તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
શૌચાલય બનાવવા માટે પોતાની ભેંસ વેચી દીધી
પત્ની સાથે શૌચાલય માટે રોજ ડખ્ખા થતાં

જહાનાબાદ તા.૨૮: બિહારના જહાનાબાદ જિલ્લામાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં શૌચાલય બનાવવાને લઈને પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતાં હતા. પતિ આ દરરોજ થતાં ઝઘડાથી કંટાળી ગયો હતો. જેથી તેણે શૌચાલય બનાવવા માટે પોતાની ભેંસ વેચી દીધી અને પછી ઘરમાં શૌચાલય બનાવડાવ્યું.
બિહારના જહાનાબાદ જિલ્લામાં આવેલા બેનીપુર ગામમાં રહેતા રંજન કેવટ ખેતી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. રંજન કેવટની કમાણી વધારે નથી. તેમના ઘરની સ્થિતિ પણ સારી નથી, સાથે જ ઘરમાં શૌચાલયની પણ સુવિધા ઉપલબ્ધ નહોતી. તેમના ઘરના સભ્યો દરરોજ શૌચ માટે બહાર જતાં હતા. માત્ર પુરુષો જ નહીં, મહિલાઓએ પણ ઘરની બહાર જઈને શૌચ કરવું પડતું હતું. આ કારણે ઘણીવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
વરસાદની ઋતુમાં તો મુશ્કેલી ઘણી વધી જતી હતી. ચોમાસામાં વરસાદના કારણે ખેતર અને અન્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે ઘરની મહિલાઓને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. આથી ઘરમાં શૌચાલય બનાવવાને લઈને રંજન કવટ અને તેમના પત્ની માલતી દેવી વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતાં હતા. એક દિવસ પત્ની માલતી દેવી સાથે આ મામલે ભારે ઝઘડો થયો. જેથી રંજન કવટે વિચાર્યું કે હવે શૌચાલય બનાવડાવી લેવું જોઈએ. પરંતુ અસલી પડકાર તો પૈસાને લઈને હતો.
આ દરમિયાન તેમના મનમાં વિચાર આવ્યો કે મારી પાસે ૨ ભેંસ છે, તેમાંથી એકને વેચીને શૌચાલય બનાવડાવી લઉં. જેથી તેમણે આ અંગે માલતી દેવી સાથે વાત કરી. માલતી દેવી પણ તેમની વાતમાં રાજી થઈ ગયા. પછી તેમણે એક ભેંસ વેચી દીધી. જેની કિમત તેમને ૩૫૦૦૦ રૂપિયા મળી. તેમને લાગી રહ્યું હતું કે આટલા રૂપિયામાં શૌચાલય બની જશે, જેથી તેમણે કામ શરૂ કરાવી દીધું.
૧ મહિનામાં શૌચાલય બનીને તૈયાર થઈ ગયું. તેને બનાવવામાં ૮૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ થયો છે. જોકે, થોડા પૈસા તેમની પાસે પડ્યા હતા અને થોડા રૂપિયા ઉધાર લઈને શૌચાલય બનાવવામાં આવ્યું છે. શૌચાલય બન્યા બાદ હવે માલતી દેવી અને તેમના પરિવારની ઘણી મુશ્કેલીઓ દૂર થઈ ગઈ છે.
આ અંગે રંજન કેવટે કહ્યું કે, અમારા ઘરમાં શૌચાલય નહોતું. પરિવારમાં શૌચાલયને લઈને વારંવાર ઝઘડા થતાં હતા. આર્થિક તંગીના કારણે અમે શૌચાલય બનાવડાવી શક્યા નહોતા. તેથી અમે અમારી ભેંસ વેચીને શૌચાલય બનાવડાવ્યું. શૌચાલય બનાવવામાં ૮૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ થયો છે.
જ્યારે માલતી દેવીએ કહ્યું કે અમે બધા ઘરમાં શૌચાલય ન હોવાથી ખૂબ પરેશાન હતા. ઘરમાં વહુ-દીકરી પણ છે. સાથે જ વરસાદમાં ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો. આવી સ્થિતિમાં ભેંસ વેચીને શૌચાલય બનાવવાનો નિર્ણય કર્યો. હવે શૌચાલય બની ગયું છે અને ઘરમાં જ સુવિધા મળી રહી છે
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
