<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

AAP ના ‘ઝાડુ’ના તણખલા વિખેરાયા: સ્થાપનાથી અત્યાર સુધી પક્ષમાં ભંગાણનો સિલસિલો યથાવત

પક્ષમાં અસંતોષનો વિસ્ફોટ: યોગેન્દ્ર યાદવ અને કુમાર વિશ્વાસ બાદ હવે રાઘવ ચઢ્ઢા; 2012થી 2026 સુધીમાં અનેક દિગ્ગજોએ કેમ આપ્યા રાજીનામા? જાણો આમ આદમી પાર્ટીના આંતરિક વિખવાદનો ઇતિહાસ

નવી દિલ્હી : વર્ષ ૨૦૧૨માં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાંથી જન્મેલી આમ આદમી પાર્ટી (AAP) માટે એપ્રિલ ૨૦૨૬નો સમય અત્યાર સુધીનો સૌથી કપરો સાબિત થઈ રહ્યો છે. પક્ષના ‘પોસ્ટર બોય’ ગણાતા રાઘવ ચઢ્ઢા સહિત રાજ્યસભાના આઠ સાંસદોએ કેજરીવાલનો સાથ છોડી દેતા રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે. પક્ષની સ્થાપના થઈ ત્યારથી જ ‘કટ્ટર પ્રામાણિકતા’નો દાવો કરનાર AAP નો માર્ગ તેના જ પોતાના નેતાઓના રાજીનામા અને હકાલપટ્ટીને કારણે કાંટાળો બન્યો છે.
૨૦૧૫ થી ૨૦૧૮: આંતરિક લોકશાહી પર સવાલો
AAP માં ભંગાણની શરૂઆત પક્ષના સ્થાપક સભ્યોથી જ થઈ હતી. ૨૦૧૫ માં જ્યારે પક્ષે દિલ્હીમાં ભવ્ય વિજય મેળવ્યો, ત્યારે જ આંતરિક લોકશાહીના અભાવના આક્ષેપો સાથે યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણ જેવા દિગ્ગજોને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત કુમાર વિશ્વાસ સાથેનો રાજ્યસભાની ટિકિટનો વિવાદ પણ ઘણો ગાજ્યો હતો, જેના કારણે અંતે પક્ષના એક સમયના લોકપ્રિય કવિ અને નેતાએ દૂરી બનાવી લીધી હતી.
૨૦૨૬ નો સૌથી મોટો આંચકો: રાઘવ ચઢ્ઢાનો ‘ચમત્કાર’
ચાલુ વર્ષે ૨૦૨૬ માં આમ આદમી પાર્ટીને અત્યાર સુધીનો સૌથી મોટો આંચકો લાગ્યો છે. રાઘવ ચઢ્ઢાના નેતૃત્વમાં પક્ષના ૭ રાજ્યસભા સાંસદો - જેમાં સંદીપ પાઠક, સ્વાતિ માલીવાલ, હરભજન સિંહ, અશોક મિત્તલ, રાજેન્દ્ર ગુપ્તા અને વિક્રમજીત સાહનીનો સમાવેશ થાય છે - તેઓ પક્ષ છોડીને ભાજપમાં જોડાયા છે. આ પક્ષપલટાએ કેજરીવાલની રણનીતિ અને પક્ષમાં અસંમતિ માટેની જગ્યા પર અનેક પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે.
પક્ષ છોડનારા અને હકાલપટ્ટી કરાયેલા નેતાઓની યાદી:
•    હકાલપટ્ટી: વિનોદ કુમાર બિન્ની (૨૦૧૪), યોગેન્દ્ર યાદવ (૨૦૧૫), પ્રશાંત ભૂષણ (૨૦૧૫), આનંદ કુમાર (૨૦૧૫), કપિલ મિશ્રા (૨૦૧૭).
•    રાજીનામું: શાઝિયા ઇલ્મી (૨૦૧૪), આશુતોષ (૨૦૧૮), અલકા લાંબા (૨૦૧૯), રાજકુમાર આનંદ (૨૦૨૪).
•    ૨૦૨૫-૨૬માં બળવો: નરેશ યાદવ, ભાવના ગૌર, રાજેશ ઋષિ સહિતના અનેક ધારાસભ્યો અને હવે રાઘવ ચઢ્ઢા સહિત ૮ સાંસદો.
શું AAP પોતાની વિશ્વસનીયતા ગુમાવી રહી છે?
એક સમયે અણ્ણા હજારેના આંદોલન સાથે જોડાયેલા ચહેરાઓ જેવા કે શાંતિ ભૂષણ અને કિરણ બેદી પણ સમય જતાં અલગ થઈ ગયા હતા. ૨૦૨૫ ની દિલ્હી ચૂંટણી પૂર્વે ટિકિટ વિતરણને લઈને સર્જાયેલો અસંતોષ હવે ૨૦૨૬માં પક્ષ માટે અસ્તિત્વની લડાઈ બની ગયો છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે વારંવારના આંતરિક વિખવાદ અને દિગ્ગજ નેતાઓના વિદાયથી પક્ષની છબી ખરડાઈ રહી છે.

(9:26 PM IST)