તા. ૨૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૧૧ શુક્રવાર
News of Sunday, 19th July 2026
સોનમ વાંગચુકની તબિયત પર હોસ્પિટલનું અપડેટ: પરિવારનો હોસ્પિટલ પરથી ઉઠ્યો વિશ્વાસ
સફદરજંગ હોસ્પિટલમાં બળજબરીથી સારવારનો આરોપ, પરિવારજનોની ખાનગી હોસ્પિટલમાં ખસેડવા માટે હાઈકોર્ટમાં ધા

નવી દિલ્હી : શિક્ષણવિદ્ અને સામાજિક કાર્યકર સોનમ વાંગચુકની સતત ૨૧ દિવસની ભૂખ હડતાળ બાદ શનિવારે દિલ્હી પોલીસે તેમને બળજબરીથી સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. ચારુ બામ્બાના જણાવ્યા અનુસાર, વાંગચુક હાલમાં સંપૂર્ણપણે ભાનમાં છે અને તેમના બ્લડ પ્રેશર તેમજ ઓક્સિજનના સ્તર સામાન્ય છે, પરંતુ તેમને કડક તબીબી દેખરેખ હેઠળ રાખવાની તાતી જરૂરિયાત છે.
વહીવટીતંત્રના દાવાઓ વચ્ચે સોનમ વાંગચુકના પરિવાર અને સાથીદારોએ ગંભીર વાંધા ઉઠાવ્યા છે. તેમની પત્ની ગીતાંજલી જે. એંગ્મોએ સફદરજંગ હોસ્પિટલની સારવાર પર અવિશ્વાસ વ્યક્ત કરતા આક્ષેપ કર્યો છે કે, વાંગચુકના વાસ્તવિક મેડિકલ રિપોર્ટ્સ, ખાસ કરીને પોટેશિયમના સ્તરને છુપાવવામાં આવી રહ્યા છે. પરિવારનું કહેવું છે કે વાંગચુકને તેમની સંમતિ વિના સારવાર આપવામાં આવી રહી છે, જે તેમના અધિકારોનું ઉલ્લંઘન છે.
પરિવારે વધુમાં આરોપ લગાવ્યો છે કે હોસ્પિટલમાં તેમની હિલચાલ પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. વોર્ડની આસપાસ ૧૦૦થી વધુ પોલીસકર્મીઓ તૈનાત છે અને પરિજનોને દર્દી સાથે પૂરતો સંપર્ક કરવા દેવામાં આવતો નથી. પત્ની એંગ્મોએ આ સ્થિતિને 'તબીબી સંભાળ' ને બદલે 'ગેરકાયદેસર અટકાયત' ગણાવી છે અને સોનમ વાંગચુકને તાત્કાલિક અસરથી તેમની પસંદગીની ખાનગી હોસ્પિટલમાં સ્થાનાંતરિત કરવાની માંગ કરી છે.
આ સમગ્ર વિવાદ ૨૮ જૂનથી જંતર-મંતર પર શરૂ થયેલી ભૂખ હડતાળને લઈને છે, જ્યાં વાંગચુક NEET-UG કૌભાંડ અને પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યા છે. હડતાળ દરમિયાન તેમની બગડતી તબિયતને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટના નિર્દેશોના પાલનમાં પોલીસે તેમને હોસ્પિટલ ભેગા કર્યા હતા. જોકે, હવે આ મામલો હોસ્પિટલના વહીવટ અને દર્દીની સ્વાયત્તતા વચ્ચેના કાયદાકીય જંગમાં ફેરવાઈ ગયો છે.
પરિવારે ન્યાય મેળવવા માટે દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે અને તાત્કાલિક સુનાવણીની વિનંતી કરી છે. પરિવારને આશા છે કે કોર્ટના હસ્તક્ષેપથી તેમને સોનમ વાંગચુકને ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવાની મંજૂરી મળશે, જેથી તેઓ યોગ્ય અને વિશ્વાસપાત્ર સારવાર મેળવી શકે.
આ મામલે હવે સૌની નજર હાઈકોર્ટના આગામી નિર્ણય પર ટકેલી છે. સોનમ વાંગચુકના આંદોલનની આગામી દિશા હવે તેમની તબિયતમાં સુધારા અને કાયદાકીય લડાઈના પરિણામો પર નિર્ભર રહેશે.
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
