<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

તુર્કીયેમાં પણ ભારત વિરોધી પ્રવૃત્તિઓનો ફેલાવો: ઇસ્તંબુલમાં આયોજિત કાશ્મીર સંબંધી પરિષદમાં કુખ્યાત આતંકવાદી બુરહાન વાનીની તસવીર પ્રદર્શિત થતાં ભારે વિવાદ

પાકિસ્તાની રાજદ્વારીઓની હાજરીમાં કાશ્મીરના મુદ્દાને પેલેસ્ટાઈન સાથે જોડીને દુષ્પ્રચાર કરવાનો પ્રયાસ, તુર્કી યુવા સંગઠનના મથકે યોજાયેલા કાર્યક્રમમાં ભારત વિરોધી તત્વોએ ઓક્યું ઝેર

ઇસ્તંબુલ : પાકિસ્તાન બાદ હવે તુર્કીયેની ધરતી પર પણ ભારત વિરોધી ગતિવિધિઓ અને ભારત વિરોધી સૂર તેજ થઈ રહ્યા છે, જેના તાજા ઉદાહરણરૂપે તુર્કીયેના ઇસ્તંબુલ ખાતે કાશ્મીર મુદ્દે એક આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાકિસ્તાની રાજદ્વારીઓ અને અલગતાવાદી તત્વોની હાજરી વચ્ચે ભારત વિરુદ્ધ ખુલ્લેઆમ ઝેર ઓકવામાં આવ્યું હતું.

 

આ વિવાદાસ્પદ પરિષદ દરમિયાન સૌથી આશ્ચર્યજનક અને ચિંતાજનક બાબત એ રહી હતી કે પ્રદર્શનમાં કુખ્યાત આતંકવાદી બુરહાન વાનીની તસવીર જોવા મળી હતી અને તેના જૂના ફોટાઓનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોને ગેરમાર્ગે દોરવાના અને આતંકવાદને મહિમામંડિત કરવાના છૂપા પ્રયાસો કરવામાં આવ્યા હતા.

 

તુર્કીના એક યુવા સંગઠન દ્વારા તેના મુખ્ય મથક ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઇસ્તંબુલ ખાતેના પાકિસ્તાનના કોન્સલ જનરલ ખ્વાજા ખુર્રમ નઈમ ઉપરાંત વર્લ્ડ કાશ્મીર ફ્રીડમ મૂવમેન્ટના પ્રમુખ ડો. મુઝમ્મિલ અયુબ ઠાકુર, ઇસ્લામ એન્ડ ગ્લોબલ અફેર્સ સેન્ટરના ડિરેક્ટર ડો. સામી અલ એરિયન અને તુર્કી રિસર્ચ ફાઉન્ડેશનના વાઇસ પ્રેસિડેન્ટ ડો. એનેસ બાયરાકલી જેવા શખ્સો ઉપસ્થિત રહ્યા હતા.

 

આ પરિષદમાં કાશ્મીર અંગે ભારતની નીતિઓ, કથિત માનવાધિકાર ઉલ્લંઘન અને હિન્દુત્વ વિચારધારા જેવા નિમ્ન કક્ષાના મુદ્દાઓ પર ચર્ચા કરવા સાથે-સાથે કાશ્મીરના આંતરિક મુદ્દાને પેલેસ્ટાઈન સાથે જોડીને દુનિયા સમક્ષ રજૂ કરવાનો એકલવાયા અને નિષ્ફળ પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.

 

અગાઉ પણ તુર્કીયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર (UN) જેવા વૈશ્વિક મંચો પર પાકિસ્તાનના તાલે ચાલીને કાશ્મીરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, ત્યારે તુર્કીની ધરતી પર થઈ રહેલી આવી ભારત વિરોધી ગતિવિધિઓ બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો પર ગંભીર સવાલો ઊભા કરે છે.

(6:15 PM IST)