<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

સોનમ વાંગચુકે ગુરુવારે મોડી રાત્રે ભૂખ હડતાલ સમેટી

ભૂખ હડતાલના ૨૬ માં દિવસે મોડી રાત્રે કેન્‍દ્રીય મંત્રીઓ સાથે મુલાકાત બાદ હોસ્‍પિટલમાં સોનમ વાંગસુકે સૂપ પીને પારણા કર્યા : સરકાર તરફથી લેખિતમાં આશ્વાસન મળ્‍યું છે જેમાં ૩ મોટી વાતો કહેવામાં આવી છે

નવી દિલ્‍હી તા.૨૪: પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક છેલ્‍લા ૨૬ દિવસથી ભૂખ હડતાલ પર હતા. ગુરુવારે મોડી રાત્રે લેહ લદાખના વરિષ્ઠ નેતાઓ અને કેન્‍દ્રીય મંત્રી જેપી નડ્ડા તેમજ જીતેન્‍દ્રસિહ સોનમ વાંગચૂકને મળવા હોસ્‍પિટલ ગયા હતા. તે દરમિયાન થયેલી વાતચીત બાદ સોનમ વાંગચુકે તેની ભૂખ હડતાલ પૂરી કરી છે. આ અંગે સોનમ વાંગચુકે તેના એક્‍સ એકાઉન્‍ટ પર પોસ્‍ટ પણ શેર કરી છે.

સોનમ વાંગચુકે ૨૬ દિવસ અનશન કર્યું હતું. ત્‍યાર પછી તેણે ભૂખ હડતાલ તોડી છે. સોનમ વાંગચુકે શેર કરેલી પોસ્‍ટમાં તેણે લખ્‍યું છે કે, તેમણે અલગ અલગ શરતો પર સરકાર સાથે સહમતિ બન્‍યા પછી ભૂખ હડતાલ પૂરી કરી છે.

સોનમ વાંગચુકે એક વિડીયો પણ શેર કર્યો છે જેમાં તેણે જણાવ્‍યું છે કે સરકાર તરફથી લેખિતમાં આશ્વાસન મળ્‍યું છે જેમાં ૩ મોટી વાતો કહેવામાં આવી છે. પહેલું છે કે જંતરમંતર પર શાંતિપૂર્ણ પ્રદર્શન કરનાર અને ૨૦ જુલાઈએ સંસદ માર્ચમાં જોડાયેલા લોકો વિરુદ્ધ કોઈ કેસ કરવામાં નહીં આવે, બીજું સંસદમાં પેપર લીક રોકવા માટે અને પરીક્ષા પ્રણાલી સુધારવા માટે ચર્ચા થશે અને તેનું સ્‍થાયી સમાધાન શોધવામાં આવશે. ત્રીજું નીટ પેપર લીકના કારણે જે વિદ્યાર્થીઓએ આત્‍મહત્‍યા કરી તેમના પરિવારને ઉચિત વળતર આપવા સરકાર વિચાર કરશે.

ગુરુવારે મોડી રાત્રે ઘણી બધી મહત્‍વપૂર્ણ ઘટનાઓ બની જેમાં સોનમ વાંગચૂકની ભૂખ હડતાલ પૂરી થવાની સાથે વડાપ્રધાન મોદીનો વિડીયો મેસેજ પણ હતો. વડાપ્રધાન મોદીએ ગુરુવારે રાત્રે એક વીડિયો શેર કરીને વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. તેમણે વીડિયોમાં જણાવ્‍યું કે કેન્‍દ્ર સરકાર કેબિનેટ બેઠકમાં પેપર લીક સંબંધિત નવો કાયદો બનાવવા પર વિચાર કરશે જે અંતર્ગત અપરાધીઓને તુરંત સજા મળે તેવી કાર્યવાહી કરી શકાય. આ વિડીયો મેસેજ પહેલા વડાપ્રધાન મોદીએ નીટ યુજી ૨૦૨૬ ના પેપર લીક મામલે ફાસ્‍ટ ટ્રેક પર સુનાવણી કરવાનું આશ્વાસન પણ આપ્‍યું હતું.

(10:52 AM IST)