<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

લો બોલો! વિયેતનામના પહાડી વિસ્‍તારમાં દર વર્ષે ભરાય છે જૂના પ્રેમીઓનું બજાર

પતિ-પત્‍નીની હાજરીમાં છૂટા થયેલા પ્રેમીઓ ફરી મળે છે : લોકો સાથે બેસીને જૂની યાદો તાજી કરે છે, ગીતો ગાય છે અને એકબીજા સાથે વાતચીત કરે છે

લંડન તા.૧૯: વિશ્વમાં તમે અનેક પ્રકારના બજારો વિશે સાંભળ્‍યું હશે, પરંતુ શું તમે એવા બજાર વિશે જાણો છો જ્‍યાં લોકો સામાન ખરીદવા નહીં, પરંતુ પોતાના જૂના પ્રેમી-પ્રેમિકાને મળવા આવે છે? વિયેતનામના પહાડી વિસ્‍તારમાં વર્ષમાં માત્ર એકવાર ભરાતું ખાઉ વાઈ લવ માર્કેટ આ અનોખી પરંપરા માટે દુનિયાભરમાં જાણીતું છે.

વિયેતનામના ઉત્તર ભાગમાં આવેલા આ વિસ્‍તારમાં વર્ષમાં એક દિવસ એવો આવે છે જ્‍યારે જૂના પ્રેમીઓ ફરી એકબીજાને મળે છે. લોકો સાથે બેસીને જૂની યાદો તાજી કરે છે, ગીતો ગાય છે અને એકબીજા સાથે વાતચીત કરે છે. નવાઈની વાત એ છે કે કેટલાક લોકો પોતાના પતિ કે પત્‍ની સાથે પણ અહીં આવે છે. આ દરમિયાન ઈર્ષ્‍યા કે ઝઘડાની જગ્‍યાએ પરંપરા અને લાગણીઓનું સન્‍માન કરવામાં આવે છે.

દર વર્ષે ત્રીજા ચંદ્ર મહિનાની ૨૭મી તારીખે આ આયોજન થાય છે, જે સામાન્‍ય રીતે એપ્રિલ અથવા મે મહિનામાં આવે છે. અગાઉ આ કાર્યક્રમ માત્ર એક દિવસ ચાલતો હતો, પરંતુ હવે સાંસ્‍કૃતિક કાર્યક્રમો સહિત તે બે-ત્રણ દિવસ સુધી ચાલે છે. આ પરંપરાની શરૂઆત લગભગ ૧૦૦ વર્ષ પહેલાં, ૧૯૧૯ની આસપાસ થઈ હોવાનું માનવામાં આવે છે.

આ પરંપરા પાછળ એક દર્દભરી પ્રેમકથા જોડાયેલી છે. સ્‍થાનિક દંતકથા અનુસાર, નુન્‍ગ જાતિના યુવક બા અને ગિયાઈ જાતિની યુવતી ઉત એકબીજાના પ્રેમમાં હતા. બા ગરીબ હતો, પરંતુ તે સુંદર રીતે ગીત ગાતો અને વાંસળી વગાડતો હતો. બીજી તરફ ઉત પોતાના કબીલાના સરદારની પુત્રી હતી. બંને અલગ જાતિના હોવાથી તેમના પરિવારોએ સંબંધનો વિરોધ કર્યો. કહેવાય છે કે આ સંબંધને કારણે બંને કબીલાઓ વચ્‍ચે વિવાદ પણ શરૂ થયો હતો. સ્‍થિતિ વધુ ન બગડે તે માટે બંને પ્રેમીઓએ અલગ થવાનો નિર્ણય લીધો. જોકે તેમણે એક વચન આપ્‍યું કે દર વર્ષે ત્રીજા ચંદ્ર મહિનાની ૨૭મી તારીખે તેઓ ખાઉ વાઈની ખીણમાં મળતા રહેશે.

બંને અહીં મળતા, ગીતો ગાતા, એકબીજા સાથે વર્ષભરની વાતો કરતા અને પછી પોતાના પરિવાર પાસે પરત ફરી જતા. કહેવાય છે કે તેમણે જીવનના અંત સુધી આ વચન નિભાવ્‍યું. સ્‍થાનિક લોકોએ તેમની યાદમાં અહીં બે મંદિર પણ બનાવ્‍યા છે. આજે પણ આ પરંપરાની શરૂઆત મંદિરોમાં પૂજા-અર્ચનાથી થાય છે.

(9:56 AM IST)