<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

સુપ્રીમકોર્ટમાં વર્ષોથી પડતર કેસના નિકાલ માટે ઓગસ્‍ટમાં સ્‍પેશિયલ લોકઅદાલત

સમાધાન સમારોહનો અનોખો અભિગમ

નવી દિલ્‍હી,તા.૧૪: ગુજરાત સહિત દેશના જુદા જુદા રાજ્‍યો, શહેરો તથા જિલ્‍લા-તાલુકા મથકેથી સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલા અને વર્ષોથી પડતર હજારો કેસોના નિકાલના એક અનોખા કન્‍સેપ્‍ટ સાથે સુપ્રીમકોર્ટ દ્વારા સૌપ્રથમવાર સમાધાન સમારોહ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં સુપ્રીમકોર્ટ દ્વારા તા.૨૧,૨૨ અને ૨૩ ઓગસ્‍ટ દરમિયાન ૩ દિવસની વિશેષ લોકઅદાલત યોજાવાની છે. તેમાં મહત્તમ કેસનો નિકાલ થઈ શકે તે માટે અત્‍યારથી જ એટલે કે ૩ મહિના પહેલાથી આ અંગે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

સુપ્રીમકોર્ટ દ્વારા આ અનોખા કન્‍સેપ્‍ટને લઈ દેશની તમામ હાઈકોર્ટો, તમામ રાજ્‍યોના & કાનૂની સેવા સત્તામંડળ, જે તે જિલ્‍લા કાનૂની સેવાસમિતિઓને જરૂરી સૂચનાઓ પણ અપાઈ છે. જેમાં ગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગરસહિતના મોટા શહેરો અને સ્‍થાનિક જિલ્‍લા-તાલુકા કક્ષાની કાનૂની સેવા સમિતિએ કામ આરંભી પણ દીધું છે. આ સમારોહના કન્‍સેપ્‍ટનો ખ્‍યાલ જોઈએ તો, સુપ્રીમકોર્ટમાં વિવિધ રાજ્‍યો, શહેરો, જિલ્‍લા-તાલુકા  પંથકોમાંથી વર્ષોથી કેસ પડતર છે. તેમાં પક્ષકારો વચ્‍ચે સમાધાનકારી વલણ અપનાવી જિલ્‍લા કાનૂની સેવા સમિતિદ્વારા તેમના શહેર કે જિલ્‍લા, પંથકોના સુપ્રીમકોર્ટમાં પડતર કેસોની યાદી તૈયાર કરાશે. કેસનો નિકાલ કરવાનું શક્‍ય હોય તો કેસેનો તાત્‍કાલિકનિકાલ કરવાનો છે.

આ માટે કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ જે તે યાદી મુજબ કેસમાં જે કોઈ પક્ષકાર હોય તેનો જિલ્‍લા કાનૂનીસેવા સમિતિ, કોર્ટબેલીફ, પેરા લીગલ વોલેન્‍ટીયર્સ કે પોલીસ સંપર્ક કરશે. બાદમાં તેઓ તેમના પડતર કેસોમાં સમાધાનકારી નિકાલ ઈચ્‍છે છે કે કેમ તે જાણી આમાં ભાગ લેવાથી થનારા ફાયદા સહિતની બાબતો સમજાવશે.

(9:57 AM IST)