<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

જામીન રદ થતાં સોનમ રઘુવંશીએ કર્યું સરેન્‍ડરઃ ફરી પહોંચી જેલ

સુપ્રીમ કોર્ટે સોનમને ત્રણ અઠવાડિયામાં સરેન્‍ડર કરવાનો આદેશ આપ્‍યો હતો : મેઘાલય સરકારની અપીલ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તેના જામીન રદ કર્યા હતાઃ કોર્ટે કહ્યું હતું કે તેને જામીન આપવા માટે કોઈ યોગ્‍ય આધાર નથી

નવી દિલ્‍હી તા.૩૦: ઈંદોરના રાજા રઘુવંશી હત્‍યાકાંડથી સમગ્ર દેશ હચમચી ગયો હતો. આ કેસમાં પત્‍ની સોનમ રઘુવંશી પર પોતાના પ્રેમી સાથે મળીને રાજાની હત્‍યાનું કાવતરું રચવાનો અને હત્‍યા કરવાનો આરોપ છે. પોલીસે તેની ધરપકડ કરી હતી, પરંતુ બાદમાં તેને જામીન મળી ગયા હતા, જેનો રાજાના પરિવારજનોએ ભારે વિરોધ કર્યો હતો. ત્‍યારબાદ સુપ્રીમ કોર્ટે સોનમના જામીન રદ કરીને તેને ત્રણ અઠવાડિયામાં સરેન્‍ડર કરવાનો આદેશ આપ્‍યો હતો. હવે હનીમૂન મર્ડર કેસની મુખ્‍ય આરોપી સોનમે ૨૮ જુલાઈએ સરેન્‍ડર કરી દીધું છે.

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સ્‍પષ્ટ કર્યું હતું કે, પ્રથમ લ્લષ્ટિએ સોનમ જામીન મેળવવાની હકદાર નથી. ધરપકડ સમયે તેને પોતાની ધરપકડના કારણોની સંપૂર્ણ જાણકારી હતી. જો ધરપકડના મેમોમાં ટાઇપિગ સંબંધિત કોઈ ભૂલ રહી હોય તો પણ તેને જામીનનો આધાર ન બનાવી શકાય.

જસ્‍ટિસ એમ. એમ. સુંદરેશ અને જાસ્‍ટિસ પ્રસન્ના બી. વરાલેની બેન્‍ચે એમ પણ કહ્યું હતું કે, હાલ કેસ સુનાવણીના મહત્‍વપૂર્ણ તબક્કામાં છે. જો છ મહિનાની અંદર ટ્રાયલ પૂર્ણ નહીં થાય તો આરોપી કાયદા મુજબ ફરીથી જામીન માટે અરજી કરી શકશે.

રાજા રઘુવંશીના ભાઈ વિપિન રઘુવંશીએ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્‍વાગત કર્યું હતું. તેમણે સુપ્રીમ કોર્ટ અને મેઘાલય સરકારનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, તેમને શરૂઆતથી જ ન્‍યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ હતો અને તેમને ખાતરી હતી કે તેમના ભાઈને ચોક્કસ ન્‍યાય મળશે.

વિપિન રઘુવંશીએ કહ્યું કે, મેઘાલય સરકાર અને તપાસ એજન્‍સીઓની અસરકારક કાર્યવાહીથી રાજા રઘુવંશીની હત્‍યાની આરોપી ફરી એકવાર જેલના સળિયા પાછળ પહોંચી છે. તેમણે આશા વ્‍યક્‍ત કરી કે કેસની સુનાવણી જલદી પૂર્ણ થશે અને દોષિતોને કડક સજા મળશે.

રાજા રઘુવંશીના લગ્ન ૧૧ મે, ૨૦૨૫ના રોજ સોનમ રઘુવંશી સાથે થયા હતા. ત્‍યારબાદ બંને હનીમૂન મનાવવા મેઘાલય ગયા હતા. થોડા દિવસો પછી રાજાનો મૃતદેહ મેઘાલયની એક ખીણમાંથી મળી આવ્‍યો હતો, જેના શરીર પર ઈજાના નિશાન હતા. તે સમયે સોનમનો કોઈ પત્તો નહોતો લાગ્‍યો, જેના કારણે તેના પર શંકા ગઈ હતી. બાદમાં પોલીસે તેને તેના પ્રેમી સાથે ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાંથી ઝડપી લીધી હતી. જોકે લગભગ ૧૧ મહિના બાદ સોનમને જામીન મળી ગયા હતા. હવે તેને ફરીથી જેલ જવું પડ્‍યું છે.

(9:50 AM IST)