તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
શ્રીનગર: કાશ્મીરમાં જાફરી પરિષદ દ્વારા એકસાથે ૩૨ યુગલોના નિકાહ : શ્રીનગરના સમૂહલગ્ન સમારોહમાં માનવતા મહેકી, ગરીબ પરિવારોને મોટી રાહત અને નવદંપતીઓને આશીર્વાદ
સૌરાષ્ટ્રના ભાવનગરની જે. યુ. કુલસુમ તાલીમ કેન્દ્ર સંસ્થાના સહયોગથી દહેજમુક્ત લગ્નનો સુંદર સંદેશ : ઘરવખરીની જરૂરી ચીજવસ્તુઓ પણ અપાઈ, પોલીસ અધિકારીઓ અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરની જાફરી પરિષદ દ્વારા શ્રીનગરમાં યોજાયેલા ૧૨મા સામૂહિક નિકાહ સમારોહમાં કાશ્મીરના વિવિધ વિસ્તારોમાંથી આવેલા ૩૨ યુગલોએ લગ્નગ્રંથિથી જોડાઈને નવા જીવનની શરૂઆત કરી હતી. ગુજરાતના ભાવનગરની સંસ્થાના સહયોગથી યોજાયેલા સમારોહમાં સાદગી અને દહેજમુક્ત લગ્નનો સંદેશ આપવામાં આવ્યો હતો.
શ્રીનગરના બરબર શાહ વિસ્તારમાં આવેલા બાબા ડેમ્બ મેરેજ હોલ ખાતે રવિવારે યોજાયેલા સામૂહિક લગ્ન સમારોહમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું. જાફરી પરિષદના અધ્યક્ષ હાજી મુસાદિક હુસૈન મન્હાસના નેતૃત્વમાં ગુજરાતના ભાવનગર સ્થિત જે. યુ. કુલસુમ તાલીમ કેન્દ્રના સહયોગથી કાર્યક્રમનું આયોજન થયું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત પોલીસ નાયબ મહાનિરીક્ષક ઇમ્તિયાઝ હુસૈને આ સામાજિક પહેલની પ્રશંસા કરી હતી. તેમણે આર્થિક રીતે નબળા પરિવારોને સહાયરૂપ થવાની પ્રવૃત્તિને આવકારતાં અન્ય સામાજિક અને ધાર્મિક સંસ્થાઓને પણ પ્રેરણા લેવા જણાવ્યું હતું.
પરિષદના અધ્યક્ષ મન્હાસે જણાવ્યું કે લગ્ન માતાપિતા ઉપર આર્થિક બોજ બનવા જોઈએ નહીં. દહેજની માંગણી, દેખાડો અને બિનજરૂરી ખર્ચાળ લગ્નપ્રથાનો ત્યાગ કરવા તેમણે અપીલ કરી હતી.
નવદંપતીઓને નવું ઘર વસાવવામાં મદદરૂપ થવા પથારી, વાસણો, કપડાં અને ઘરવપરાશનાં આવશ્યક સાધનો આપવામાં આવ્યાં હતાં.
સમારોહમાં ગુલામ રસૂલ ચકાના, અબ્દુલ રશીદ ખાન, ધાર્મિક વિદ્વાનો અને સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલને ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ ગણાવવામાં આવી હતી.
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
