તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
સોશિયલ મીડિયા પર ખળભળાટ: ઇન્સ્ટાગ્રામના વિવાદાસ્પદ AI ફીચરને કારણે મેટાએ ઘૂંટણ ટેકવ્યા, લાખો યુઝર્સની પ્રાઇવસી જોખમાતી હોવાનો આક્ષેપ
કંપનીએ સ્વીકાર્યું કે ‘મ્યુઝ ઇમેજ’ ટૂલ દ્વારા લોકોની પરવાનગી વગર ફોટા વાપરવાની નીતિ નિશાન ચૂકી ગઈ; ગ્લોબલ વિરોધ બાદ તાત્કાલિક અસરથી સેવા બંધ કરી દેવાઈ

નવી દિલ્હી: ટેક જગતની દિગ્ગજ કંપની મેટા (Meta) ફરી એકવાર ડેટા પ્રાઇવસી અને નૈતિકતાના ગંભીર વિવાદમાં ઘેરાઈ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત 'મ્યુઝ ઇમેજ' (Muse Image) ફીચર આકરા વિરોધ અને ટીકાઓ બાદ કંપનીએ તાત્કાલિક અસરથી પાછું ખેંચી લેવું પડ્યું છે. આ ફીચરે ઇન્ટરનેટ પર એક મોટો વિવાદ જગાવ્યો હતો, કારણ કે તે કોઈ પણ યુઝરના પબ્લિક ઇન્સ્ટાગ્રામ ફોટાનો ઉપયોગ કરીને AI દ્વારા નવી છબીઓ બનાવવાની છૂટ આપતું હતું.
શું હતો આખો વિવાદ?
મેટાએ તેના મ્યુઝ ઇમેજ મોડેલમાં એક નવું ફીચર રજૂ કર્યું હતું, જે અંતર્ગત કોઈ પણ વ્યક્તિ માત્ર અન્ય કોઈ યુઝરના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ટેગ (@-mention) કરીને તે એકાઉન્ટ પર ઉપલબ્ધ ફોટાનો ઉપયોગ કરી શકતી હતી. આ પ્રક્રિયામાં સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે, કંપનીએ ૧૮ વર્ષથી વધુ ઉંમરના તમામ પબ્લિક એકાઉન્ટ ધારકોને બાય-ડિફોલ્ટ આ ફીચર માટે ‘ઓપ્ટ-ઇન’ કરી દીધા હતા. એટલે કે, યુઝરની જાણ કે પરવાનગી વગર તેમના ફોટાનો ઉપયોગ AI દ્વારા કરવામાં આવતો હતો, જે પ્રાઇવસીના ધોરણોનું સીધું ઉલ્લંઘન ગણાયું હતું.
હૉલીવુડથી લઈને યુઝર્સ સુધીનો આક્રોશ
આ ફીચરના લોન્ચિંગ બાદ દુનિયાભરમાંથી પ્રાઇવસી એડવોકેટ્સ અને સેલિબ્રિટીઝે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. હૉલીવુડની જાણીતી ટેલેન્ટ એજન્સી ‘ક્રિએટિવ આર્ટિસ્ટ્સ એજન્સી’ (CAA) સહિતના સંગઠનોએ આકરા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો. વિવેચકોનું કહેવું છે કે, આ પ્રકારની ટેક્નોલોજીથી કોઈ પણ વ્યક્તિના ફોટાના આધારે ‘ડીપફેક’ કે મેનિપ્યુલેટેડ ઇમેજ બનાવવાનું જોખમ વધી જાય છે, જે ઓળખની ચોરી (Identity Theft) જેવી ગંભીર સમસ્યાઓ નોતરી શકે છે.
કંપનીનો બચાવ અને પીછેહઠ
તીવ્ર વિરોધ અને સવાલો સામે આવતા મેટાના પ્રવક્તાએ સત્તાવાર નિવેદન આપ્યું હતું. કંપનીએ સ્વીકાર્યું છે કે આ ફીચરનું ડિઝાઇનિંગ અને તેની પ્રાઇવસી સેટિંગ્સ જાહેર જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા નથી અને તે ચોક્કસપણે 'નિશાન ચૂકી ગયું' (Missed the mark) છે. કંપનીએ જણાવ્યું હતું કે, તેમનો ઈરાદો સર્જનાત્મક સાધન આપવાનો હતો, પરંતુ યુઝર્સનો પ્રતિસાદ સાંભળીને હવે આ સુવિધા બંધ કરવામાં આવી છે.
આ નિર્ણય સાથે મેટાએ તે સેટિંગ્સ પણ હટાવી દીધા છે જે યુઝર્સને તેમના પબ્લિક કન્ટેન્ટને AI ટૂલ્સ માટે વાપરવાની મંજૂરી આપતા હતા. જોકે, મ્યુઝ ઇમેજના અન્ય પાસાઓ કાર્યરત રહેશે, પરંતુ હવે કોઈ અન્ય યુઝરના ફોટાને રિફરન્સ તરીકે ઉપયોગ કરવાની સુવિધા મળવાપાત્ર રહેશે નહીં.
(12:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
