તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
અમેરિકાની રટગર્સ યુનિવર્સિટીમાં હિન્દુ ધર્મ પર વિશેષ મંથન: 'હિન્દુફોબિયા' અને ખોટી રજૂઆતો સામે શિક્ષણવિદોએ જગાવી જાગૃતિ, યુવા પેઢીએ રજૂ કર્યા મજબૂત વિચારો
'ડેમિસ્ટિફાઇંગ હિન્દુઇઝમ' સેમિનારમાં ૭૫થી વધુ વિદ્વાનો અને વિદ્યાર્થીઓ ઉમટ્યા: પશ્ચિમી સંસ્કૃતિ પર હિન્દુ ફિલસૂફીનો પ્રભાવ અને શૈક્ષણિક પાઠ્યપુસ્તકોમાં થતા પક્ષપાત સામે ઉઠ્યો અવાજ

ન્યૂ બ્રુન્સવિક (ન્યૂ જર્સી): અમેરિકાની પ્રતિષ્ઠિત રટગર્સ યુનિવર્સિટી ખાતે 'કોએલિશન ઓફ હિન્દુઝ ઓફ નોર્થ અમેરિકા' (CoHNA) દ્વારા હિન્દુ ધર્મ વિશે ફેલાયેલી ગેરસમજો દૂર કરવા માટે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. "ડેમિસ્ટિફાઇંગ હિન્દુઇઝમ: ક્લેરિટી થ્રુ સ્કોલરશિપ" શીર્ષક હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને સામુદાયિક નેતાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ સેમિનારનો મુખ્ય હેતુ હિન્દુ પરંપરાઓને શૈક્ષણિક સ્તરે યોગ્ય રીતે રજૂ કરવાનો અને યુવાનોને તેમના વારસા પ્રત્યે ગૌરવ અપાવવાનો હતો.
હિન્દુ વિરોધી માનસિકતા અને શૈક્ષણિક પડકારો
સેમિનાર દરમિયાન હાઈસ્કૂલના ઇતિહાસના શિક્ષક નીલ દેસાઈએ શૈક્ષણિક સંસ્થાઓમાં વધી રહેલા 'હિન્દુફોબિયા' (હિન્દુ ધર્મ પ્રત્યેનો ડર કે નફરત) વિશે ગહન ચર્ચા કરી હતી. તેમણે સમજાવ્યું હતું કે કેવી રીતે વર્ષોથી સંસ્થાગત સ્તરે હિન્દુ ધર્મને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે. તેની સાથે જ શોની સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. લાવણ્ય વેમસાનીએ જણાવ્યું હતું કે, પશ્ચિમી પાઠ્યપુસ્તકો અને મીડિયામાં સાવિત્રી, દ્રૌપદી અને કુંતી જેવી આદરણીય હિન્દુ સ્ત્રી પાત્રોનું ખોટું અર્થઘટન કરવામાં આવે છે, જે ગંભીર ચિંતાનો વિષય છે.
પશ્ચિમી જગત પર હિન્દુ ફિલસૂફીનો પ્રભાવ
એલિઝાબેથટાઉન કોલેજના પ્રોફેસર ડૉ. જેફરી ડી. લોંગે એક રસપ્રદ સત્રમાં જણાવ્યું હતું કે, અમેરિકાના સ્થાપક પિતા (Founding Fathers) થી લઈને જ્યોર્જ હેરિસન, સ્ટાર વોર્સ અને જુલિયા રોબર્ટ્સ જેવી હસ્તીઓ પર હિન્દુ ફિલસૂફીનો ઊંડો પ્રભાવ રહ્યો છે. તેમણે પશ્ચિમી સંસ્કૃતિમાં યોગ અને વેદાંતના પ્રદાનને વિગતવાર સમજાવ્યું હતું.
યુવા પેઢીનું મજબૂત નેતૃત્વ
સેમિનારના અંતે વિદ્યાર્થીઓ દ્વારા એક પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાતિવાદના સ્ટીરિયોટાઇપ્સ, નાસ્તિકતા, બહુત્વવાદ અને કેમ્પસમાં હિન્દુ વિદ્યાર્થીઓને નડતી સમસ્યાઓ પર ખુલીને ચર્ચા થઈ હતી. સિયાન (CYAN) રટગર્સના પ્રમુખ ધ્યેય રાયે જણાવ્યું હતું કે, "આ કાર્યક્રમથી અમને અમારા ધર્મને સમજવા માટે ઘણી સ્પષ્ટતા મળી છે અને તે અમારા જીવનના મહત્વના પ્રશ્નોમાં માર્ગદર્શક બનશે." રટગર્સના હિન્દુ ચેપ્લેન હિતેશ ત્રિવેદીએ પણ નોંધ્યંુ હતું કે, આ સેમિનાર હિન્દુ પરંપરાઓને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં રજૂ કરવા તરફનું એક મહત્વનું પગલું છે.
(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
