તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
સોનિયા ગાંધીની મુશ્કેલીમાં ધરખમ વધારો: ‘નાગરિકતા વિના મતદાર કેવી રીતે બન્યા?’ કોર્ટે માગ્યો ખુલાસો, 46 વર્ષ જૂના વિવાદમાં કોંગ્રેસની ચિંતા વધી!
1983 માં નાગરિકતા અને 1980 માં મતદાર યાદીમાં નામ: રાઉઝ એવન્યુ કોર્ટનો મોટો આદેશ, એક સપ્તાહમાં જવાબ રજૂ કરવા સોનિયા ગાંધીના વકીલને તાકીદ

નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી માટે કાયદાકીય મોરચે એક નવી આફત આવી છે. વર્ષો જૂના નાગરિકતા અને મતદાર યાદીના વિવાદે ફરી જોર પકડ્યું છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે શનિવારે આ મામલે કડક વલણ અપનાવતા સોનિયા ગાંધીના વકીલ પાસે એક સપ્તાહમાં લેખિત જવાબ માંગ્યો છે. આ કેસમાં અરજદારે એવા ગંભીર સવાલો ઉઠાવ્યા છે જે સોનિયા ગાંધીની રાજકીય સફરના પ્રારંભિક ગાળા પર પ્રશ્નાર્થ ચિન્હ મૂકે છે.
શું છે સમગ્ર ‘નાગરિકતા’ વિવાદ?
આ સમગ્ર કેસ સોનિયા ગાંધીએ ભારતની નાગરિકતા મેળવી તે પહેલાના સમયગાળાનો છે. અરજીકર્તા વિકાસ ત્રિપાઠીનો સનસનીખેજ આરોપ છે કે સોનિયા ગાંધીને ભારતની સત્તાવાર નાગરિકતા 1983માં મળી હતી. પરંતુ, આશ્ચર્યજનક રીતે તેમનું નામ 1980ની દિલ્હીની મતદાર યાદીમાં પહેલેથી જ નોંધાયેલું હતું. કાયદા મુજબ, ભારતની નાગરિકતા વગર કોઈ પણ વ્યક્તિ મતદાર યાદીમાં નામ નોંધાવી શકે નહીં, તો પછી આ ‘જાદુ’ કેવી રીતે થયો? તે મોટો સવાલ છે.
રાજકીય પ્રભાવથી નામ નોંધાવ્યાનો આક્ષેપ
અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે 1980માં નામ દાખલ થયા બાદ, વિવાદ વધતા 1982માં તેને હટાવી લેવામાં આવ્યું હતું અને ફરીથી 1983માં (નાગરિકતા મળ્યા બાદ) જોડવામાં આવ્યું હતું. અરજદારના મતે, આ માત્ર ભૂલ નથી પણ તે સમયે સત્તા અને રાજકીય પ્રભાવનો ઉપયોગ કરીને કરવામાં આવેલી છેતરપિંડી છે. તેમણે આ બાબતે સોનિયા ગાંધી વિરુદ્ધ ગુનાહિત કેસ નોંધવાની માંગ કરી છે.
હવે આગળ શું?
કોર્ટમાં અરજીકર્તાની દલીલો પૂર્ણ થઈ ગઈ છે અને તેમણે ચૂંટણી પંચનો રેકોર્ડ રજૂ કરવાની પણ માંગ કરી છે. બીજી તરફ, સોનિયા ગાંધીના વકીલે બચાવ પક્ષે પુરાવા રજૂ કરવા માટે સમય માંગ્યો છે. કોર્ટે હવે આ મામલે આગામી સુનાવણી 16 મેના રોજ નક્કી કરી છે.
ચૂંટણીના માહોલ વચ્ચે સોનિયા ગાંધીની આ જૂની ફાઈલ ખૂલતા કોંગ્રેસ છાવણીમાં ગભરાટ ફેલાયો છે. જો કોર્ટ આ મામલે કડક કાર્યવાહીનો આદેશ આપે, તો સોનિયા ગાંધીની રાજકીય મુશ્કેલીઓ આગામી દિવસોમાં અનેકગણી વધી શકે છે.
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
