<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

દુનિયાભરની 'પેનકેક'માં દક્ષિણ ભારતના મસાલા ઢોસાનો દબદબો: વિશ્વના શ્રેષ્ઠ લિસ્ટમાં છઠ્ઠો ક્રમ મેળવી વિદેશીઓના દિલ જીત્યા!

TasteAtlas ના સર્વેમાં ભારતીય સ્વાદનો ડંકો: ૫.૯૦ લાખથી વધુ રેટિંગ્સના આધારે મસાલા ઢોસા ટોપ-૧૦ માં સામેલ, પેપર ઢોસા અને સાદા ઢોસાએ પણ જમાવી ધાક

બેંગલુરુ:  ભારતીય ભોજનનો સ્વાદ હવે સાત સમંદર પાર પણ ગુંજી રહ્યો છે. પ્રખ્યાત ફૂડ ગાઈડ 'TasteAtlas' દ્વારા જાહેર કરવામાં આવેલી વિશ્વની શ્રેષ્ઠ 'પેનકેક્સ' (Pancakes) ની યાદીમાં દક્ષિણ ભારતની શાન ગણાતા મસાલા ઢોસાએ છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કરીને ઈતિહાસ રચ્યો છે. આટલું જ નહીં, વિશ્વની ૧૦૦ શ્રેષ્ઠ વાનગીઓની યાદીમાં પણ ભારતીય ભોજન ૧૩મા ક્રમે રહ્યું છે, જે દર્શાવે છે કે દુનિયા હવે ભારતીય મસાલા અને સ્વાદની દીવાની બની છે.
૫.૯૦ લાખ લોકોએ આપ્યું રેટિંગ
આ યાદી કોઈ એક વ્યક્તિના અભિપ્રાય પર નહીં, પરંતુ વિશ્વભરના ૫.૯૦ લાખથી વધુ વપરાશકર્તાઓના રેટિંગ અને ૧૯,૦૦૦ જેટલી વાનગીઓના વિશ્લેષણ બાદ તૈયાર કરવામાં આવી છે. મસાલા ઢોસાને ૪.૩ નું ઉચ્ચ રેટિંગ મળ્યું છે. TasteAtlas એ ઢોસાને તેની બનાવવાની રીત એટલે કે તવા પર ખીરું પાથરીને બનાવવાની પદ્ધતિને કારણે 'પેનકેક' ની શ્રેણીમાં રાખ્યું છે. જોકે, તે સામાન્ય ગળી પેનકેક કરતા તદ્દન અલગ અને સ્વાદિષ્ટ હોય છે.
ઢોસાની અન્ય વેરાયટીઓ પણ ફેમસ
માત્ર મસાલા ઢોસા જ નહીં, પણ ઢોસાની અન્ય બે વેરાયટીઓ પણ આ વૈશ્વિક લિસ્ટમાં સ્થાન પામી છે. સાદા ઢોસાની કેટેગરી ૪.૨ રેટિંગ સાથે ૧૫મા ક્રમે રહી છે, જ્યારે તેની કરકરી બનાવટ માટે જાણીતા 'પેપર ઢોસા' ૪.૧ રેટિંગ સાથે ૩૫મા ક્રમે રહ્યા છે. આ આંકડા સાબિત કરે છે કે ઢોસા હવે માત્ર ભારતીયોનો નાસ્તો નથી રહ્યો, પણ વૈશ્વિક સ્તરે એક ઓળખ બની ગયો છે.
વિશ્વની ટોપ-૫ વાનગીઓ
આ યાદીમાં ટોપ-૫ માં લાતવિયાની કાર્તુપેલુ પાનકુકાસ, ફ્રેન્ચ ક્રેપ્સ અને ચીનની જિયાનબિંગ જેવી વાનગીઓ સામેલ છે. આ યાદીમાં મસાલા ઢોસા એકમાત્ર એવી વાનગી છે જે આથો લાવીને બનાવવામાં આવે છે અને મસાલેદાર બટાકાના પૂરણ સાથે પીરસવામાં આવે છે. સામાન્ય રીતે સાંભર અને નાળિયેરની ચટણી સાથે પીરસાતા ઢોસા તેની વિવિધતા જેમ કે મૈસૂર મસાલા ઢોસા, રવા ઢોસા અને ઓનિયન ઢોસાને કારણે પણ વિદેશી પ્રવાસીઓમાં અત્યંત લોકપ્રિય છે.

(9:14 PM IST)