News of Tuesday, 19th May 2026
સોશિયલ મીડિયાની મિત્રતા બની કાળ! યુપીમાં સગીરાનું અપહરણ કરી આચરાયો સામૂહિક બળાત્કાર; પોલીસ એન્કાઉન્ટરમાં એક નરાધમ ઘાયલ, બે ફરાર
ફેસબુક પર પ્રેમજાળમાં ફસાવીને બોયફ્રેન્ડે જ મિત્રો સાથે મળી આખી રાત આચરી ક્રૂરતા; બેભાન હાલતમાં બગીચામાં ફેંકી ભાગેલા નરાધમોને પોલીસે જંગલમાં ઘેર્યા

પ્રતાપગઢ: ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાંથી સોશિયલ મીડિયાની મિત્રતા પાછળ છુપાયેલા એક ભયાનક અને હૃદયદ્રાવક ગુનાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. એક દલિત સગીરાને પ્રેમજાળમાં ફસાવીને તેના જ કથિત મિત્રએ અન્ય બે સાથીદારો સાથે મળીને અપહરણ કર્યું હતું અને આખી રાત કારમાં ફેરવીને સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ સનસનાટીપૂર્ણ ઘટના બાદ એક્શનમાં આવેલી યુપી પોલીસે ગણતરીના કલાકોમાં જંગલમાં ઘેરાબંધી કરીને ભીષણ એન્કાઉન્ટર બાદ એક મુખ્ય આરોપીને પગમાં ગોળી મારીને દબોચી લીધો છે, જ્યારે અન્ય બે નરાધમો હજુ પણ ફરાર છે.
મળતી વિગતો મુજબ, અંતુ પોલીસ સ્ટેશન વિસ્તારના ચમનગંજ બજાર નજીકના એક ગામની ૧૭ વર્ષની અનુસૂચિત જાતિની કિશોરીની ફેસબુક (Facebook) દ્વારા કંધાઈ વિસ્તારના ખામપુરના રહેવાસી ગુડ્ડુ ખાન સાથે મિત્રતા થઈ હતી. સોમવારે મોડી સાંજે ગુડ્ડુ તે સગીરાને ફરવા લઈ જવાના બહાને બાઇક પર બેસાડીને નગર કોતવાલી વિસ્તારની મહુલી મંડી ખાતે લાવ્યો હતો. ત્યાં પહોંચતા જ ગુડ્ડુએ પૂર્વ આયોજિત કાવતરા હેઠળ તેના અન્ય બે મિત્રો સોહેલ અને ઇરફાનને પણ ત્યાં બોલાવી લીધા હતા.
આખી રાત કારમાં આચરાયું પાશવી કૃત્ય
ત્યારબાદ આ ત્રણેય નરાધમો સગીરાને બળજબરીપૂર્વક એક કારમાં બેસાડીને નજીકના બગીચામાં લઈ ગયા હતા, જ્યાં તેમણે પીડિતા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આટલેથી જ ન અટકતા, આરોપીઓ આખી રાત પીડિતાને કારમાં બંધ રાખીને અલગ-અલગ વિસ્તારોમાં ફેરવતા રહ્યા હતા અને સવારે આશરે ૪ વાગ્યે તેને ઘર નજીકના એક નિર્જન બગીચામાં બેભાન હાલતમાં ફેંકીને ફરાર થઈ ગયા હતા. સવારે જ્યારે પરિવારની એક મહિલા ત્યાંથી પસાર થઈ ત્યારે દીકરીને આ હાલતમાં જોઈને પરિવારમાં હોબાળો મચી ગયો હતો. પીડિતાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ભાનમાં આવ્યા બાદ તેણે પોતાની આપવીતી સંભળાવી હતી.
લોહાંગપુરના જંગલોમાં પોલીસ પર ફાયરિંગ, વળતા પ્રહારમાં નરાધમ ઠાર થતાં બચ્યો
ઘટનાની ગંભીરતાને જોતાં એસપી પૂર્વ આલોક કુમારના નિર્દેશ પર પોલીસે તાત્કાલિક ગુડ્ડુ, સોહેલ અને ઇરફાન સામે ગેંગરેપ અને પોક્સો (POCSO) હેઠળ ગુનો નોંધી શોધખોળ આદરી હતી. બપોરે અંતુ પોલીસ અને સ્પેશિયલ ટીમે લોહાંગપુરના જંગલમાં બાઇક પર ભાગી રહેલા બે આરોપીઓને ઘેર્યા હતા. પોલીસને જોઈને નરાધમોએ સીધું જ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પોલીસે કરેલા જવાબી આત્મરક્ષણાર્થે ફાયરિંગમાં એક આરોપીના જમણા પગમાં ગોળી વાગી હતી અને તે બાઇક પરથી નીચે પટકાયો હતો, જેને પોલીસે પિસ્તોલ સાથે દબોચીને મેડિકલ કોલેજ હોસ્પિટલ ખસેડ્યો છે.
પોલીસે ઘટનામાં વપરાયેલી લક્ઝરી કાર અને બાઇક જપ્ત કરી લીધી છે. હાલમાં પીડિતાની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં ફરાર થયેલા અન્ય બે નરાધમો સોહેલ અને ઇરફાનને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને દરોડા શરૂ કર્યા છે અને યોગી આદિત્યનાથ સરકારના કડક આદેશ હેઠળ આરોપીઓ સામે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ પણ કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
