<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

સોશિયલ મીડિયા પર મોટો સુરક્ષા ભંગ: મેટાના AI ચેટબોટની ખામીનો લાભ ઉઠાવી હેકર્સે બરાક ઓબામા સહિતની હાઈ-પ્રોફાઈલ હસ્તીઓના એકાઉન્ટ કર્યા હેક!

સુરક્ષા સંશોધકોનો ચોંકાવનારો ખુલાસો: AI આસિસ્ટન્ટને છેતરીને હેકર્સે પાસવર્ડ રીસેટ કર્યા, ટેલિગ્રામ પર હેક થયેલા એકાઉન્ટ્સના વેચાણનો પણ દાવો

વોશિંગ્ટન ડી.સી.,: સોશિયલ મીડિયા દિગ્ગજ મેટાની ટેકનોલોજી પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. કંપનીના પોતાના જ 'AI સપોર્ટ ચેટબોટ'માં રહેલી એક ગંભીર ખામીએ દુનિયાભરના યુઝર્સ માટે મુસીબત ઊભી કરી દીધી છે. ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાની વ્હાઇટ હાઉસ ટીમ, બ્યુટી બ્રાન્ડ સેફોરા અને યુએસ સ્પેસ ફોર્સના ઉચ્ચ અધિકારી જોન બેન્ટીવેગ્ના જેવા જાણીતા લોકોના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ હેકર્સના નિશાન પર આવી ગયા હતા.
હેકર્સે કેવી રીતે રમી આ 'ડિજિટલ ગેમ'?
સુરક્ષા સંશોધકોના મતે, આ હેકિંગ કોઈ સામાન્ય પદ્ધતિથી નહીં, પરંતુ મેટાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સપોર્ટ આસિસ્ટન્ટને છેતરીને કરવામાં આવ્યું હતું. હેકર્સે AI ચેટબોટને એવી રીતે સમજાવ્યું કે તે એકાઉન્ટને હેકરના ઇમેઇલ સાથે લિંક કરી દે. ત્યારબાદ, ચેટબોટ દ્વારા મોકલવામાં આવેલ વેરિફિકેશન કોડ હેકરે મેળવી લીધો અને તેના આધારે એકાઉન્ટનો પાસવર્ડ રીસેટ કરી નાખ્યો. હેકર્સે VPN નો ઉપયોગ કરીને મૂળ માલિકના લોકેશનની નકલ કરી હતી, જેનાથી સિસ્ટમની સુરક્ષા તપાસ પણ બાયપાસ થઈ ગઈ હતી.
AI ના ઉપયોગ પર વધતી ચિંતા
મેટાએ આ વર્ષની શરૂઆતમાં જ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પોતાના AI સપોર્ટ આસિસ્ટન્ટનો વિસ્તાર કર્યો હતો, જેનો હેતુ યુઝર્સને પાસવર્ડ રીસેટ કરવામાં કે કૌભાંડોની જાણ કરવામાં મદદ કરવાનો હતો. જોકે, આ ઘટનાએ સાબિત કર્યું છે કે સંવેદનશીલ સુરક્ષા કાર્યોમાં AI પર આંધળો વિશ્વાસ કરવો કેટલો જોખમી બની શકે છે. માર્ક ઝુકરબર્ગ જ્યારે આ વર્ષે AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ અબજો ડોલર ખર્ચવાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે આ પ્રકારની ઘટનાઓ કંપનીની સુરક્ષા ક્ષમતા પર મોટો પ્રશ્નચિહ્ન મૂકે છે.
મેટાનું વલણ અને ટેલિગ્રામ પર ખતરો
ઘટના પ્રકાશમાં આવ્યા બાદ મેટાએ એક નિવેદનમાં સ્વીકાર્યું છે કે આ સુરક્ષા ખામીને હવે સુધારી દેવામાં આવી છે અને અસરગ્રસ્ત એકાઉન્ટ્સને સુરક્ષિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ, ટેલિગ્રામ પર હેકિંગ જૂથોના વીડિયો વાયરલ થયા છે, જેમાં તેઓ ખુલ્લેઆમ હેક થયેલા ઇન્સ્ટાગ્રામ યુઝરનેમ્સ વેચી રહ્યા હોવાના દાવા કરવામાં આવ્યા છે.
આ ઘટના સાબિત કરે છે કે ટેકનોલોજી ગમે તેટલી એડવાન્સ હોય, પરંતુ માનવીય સલામતી અને ડિજિટલ ગોપનીયતા હજુ પણ મોટા જોખમો સામે ઝઝૂમી રહ્યા છે. યુઝર્સ માટે અત્યારે આ જ સલાહ છે કે તેઓ ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) નો ઉપયોગ કરે અને કોઈ પણ શંકાસ્પદ લિંક કે ચેટબોટ સાથેની વાતચીતમાં સાવધાની રાખે.

(8:13 PM IST)