તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
પશ્ચિમ બંગાળના મુખ્મંત્રી મમતા બેનર્જીના સમર્થન બદલ આભાર માનતી સોશિયલ મીડિયા પોસ્ટ પર 'એક્સ' (ટ્વિટર) દ્વારા લોકલ રેગ્યુલેશન્સનું બહાનું ધરીને નિયંત્રણો લાદવામાં આવતાં નવો રાજકીય ગરમાવો: પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવ્યા, જ્યારે ૧૦ ઓક્ટોબરે દિલ્હીના જંતર-મંતર ખાતે મોટા વિરોધ પ્રદર્શનની ચીમકી આપવામાં આવી
મમતા બેનર્જીએ સીજેપી આંદોલનને જાહેર સમર્થન આપ્યા બાદ સોશિયલ મીડિયા પર તકેદારી વધારી દેવાઈ; અભિજીત દીપકે આશંકા વ્યક્ત કરી કે ૧૦ ઓક્ટોબરના વિરોધ પ્રદર્શન પહેલાં સરકાર તેમનું એકાઉન્ટ જ ડિલીટ કે સસ્પેન્ડ કરાવી દે તો નવાઈ નહીં

નવી દિલ્હી:મુખ્ય ચૂંટણી કમિશનરજ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવા તથા ચૂંટણી પ્રક્રિયા તેમજ 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR)માં કથિત ગડબડીઓના વિરોધમાં આંદોલન ચલાવી રહેલી 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના સ્થાપક અભિજીત દીપકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (પૂર્વમાં ટ્વિટર) પર એક ગંભીર આશંકા વ્યક્ત કરી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા આ આંદોલનને ખુલ્લું સમર્થન જાહેર કરવામાં આવ્યા બાદ, તેમનો આભાર માનતી અભિજીત દીપકની પોસ્ટ પર 'એક્સ' દ્વારા પ્રાદેશિક નિયમો અને કાયદાકીય માર્ગદર્શિકાનું કારણ આપીને પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ કાર્યવાહી બાદ દીપકે વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે, જો ૧૦ ઓક્ટોબરના રોજ યોજાનારા વિરોધ પ્રદર્શન પહેલાં કેન્દ્ર સરકાર તેમનું સોશિયલ મીડિયા હેન્ડલ સંપૂર્ણપણે બંધ કરાવી દે તો પણ તેમને કોઈ આશ્ચર્ય નહીં થાય.
સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે દિલ્હીમાં ઈન્ડિયા (INDIA) ગઠબંધનની બેઠકમાં હાજરી આપીને કોલકાતા એરપોર્ટ પર પરત ફરેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સીજેપી આંદોલન તેમજ દેશના યુવાનો અને વિદ્યાર્થીઓના સમર્થનમાં નિવેદન આપ્યું હતું. તેમણે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયાની માંગણી સાથે ચાલી રહેલા આ આંદોલનને શાંતિપૂર્ણ ગણાવીને દેશવાસીઓને તેમાં જોડાવા હાકલ કરી હતી.
મમતા બેનર્જીના આ સમર્થન બાદ અભિજીત દીપકે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લોકશાહી બચાવવાની લડાઈમાં સાથ આપવા બદલ તેમનો આભાર માન્યો હતો. જોકે, આ પોસ્ટને તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને જોઈન્ટ સેક્રેટરી ડેરેક ઓ'બ્રાયને રી-પોસ્ટ કર્યાના થોડા જ સમયમાં, તે ભારતીય યુઝર્સ માટે એક્સેસિબલ રહી નહોતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' તરફથી એવો સંદેશ દર્શાવવામાં આવ્યો હતો કે "સ્થાનિક કાયદાકીય નિયમોના કારણે આ સામગ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે."
આ ઘટનાક્રમ સામે આવ્યા બાદ રાજકીય વર્તુળોમાં ભારે ધમાસાણ મચી ગયું છે. તૃણમૂલ કોંગ્રેસના નેતા ડેરેક ઓ'બ્રાયને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા આક્ષેપ કર્યો હતો કે સરકાર આ વિરોધ પ્રદર્શનથી ગભરાઈ ગઈ છે અને વિપક્ષનો અવાજ દબાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દબાણ બનાવી રહી છે. ત્યારબાદ, અભિજીત દીપકે ઓ'બ્રાયનની પોસ્ટ શેર કરીને પોતાની ચિંતા વ્યક્ત કરી હતી કે ૧૦ ઓક્ટોબરના રોજ દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાનારા વિશાળ આંદોલન પહેલાં તેમનું સમગ્ર એકાઉન્ટ જ ટેક-ડાઉન કરી દેવાય તેવી પૂરી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, સીજેપીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર આ પ્રકારની કાનૂની અને ટેકનિકલ કાર્યવાહી પ્રથમ વખત નથી થઈ. આ પૂર્વે પણ મે ૨૦૨૬માં કાનૂની વિનંતીઓના આધારે પાર્ટીના એક્સ એકાઉન્ટ પર ભારતમાં બ્લોક લાદવામાં આવ્યો હતો, જેને જુલાઈમાં દિલ્હી હાઈકોર્ટના હસ્તક્ષેપ અને આદેશ બાદ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું. હવે મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે ૧૦ ઓક્ટોબરે દેશવ્યાપી શાંતિપૂર્ણ આંદોલનની જાહેરાત વચ્ચે સોશિયલ મીડિયા પર સેન્સરશિપનો આ મુદ્દો વધુ ગરમ બન્યો છે.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
