<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

"બેટા, જીવન જીવ, હસ, રમ અને સપનાં જો": દિલ્હી કોર્ટના જજે ૧૦ વર્ષની બળાત્કાર પીડિતા માટે લખ્યો અત્યંત ભાવુક પત્ર; હાઈકોર્ટે ચુકાદો યથાવત રાખી સંદેશ બાળકી સુધી પહોંચાડવા આપ્યો આદેશ!

સાત વર્ષની વયે દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીની 'અંકલ વૃદ્ધ થાય ત્યાં સુધી જેલમાં રહે' તેવી કરુણ વિનંતી કોર્ટે સ્વીકારી; દિલ્હી હાઈકોર્ટે નરાધમ આરોપીની આજીવન કેદની સજા બહાલ રાખી ૧૦.૫ લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો

નવી દિલ્હી, તા.29: દિલ્હીની અદાલતમાંથી ન્યાયતંત્રની માનવીય સંવેદના અને કાનૂની મક્કમતા દર્શાવતો એક અત્યંત ભાવુક અને અસાધારણ કિસ્સો સામે આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટે સાત વર્ષની વયે બળાત્કારનો ભોગ બનેલી માસૂમ બાળકી પર જાતીય અત્યાચાર ગુજારનાર નરાધમ આરોપીની આજીવન કેદની સજા યથાવત રાખી છે. આ સાથે જ હાઈકોર્ટે નીચલી અદાલતના ન્યાયાધીશ દ્વારા પીડિતા માટે લખાયેલા એક અત્યંત પ્રેરણાદાયી અને સ્પર્શી જાય તેવા અંગત પત્રની પ્રશંસા કરીને તે પત્ર હાલ ૧૦ વર્ષની થઈ ચૂકેલી માસૂમ દીકરી સુધી વ્યક્તિગત રીતે પહોંચાડવાનો ઐતિહાસિક આદેશ આપ્યો છે.

"તારી વાત કોર્ટે સાંભળી છે, તે હવે પાંજરામાં જ વૃદ્ધ થશે અને મૃત્યુ પામશે"

દિલ્હીની રોહિણી કોર્ટના એડિશનલ સેશન્સ જજ રજની રંગાએ મે મહિનામાં આ કેસમાં આરોપી સુમિત શાક્યને બાકીના કુદરતી જીવનકાળ સુધી જેલની સજા સંભળાવી હતી. ચુકાદાના અંતે ન્યાયાધીશે ઔપચારિક કાનૂની ભાષાથી અલગ હટીને સીધો બાળકીને સંબોધીને એક ભાવુક નોંધ લખી હતી. ન્યાયાધીશે પત્રમાં લખ્યું કે, "બેટા, આ અદાલતે તારી વાત સાંભળી છે. જ્યારે તેં કોર્ટમાં કહ્યું હતું કે 'જ્યાં સુધી અંકલ વૃદ્ધ ન થઈ જાય, ત્યાં સુધી તેમને જેલમાં રાખવામાં આવે', ત્યારે આ અદાલતે તારી તે વિનંતીનો સ્વીકાર કર્યો છે. આજે આ અદાલત આદેશ આપે છે કે જે વ્યક્તિને તું 'અંકલ' કહેતી હતી તે હવે ક્યારેય જેલમાંથી મુક્ત નહીં થઈ શકે. તે પાંજરામાં જ વૃદ્ધ થશે અને પાંજરામાં જ મૃત્યુ પામશે. તે હવે ક્યારેય તને, તારી નાની બહેનને કે અન્ય કોઈ બાળકને નુકસાન પહોંચાડી શકશે નહીં."

"તમે આ અદાલતે જોયેલી સૌથી બહાદુર દીકરી છો"

માસૂમ બાળકીની હિમ્મતની સરાહના કરતા ન્યાયાધીશે આગળ લખ્યું કે, "આ અદાલતે જોયેલી સૌથી બહાદુર બાળકી તું છે. તું અદાલતમાં આવી, તેં તને નુકસાન પહોંચાડનાર નરાધમ તરફ આંગળી ચીંધી અને સત્ય કહ્યું. તેં તારી માતા સામે મૌન તોડ્યું અને બોલવાની હિંમત દાખવી. આ જ કારણ છે કે તે હવે ક્યારેય બીજા કોઈ બાળક સાથે આવું ખરાબ કૃત્ય કરી શકશે નહીં. કાનૂની પ્રક્રિયા તારા મન પર થયેલા આઘાતને મિટાવી શકતી નથી અને અદાલત તારું માસૂમ બાળપણ પાછું આપી શકતી નથી, પરંતુ અદાલત વચન આપે છે કે તારા શબ્દો સાંભળવામાં આવ્યા છે." પત્રના અંતમાં જજે બાળકીને પ્રોત્સાહિત કરતાં લખ્યું કે, "હવે, બેટા, તારું જીવન જીવ. શાળાએ જા. મિત્રો બનાવ. હસ. રમ. સપનાં જો. આ અદાલત તારા સાહસને હંમેશા યાદ રાખશે."

હાઈકોર્ટે અપીલ ફગાવી ૧૦.૫ લાખનું વળતર મંજૂર કર્યું

દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ પ્રતિકા એમ. સિંહ અને જસ્ટિસ દિનેશ ભટ્ટની બેન્ચે બુધ વિહાર પોલીસ સ્ટેશનમાં ૨૩ જુલાઈ, ૨૦૨૩ના રોજ નોંધાયેલા આ ગંભીર કેસમાં દોષિત સુમિત શાક્યની સજા રદ કરવાની અપીલ ફગાવી દીધી હતી. ફોરેન્સિક અને વૈદ્યકીય પુરાવાઓને આધારે હાઈકોર્ટે આજીવન કેદની સજા યથાવત રાખી હતી. આ સાથે જ કોર્ટે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી (DLSA) ને પીડિતાના પરિવારને ૧૦.૫ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા અને ટ્રાયલ કોર્ટના જજનો આ ભાવનાત્મક સંદેશ ખાસ છાપીને બાળકી સુધી પહોંચાડીને બે અઠવાડિયામાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે.

(5:58 PM IST)