તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
દુનિયામાં વાગ્યો ભારતની સેનાનો ડંકો: ફિલિપાઇન્સ બાદ હવે આ પાવરફુલ દેશ પણ સેનામાં સામેલ કરશે 'બ્રહ્મોસ' મિસાઇલ
વિયેતનામે ભારતની સુપરસોનિક ક્રુઝ મિસાઇલ ખરીદવાના સોદા પર લગાવી મહોર : ઇન્ડોનેશિયા સાથે પણ ડીલ અંતિમ તબક્કામાં : ચીનના નાક નીચે સાઉથ ચાઇના સીમાં ભારતીય બ્રહ્માસ્ત્ર તૈનાત થતાં વૈશ્વિક સંરક્ષણ બજારમાં મચ્યો હડકંપ

નવી દિલ્હી : વૈશ્વિક સંરક્ષણ બજારમાં ભારત એક મોટી સૈન્ય મહાસત્તા તરીકે ઉભરી રહ્યું છે, જેનો તાજો પુરાવો બ્રહ્મોસ મિસાઇલના આંતરરાષ્ટ્રીય સોદાઓથી મળ્યો છે. ફિલિપાઇન્સ બાદ હવે વિયેતનામે પણ ભારતની ઘાતક સુપરસોનિક ક્રુઝ મિસાઇલ 'બ્રહ્મોસ' ખરીદવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. ભારતના સંરક્ષણ સચિવ આર.કે. સિંહે આ ગર્વભરી સિદ્ધિની સત્તાવાર પુષ્ટિ કરતાં જણાવ્યું છે કે વિયેતનામ ટૂંક સમયમાં જ બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમને પોતાની સેનામાં સામેલ કરીને સરહદો મજબૂત કરશે. આ ઉપરાંત, દક્ષિણ-પૂર્વ એશિયાના અન્ય એક શક્તિશાળી દેશ ઇન્ડોનેશિયા સાથે પણ આ મિસાઇલના વેચાણ અંગેની વાટાઘાટો હવે આખરી તબક્કામાં પહોંચી ગઈ છે, જે ભારત માટે બહુ મોટી રાજદ્વારી સફળતા છે.
સંરક્ષણ ક્ષેત્રના અહેવાલો અનુસાર, ઇન્ડોનેશિયા વર્ષ ૨૦૨૮ સુધીમાં ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલની ત્રણ અત્યાધુનિક બેટરીઓ મેળવે તેવી પ્રબળ શક્યતા છે. આ પહેલા વર્ષ ૨૦૨૪માં ફિલિપાઇન્સે ભારત પાસેથી બ્રહ્મોસ કોસ્ટલ એન્ટી-શિપ મિસાઇલ સિસ્ટમ ખરીદીને આ વૈશ્વિક નિકાસની શરૂઆત કરાવી હતી. દક્ષિણ ચીન સમુદ્ર (South China Sea) માં ચીનની વધતી દાદાગીરી વચ્ચે વિયેતનામ, ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયા જેવા દેશોનું ભારતીય હથિયારો પર આટલો મોટો વિશ્વાસ દર્શાવવો એ બેઇજિંગ માટે મોટો વ્યૂહાત્મક આંચકો માનવામાં આવે છે. આ સોદાઓથી સ્પષ્ટ થાય છે કે સ્વદેશી લશ્કરી ટેકનોલોજીમાં ભારતનું કદ દુનિયામાં ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે.
બ્રહ્મોસને વર્તમાન સમયમાં વિશ્વની સૌથી ઝડપી અને અચૂક નિશાન સાધનારી સુપરસોનિક ક્રુઝ મિસાઇલ માનવામાં આવે છે. ભારત અને રશિયાના સંયુક્ત સાહસથી બનેલી આ મિસાઇલની પ્રહાર ક્ષમતા આશરે ૨૯૦ કિલોમીટરની છે અને તે 'મેક ૨.૮' ની ચોંકાવનારી ઝડપે દુશ્મન પર તૂટી પડે છે. સાદા શબ્દોમાં કહીએ તો તેની ગતિ ૩,০০০ કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ છે, જે અવાજની ઝડપ કરતાં લગભગ ત્રણ ગણી વધારે હોવાથી દુશ્મનના રડાર કે એર ડિફેન્સ સિસ્ટમ માટે તેને હવામાં રોકવી અશક્ય સમાન છે. ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના ત્રણેયમાં સફળતાપૂર્વક તૈનાત આ મિસાઇલ હવે વિદેશી ધરતી પર પણ ભારતની અતુલ્ય સૈન્ય શક્તિનો પડઘો પાડશે.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
