટ્સ મળીને પ્રતિ માસ આશરે ૧૪ લાખ રૂપિયાથી વધુનું ટર્નઓવર કરી રહ્યા છે. આ સેવાનો લાભ પુરુષો અને મહિલાઓ બંને લે છે, પરંતુ તેમાં આશરે ૭૦ ટકા ગ્રાહકો પુરુષો છે. ઘણા નિયમિત ગ્રાહકોનું માનવું છે કે આ થેરાપી પરંપરાગત બોડી મસાજ કરતાં પણ વધુ રાહત આપે છે.

​સોશિયલ મીડિયા અને બાળપણની યાદોમાંથી મળ્યો આઈડિયા

​આ વ્યવસાય પાછળની કહાની પણ રસપ્રદ છે. ગત વર્ષે સોશિયલ મીડિયા પર ઝાંગે એક વિડિયો જોયો હતો જેમાં એક મહિલા તેના પતિની પીઠ ખંજવાળી રહી હતી. તે વિડિયોની કમેન્ટ્સમાં ઘણા લોકોએ લખ્યું હતું કે તેઓ પોતાની પીઠ ખંજવાળવા માટે કોઈને પણ ખુશીથી પૈસા આપવા તૈયાર છે. આ કમેન્ટ્સે ઝાંગને તેના બાળપણની યાદ અપાવી, જ્યારે તેના પિતા તેને સુવડાવવા માટે પ્રેમથી પીઠ ખંજવાળતા હતા. આ બંને બાબતોને જોડીને ઝાંગે વિચાર્યું કે શું આ સરળ અને આરામદાયક કામને એક પ્રોફેશનલ સર્વિસમાં બદલી શકાય?

​સાત નોકરીઓ બદલ્યા બાદ મળ્યો અનોખો રોડમેપ, ૧૦૦ આઉટલેટ્સ ખોલવાનું લક્ષ્ય

​ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ ઝાંગે એક જ વર્ષમાં સાત અલગ-અલગ નોકરીઓ બદલી હતી. તે પછી તેણે ઈ-કોમર્સ અને સોશિયલ મીડિયા સેક્ટરમાં પણ નસીબ અજમાવ્યું હતું, પરંતુ તેને ધાર્યા મુજબની સફળતા મળી નહોતી. ચીનમાં અગાઉ પ્રોફેશનલ સ્ક્રેચિંગ કે ઈચિંગ સર્વિસનો કોઈ ખ્યાલ ન હોવાથી ઝાંગે પોતે જ પ્રયોગો કરીને આ આખી ટેકનીક અને સર્વિસ ડિઝાઇન કરી હતી. હવે આ બિઝનેસ સફળ થતાં જ ઓનલાઈન પણ લોકોમાં ભારે ચર્ચા જાગી છે. કેટલાક લોકો રમુજમાં ચર્ચા કરી રહ્યા છે કે શું આને સત્તાવાર વ્યવસાય ગણવો જોઈએ કે નહીં. જોકે, ઝાંગને પોતાના આઈડિયા પર પૂરો વિશ્વાસ છે અને તે આગામી સમયમાં સમગ્ર ચીનમાં 'સુમા' બ્રાન્ડના ૧૦૦ થી વધુ આઉટલેટ્સ ખોલીને આ ક્ષેત્રને એક સુસ્થાપિત સર્વિસ પ્રોફેશન બનાવવાની યોજના ધરાવે છે.

(2:56 PM IST)