તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
રેખા ઝુનઝુનવાલાના હિસ્સામાં મોટો ફેરફાર થતાં સ્ટાર હેલ્થના શેરમાં ગાબડું: જાણો શું છે શેર ટ્રાન્સફરનું સાચું સત્ય
પ્રમોટર એન્ટિટી 'સિતારા પાર્ટનર્સ LLP' ને શેર ટ્રાન્સફર થતાં રોકાણકારોમાં ગેરસમજ; કંપનીએ ખુલાસો કરતા કહ્યું- “આ કોઈ માર્કેટ વેચાણ કે એક્ઝિટ નથી”

મુંબઈ, તા.૨૪: દેશની અગ્રણી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની ‘સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્શ્યોરન્સ’ના શેરહોલ્ડિંગ પેટર્નમાં જૂન ક્વાર્ટર દરમિયાન જાણીતા દિવંગત રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના પત્ની રેખા ઝુનઝુનવાલાના સીધા હિસ્સામાં મોટો ઘટાડો નોંધાતા શુક્રવારે કંપનીના શેરમાં ૧ ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, માર્કેટમાં વહેતી થયેલી અફવાઓ વચ્ચે કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ કોઈ ખુલ્લા બજારમાં વેચાણ (Open Market Sale) કે એક્ઝિટ નથી, પરંતુ ઉત્તરાધિકાર પ્રક્રિયા હેઠળ શેરનું આંતરિક અને ઓફ-માર્કેટ ટ્રાન્સફર છે.
કેવી રીતે થયો શેરનો આ ફેરફાર?
સ્વર્ગસ્થ રાકેશ ઝુનઝુનવાલાની મિલકતના પ્રોબેટ માટે ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDAI) ની મંજૂરી મળ્યા બાદ, તેમના ૮.૨૮ કરોડ શેર પૈકી ૭.૮૨ કરોડ ઇક્વિટી શેર ૨૪ જૂન, ૨૦૨૬ ના રોજ પ્રમોટર ગ્રુપની એન્ટિટી સિતારા પાર્ટનર્સ LLP (Sitara Partners LLP) ને ઓફ-માર્કેટ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
આ ટ્રાન્સમિશનના પરિણામે રેખા ઝુનઝુનવાલાનો સીધો વ્યક્તિગત હિસ્સો ઓછો દેખાઈ રહ્યો છે, પરંતુ આ શેર હવે સિતારા પાર્ટનર્સ LLP પાસે છે, જે સ્ટાર હેલ્થમાં ૧૩.૨૯ ટકા ઇક્વિટી હિસ્સો ધરાવે છે. આમ, પ્રમોટર જૂથના એકંદર કુલ હોલ્ડિંગમાં કોઈ ઘટાડો થયો નથી.
ઝુનઝુનવાલા પરિવાર અને સ્ટાર હેલ્થનો સંબંધ
ઝુનઝુનવાલા પરિવાર કંપનીના આઈપીઓ (IPO) પહેલાથી જ તેની સાથે જોડાયેલો છે. ૨૦૨૧ માં લાવવામાં આવેલા આઈપીઓ વખતે રાકેશ ઝુનઝુનવાલા પાસે ૧૪.૯૮ ટકા હિસ્સો હતો.
• પોર્ટફોલિયો મૂલ્ય: નવતર ડિસ્ક્લોઝર અનુસાર, રેખા ઝુનઝુનવાલા હાલમાં ૨૬ લિસ્ટેડ કંપનીઓમાં રોકાણ ધરાવે છે, જેમના સંયુક્ત પોર્ટફોલિયોનું મૂલ્ય ₹૪૭,૦૮૫.૪ કરોડથી પણ વધુ છે.
સ્ટોક પર્ફોર્મન્સ અને રિકવરી
જુલાઈ ૨૦૨૫ માં સ્ટાર હેલ્થનો શેર ₹૪૧૬.૦૫ ની ૫૨ અઠવાડિયાની નીચલી સપાટીએ ગબડ્યો હતો. પરંતુ ત્યાર બાદ શેરમાં શાનદાર વાપસી જોવા મળી હતી અને ૧૪ જુલાઈ, ૨૦૨૬ ના રોજ શેર લગભગ ૫૦ ટકાના ઉછાળા સાથે ₹૬૨૩.૪૫ ની ૫૨ અઠવાડિયાની નવી ટોચે પહોંચ્યો હતો. પ્રમોટર હોલ્ડિંગ અંગેની સ્થિતિ સ્પષ્ટ થતાં હવે બજારમાં શેરને લઈને સ્થિરતા આવવાની ધારણા છે.
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
