તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
સોનમ વાંગચુક નજરકેદ? ઘરની બહાર ૨૫ પોલીસકર્મીઓનો પહેરો
લદ્દાખના જાણીતા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે પોતાને નજરકેદ કરવામાં આવ્યા હોવાનો દાવો કર્યો

લેહ,તા.૧૩: લદ્દાખના જાણીતા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે પોતાને નજરકેદ કરવામાં આવ્યા હોવાનો દાવો કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને જણાવ્યું છે કે તેમના ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ અને પેરામિલિટ્રી ફોર્સના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સોનમ વાંગચુકે લગભગ ૩ મિનિટનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેમણે ઘરની બહાર તૈનાત કેટલાક જવાનોને બતાવ્યા છે. તેમનો દાવો છે કે, ગઈકાલ રાતથી જ તેમને નજરકેદ કરવામાં આવ્યા છે. લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે તેઓ ધરણા કરવાના હતા, પરંતુ તે પહેલાં જ તેમને નજરકેદ કરી દેવામાં આવ્યા હોવાનો તેમનો આરોપ છે.
સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં સોનમ વાંગચુકે કહ્યું કે, મને હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યો છે. મારા ઘરની બહાર ૨૦થી ૨૫ પોલીસકર્મીઓ અને પેરામિલિટ્રી ફોર્સના જવાનો તૈનાત છે. અહીં મોટી સંખ્યામાં વાહનો અને તંબુ પણ લગાવવામાં આવ્યા છે. દરેક જગ્યાએ પોલીસકર્મીઓ બંદૂકો સાથે પહેરો ભરી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ગયા વર્ષે ૨૪ સપ્ટેમ્બરે લદ્દાખમાં થયેલી હિસાની તપાસનો રિપોર્ટ જાહેર કરવાની માંગ સાથે તેઓ ધરણા કરવાની તૈયારી કરી રહ્યા હતા. જોકે, ધરણા શરૂ થાય તે પહેલાં જ તેમને નજરકેદ કરી લેવામાં આવ્યા હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે. વાંગચુકે કહ્યું કે, 'મેં તેમને સ્પષ્ટ કહ્યું કે હું જેલમાં જવા માટે તૈયાર છું, તો તેઓ મને ઉઠાવીને મારા ઘરમાં લાવ્યા અને ત્યારથી હું આ ઘરમાં નજરકેદ છું'
વાંગચુકે કહ્યું કે, બહાર જવાની કોઈ જગ્યા નથી, ચારેકોર પહેરો છે. જોકે, અખબારોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. પણ આટલાબધા પોલીસકર્મીઓનો મતલબ છે કે હું ક્યાંય જઈ શકતો નથી, નજરકેદ છું.
સોનમ વાંગચુકે આ કાર્યવાહી સામે કાનૂની લડાઈ લડવાની પણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે આ મામલે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. હવે તેઓ હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી આ કાર્યવાહીનો વિરોધ કરવાની તૈયારી કરી રહ્યા છે. વાંગચુકે સવાલ ઉઠાવ્યો કે કોઈ વ્યક્તિ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવા માગતી હોય તો તેને કોઈ સ્પષ્ટ ધરપકડ વિના કેવી રીતે રોકી શકાય? તેમણે આ કાર્યવાહીને મનમાની ગણાવી છે. તેમણે વધુમાં કહ્યું કે લદ્દાખમાં જે ધરણા થવાના હતા તે સફળતાપૂર્વક યોજાયા છે અને જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. આ સાથે તેમણે દેશના યુવાનોને પણ લદ્દાખના લોકોના સમર્થનમાં આગળ આવવાની અપીલ કરી છે.
નોંધનીય છે કે, સોનમ વાંગચુક છેલ્લા ઘણા સમયથી લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની અને બંધારણીય સુરક્ષા પૂરી પાડવાની માંગ ઉઠાવી રહ્યા છે. તેમણે અગાઉ કેન્દ્ર સરકાર પર લદ્દાખના લોકોને લોકશાહી અધિકારો અને બંધારણીય સુરક્ષા આપવાનાં વચનો પૂરાં ન કરવાનો આરોપ લગાવ્યો હતો.
વાંગચુકની માંગ છે કે લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. જો કેન્દ્ર સરકાર આ માટે તૈયાર ન હોય તો ઓછામાં ઓછું એવી કેન્દ્રશાસિત પ્રદેશની વ્યવસ્થા કરવામાં આવે, જેમાં પોતાની વિધાનસભા હોય અને બંધારણીય સુરક્ષા પણ મળે.
તેમણે કહ્યું હતું કે વર્ષ ૨૦૧૯થી લદ્દાખના લોકોને છઠ્ઠી અનુસૂચિ (Sixth Schedule) હેઠળ સુરક્ષા અને લોકશાહી અધિકારોની પુનઃસ્થાપનાની આશા આપવામાં આવી હતી. જોકે, આ માંગણીઓ માટે શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવનારા લોકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો.
તેમના જણાવ્યા પ્રમાણે, આંદોલન દરમિયાન પદયાત્રા, ઉપવાસ અને ગાંધીવાદી પદ્ધતિથી વિરોધ કરવામાં આવ્યો હતો. તેમ છતાં લોકોનો અવાજ દબાવવાનો પ્રયાસ થયો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા હતા, અનેક લોકો ઘાયલ થયા હતા અને કેટલાકની અટકાયત પણ કરવામાં આવી હતી
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
