<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

સ્પોર્ટ્સવેર જાયન્ટ નાઇકીના શેરમાં ૮.૫% નો ભયાનક કડાકો: માર્કેટ કેપમાંથી અબજો ડોલરનું ધોવાણ, $૨.૫ બિલિયન બચાવવા નોકરીઓ કાપશે

ચીનમાં વેચાણ ઘટતા અને જોર્ડન બ્રાન્ડ્સની સુસ્તીથી ફટકો: CEO એલિયટ હિલના નેતૃત્વ હેઠળ નાઇકી ઇતિહાસના સૌથી કપરા તબક્કામાંથી પસાર

મુંબઈ, તા.02: વિશ્વની અગ્રણી સ્પોર્ટ્સવેર બ્રાન્ડ 'નાઇકી' (Nike) ના રોકાણકારો માટે માઠા સમાચાર આવ્યા છે. માર્કેટમાં આવકમાં મોટા ઘટાડાની આગાહી કર્યા બાદ નાઇકીના શેરમાં ગુરુવારના ટ્રેડિંગ સત્રમાં ૮.૫% નો જંગી કડાકો બોલાઈ ગયો છે. આ કડાકાને કારણે બજાર મૂલ્ય (માર્કેટ કેપ) માંથી અબજો ડોલરનું ધોવાણ થઈ ગયું છે. કંપની પોતાના ખર્ચમાં ૨.૫ બિલિયન ડોલરની બચત કરવા માટે હવે મોટા પાયે છટણી (નોકરીઓમાં કાપ) કરવાની યોજના બનાવી રહી છે.

વર્તમાન વર્ષ દરમિયાન નાઇકીના શેરમાં પહેલેથી જ ૪૦ ટકાથી વધુનું ગાબડું પડી ચૂક્યું છે. નવા સીઇઓ એલિયટ હિલના નેતૃત્વ હેઠળ કંપની અત્યાર સુધીના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે અને આગામી સમય પણ આહવાનરૂપ રહેવાની શક્યતા છે.

ચીનમાં સુસ્તી અને જોર્ડન બ્રાન્ડ્સનું નિરાશાજનક વેચાણ

નાઇકીના અપેક્ષા કરતાં નબળા ત્રિમાસિક પરિણામો અને નિરાશાજનક આઉટલુકને કારણે રોકાણકારોએ મોટા પાયે વેચવાલી કરી હતી. ચીનના માર્કેટમાં માંગ ઘટી છે, જ્યારે કંપનીની ફ્લેગશિપ સ્પોર્ટ્સવેર અને 'જોર્ડન' બ્રાન્ડ્સનું વેચાણ પણ સતત નબળું પડી રહ્યું છે. આ ઉપરાંત, કન્વર્ઝ (Converse) ની આવકમાં સતત ૧૪મા ક્વાર્ટરમાં ઘટાડો નોંધાતા કંપનીના ટર્નઅરાઉન્ડ પ્લાન પર મોટું દબાણ સર્જાયું છે.

૩૧ ઓગસ્ટના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નાઇકે ૧૧.૨ બિલિયન ડોલરની આવક નોંધાવી છે, જે વિશ્લેષકોના અંદાજ કરતાં ઘણી ઓછી અને ગત વર્ષની સરખામણીએ ૪ ટકા ઓછી છે. આ ગાળામાં ચોખ્ખો નફો ૨ ટકા ઘટીને ૭૧૨ મિલિયન ડોલર રહ્યો હતો.

ભવિષ્યની આઘાતજનક ગાઈડન્સથી બજાર સ્તબ્ધ

સૌથી મોટો ઝટકો નાઇકી દ્વારા જાહેર કરવામાં આવેલી ભવિષ્યની આગાહીથી લાગ્યો છે. કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૭ માટે આવકમાં મોટી ટકાવારીમાં ઘટાડો થવાની આશંકા વ્યક્ત કરી છે, જ્યારે વિશ્લેષકો માત્ર ૨.૪ ટકાના ઘટાડાનો અંદાજ મૂકી રહ્યા હતા. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, જો આ સ્થિતિ રહેશે તો નાઇકીનું વાર્ષિક વેચાણ મે ૨૦૨૦ પછીના સૌથી નીચલા સ્તરે પહોંચી જશે.

(5:20 PM IST)