<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

દક્ષિણ ચીન અને હોંગકોંગ પર ભયાનક 'ટાયફૂન નૌલ'નું સંકટ: ૧૪૦ કિમીની ઝડપે ફૂંકાશે પવન, સેંકડો ફ્લાઇટ્સ અને ટ્રેનો રદ!

૨૦,૦૦૦થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર: હોંગકોંગમાં ૮ નંબરનું એલર્ટ જારી, પૂર અને ભૂસ્ખલનની આશંકાથી તંત્ર હાઇ એલર્ટ પર

બીજિંગ : દક્ષિણ ચીન સમુદ્રમાં સર્જાયેલું ભીષણ ચક્રવાત 'ટાયફૂન નૌલ' હવે વધુ દાનવી સ્વરૂપ ધારણ કરીને ગુઆંગડોંગ પ્રાંત અને હોંગકોંગના દરિયાકાંઠા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. કેન્દ્ર નજીક ૧૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે આ વાવાઝોડું ગમે તે ક્ષણે જમીન સાથે ટકરાવાની (લેન્ડફોલ) ધારણા છે. આ ભયાનક તોફાનને પગલે હોંગકોંગ અને દક્ષિણ ચીનમાં જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને તંત્ર દ્વારા વ્યાપક સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

વાવાઝોડાના સીધા ખતરાને ધ્યાનમાં રાખીને હોંગકોંગ ઓબ્ઝર્વેટરી દ્વારા શનિવારે 'સિગ્નલ નંબર ૮' નું ઇમરજન્સી એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેને સ્થિતિ બિગડતાં 'નંબર ૯' સુધી લંબાવવામાં આવી શકે છે. તોફાનના કારણે હોંગકોંગમાં ૪૧૦ થી વધુ વિમાની ઉડ્ડયનો અને ૧૫૦ થી વધુ હાઇ-સ્પીડ ટ્રેન સેવાઓ રદ કરી દેવામાં આવી છે. ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે હોંગકોંગ વહીવટીતંત્રે તાત્કાલિક ધોરણે ૨૮ આશ્રયસ્થાનો (શેલ્ટર હોમ) કાર્યરત કરી દીધા છે.

બીજી તરફ, ચીનના નેશનલ મેટિઓરોલોજિકલ સેન્ટરે ગુઆંગડોંગ, હુનાન અને જિયાંગસી પ્રાંતો માટે સોમવાર સુધી મુસળધાર વરસાદનું હાઇ એલર્ટ જારી કર્યું છે. ચીન સરકારે અત્યાર સુધીમાં દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાંથી ૨૦,૦૦૦ થી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડ્યા છે. પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન, અચાનક પૂર અને નદીઓ છલકાવાની આશંકાને પગલે રાહત અને બચાવ ટુકડીઓને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. આ વાવાઝોડું ત્રાટક્યા બાદ પણ આગામી કેટલાક દિવસો સુધી ભારે વિનાશ નોતરી શકે છે તેવી આપત્તિ વ્યવસ્થાપન વિભાગે ભીતિ દર્શાવી છે.

(11:47 PM IST)