<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

બાળકો માટે સોશિયલ મીડિયા હવે 'નો એન્ટ્રી ઝોન': ફ્રાન્સ સરકાર લાવશે ઐતિહાસિક કાયદો; ૧૫ વર્ષથી નાની વયના બાળકોના રીલ્સ અને એકાઉન્ટ્સ પર વાગશે સંપૂર્ણ બ્રેક!

મેક્રોન સરકારનો મોટો નિર્ણય: શાળાઓમાં સ્માર્ટફોન પર પણ પ્રતિબંધ મુકાશે, ટેક કંપનીઓએ ઉંમરની ચકાસણી માટે બનાવવી પડશે કડક સિસ્ટમ

પેરિસ, તા.૨૧:સોશિયલ મીડિયાની ઘેલી દુનિયા અને બાળકોના મન પર પડતી તેની વિપરીત અસરો સામે ફ્રાન્સ સરકારે આકરા પાણીએ નિર્ણય લીધો છે. ફ્રાન્સની સંસદમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક બિલને લીલી ઝંડી મળી ગઈ છે, જે અંતર્ગત ૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. સંસદના બંને ગૃહોની સંયુક્ત સમિતિએ આ કાયદાના ડ્રાફ્ટને મંજૂરી આપી દીધી છે.

 

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ઇચ્છે છે કે સપ્ટેમ્બર મહિનામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં જ આ કાયદો સમગ્ર દેશમાં કડક રીતે અમલી બની જાય. મેક્રોન લાંબા સમયથી બાળકોની માનસિક સુરક્ષા અને ઓનલાઈન ડિજિટલ સેફ્ટી માટે સોશિયલ મીડિયા પર મર્યાદા મૂકવાની વકાલત કરી રહ્યા છે.

 

ટેક કંપનીઓએ બનાવવી પડશે કડક 'એજ-વેરિફિકેશન' સિસ્ટમ

નવા કાયદા હેઠળ, ફ્રાન્સના માહિતી ટેકનોલોજી મંત્રી દ્વારા પ્રતિબંધિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની એક સત્તાવાર યાદી તૈયાર કરવામાં આવશે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક અને સ્નેપચેટ જેવા મુખ્ય પ્લેટફોર્મ્સે ૧૫ વર્ષથી નાની ઉંમરના બાળકોને નવું એકાઉન્ટ બનાવવા કે તેનો ઉપયોગ કરવાથી રોકવા પડશે. આ માટે ટેક કંપનીઓએ ફ્રાન્સની ડેટા પ્રોટેક્શન ઓથોરિટી દ્વારા મંજૂર કરાયેલી આધુનિક 'વય-ચકાસણી' (Age-Verification) સિસ્ટમ અમલમાં મૂકવી પડશે.

 

માત્ર સોશિયલ મીડિયા જ નહીં, પરંતુ આ કાયદા હેઠળ હાઈસ્કૂલોમાં વિદ્યાર્થીઓ દ્વારા કરાતા સ્માર્ટફોનના ઉપયોગ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની જોગવાઈ કરાઈ છે, જેથી શાળાના વાતાવરણમાં ડિજિટલ વિક્ષેપ ઘટે અને બાળકો અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.

 

ઓસ્ટ્રેલિયા બાદ ફ્રાન્સ પણ બનશે કડક કાયદો બનાવનાર દેશ

અગાઉ ઓસ્ટ્રેલિયાએ ૧૬ વર્ષથી નાની વયના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતો કાયદો બનાવ્યો હતો. હવે ફ્રાન્સ પણ આ કડક નિયમો લાગુ કરનારા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને પણ યુરોપના તમામ ૨૭ દેશોમાં સગીરોના સોશિયલ મીડિયા એક્સેસ પર મર્યાદા મૂકવાનું સમર્થન કર્યું છે, જેનાથી આગામી દિવસોમાં સમગ્ર યુરોપમાં આવા કડક કાયદા જોવા મળી શકે છે.

(4:22 PM IST)