તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી એ ભાજપ-કોંગ્રેસને ધોબીપછાડ આપીઃ ઇન્સ્ટાગ્રામ પર ૨ કરોડ સુધી પહોંચવા આવ્યા ફોલોઅર્સઃ નવો ઇતિહાસ રચાયો
અલ જઝીરા અને ધ વાયર સુધી ગૂંજ્યું મેં ભી કોકરોચ કોકરોચ પાર્ટી હવે બિહારની બાંકીપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ અને જન સુરાજ પાર્ટી સામે પોતાનો પહેલો ઉમેદવાર ઉતારવાની તૈયારી કરી રહી છે

નવી દિલ્હી તા.૨૨: દેશમાં કોઈ મોટું આંદોલન ઊભું કરવા માટે કરોડો રૂપિયાનું ફંડ, મોટા નેતાઓ કે રેલીઓની જરૂર નથી હોતી, તે વાત મે ૨૦૨૬ના આ મહિને સાબિત કરી દીધી છે. સુપ્રીમ કોર્ટની ચાલુ સુનાવણી દરમિયાન એક ન્યાયાધીશના મોઢેથી નીકળેલો માત્ર એક કોકરોચ (વંદો) શબ્દ આજે આખા દેશના કરોડો બેરોજગાર યુવાનો માટે ક્રાંતિની મશાલ બની ગયો છે. ઇન્ટરનેટ પર એક સામાન્ય મીમ તરીકે શરૂ થયેલી કોકરોચ જનતા પાર્ટી આજે એવું વિરાટ વટવૃક્ષ બની ગઈ છે કે તેના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સે સત્તાધારી પક્ષ ભાજપ અને કોંગ્રેસને પણ પાછળ છોડી દીધા છે.
કોર્ટ રૂમની એ કડવી ટિપ્પણી જેણે દેશભરમાં ચર્ચા સર્જીઃ આ સમગ્ર ઘટનાક્રમ ૧૫ મે ૨૦૨૬ના રોજ સર્જાયો હતો. સુપ્રીમ કોર્ટમાં એક વકીલને સિનિયર એડવોકેટનો દરજ્જો આપવાની માંગ સાથેની અરજીની સુનાવણી દરમિયાન ચીફ જાસ્ટિસ સૂર્યકાન્ત અને જાસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે વકીલના સોશિયલ મીડિયા વર્તન પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી. આ ચર્ચામાં ચીફ જાસ્ટિસ સૂર્યકાન્ત તરફથી કથિત રીતે એવી ટિપ્પણી થઈ કે, સમાજમાં પહેલેથી જ કેટલાક પરોપજીવી છે જે સિસ્ટમ પર હુમલો કરે છે. કોકરોચ જેવા યુવાનો છે, જેમને રોજગારી મળતી નથી કે પ્રોફેશનમાં કોઈ સ્થાન નથી. તેમાંથી કેટલાક મીડિયા, સોશિયલ મીડિયા કે આરટીઆઈ એક્ટિવિસ્ટ બની જાય છે અને દરેક પર હુમલો કરવાનું શરૂ કરે છે. જો કે, ચીફ જસ્ટિસે પાછળથી સ્પષ્ટતા કરી હતી કે તેમનો ઈશારો માત્ર નકલી ડિગ્રી વાળા લોકો તરફ હતો અને યુવાનોનું અપમાન કરવાનો કોઈ ઈરાદો નહોતો. પરંતુ ધ વાયર અને સોશિયલ મીડિયા ઉપર યુવાનોએ આ સ્પષ્ટતા ફગાવી દીધી. બેરોજગારી, મોંઘવારી અને પેપર લીકથી ત્રસ્ત યુવાનોને લાગ્યું કે દેશની સર્વોચ્ચ સંસ્થાઓ પણ તેમને વંદા સમાન તુચ્છ જંતુ સમજે છે, અને તેમાંથી જ જન્મ થયો મેં ભી કોકરોચનો.
આ આંદોલનના મુખ્ય સૂત્રધાર અમેરિકાની પ્રખ્યાત બોસ્ટન યુનિવર્સિટીમાં પબ્લિક રિલેશન્સનો અભ્યાસ કરતા ૩૦ વર્ષીય યુવાન અભિજીત દિપકે છે. અગાઉ આમ આદમી પાર્ટી સ્ટાઇલના ડિજિટલ કેમ્પેઇન સાથે કામ કરી ચૂકેલા અભિજીતે રાતોરાત એક વેબસાઈટ વોઇસ ઓફ ધ લેઝી એન્ડ અનએમ્પ્લોયડ (આળસુ અને બેરોજગારોનો અવાજ) બનાવી. તેમણે બંધારણના મૂળ શબ્દો સાથે આળસુ શબ્દ જોડીને પાર્ટીનું સત્તાવાર સૂત્ર આપ્યું: બિનસાંપ્રદાયિક, સમાજવાદી, લોકતાંત્રિક, આળસુ
ડિજિટલ સુનામીઃ આંકડા જોઈ રાજકીય પંડિતો ચોંકી ગયા સામાન્ય રીતે કોઈપણ રાજકીય પક્ષને ૧ કરોડ ફોલોઅર્સ ભેગા કરતા વર્ષો નીકળી જાય છે, પરંતુ કોકરોચ જનતા પાર્ટીએ ગણતરીના દિવસોમાં જ આ જાદુઈ આંકડો પાર કરી લીધો છે.
તાજેતરના મીડિયા રિપોર્ટ્સ અને આંકડાઓ મુજબ, આ પાર્ટીના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા હવે આજે છઠ્ઠા દિવસે સવારે લગભગ ૧ કરોડ ૮૦ લાખ (૧૮ મિલિયન) સુધી પહોંચી ગઈ છે. જ્યારે તેની સામે ભાજપના ૮૭ લાખ આસપાસ ફોલોઅર્સ છે અને કોંગ્રેસના ૧ કરોડ ૩૩ લાખ ફોલોઅર્સ છે. એક્સ (અગાઉનું ટ્વિટર) પર પણ શરૂઆતના દિવસોમાં જ લાખો ફોલોઅર્સ થઈ ગયા હતા અને સત્તાવાર રીતે ૩ લાખ ૫૦ હજારથી વધુ લોકોએ સભ્યપદ માટે ફોર્મ ભર્યા છે.
પ્રખ્યાત એક્ટિવિસ્ટ અંજાલિ ભાર્દ્વાજના સૂચનો સાથે પાર્ટીએ પાંચ માંગણીઓનો ધારદાર મેનિફેસ્ટો જાહેર કર્યો છેઃ
૧. ચીફ જસ્ટિસની રાજ્યસભા પર રોકર્ઃં નિવૃત્ત થતા ન્યાયાધીશોને ક્યારેય રાજ્યસભાની સીટ કે ગવર્નર પદ ન મળવું જોઈએ.
૨. મહિલાઓને ૫૦ ટકા અનામત અને કેબિનેટમાં સ્થાનઃ સંસદની સીટો વધાર્યા વગર સીધી ૫૦ ટકા અનામત આપો અને કેબિનેટમાં પણ અડધોઅડધ મહિલાઓ હોવી જોઈએ.
૩. પક્ષપલટા પર ૨૦ વર્ષનો બેનઃ ચૂંટણી જીત્યા પછી પક્ષપલટો કરનારા ધારાસભ્ય કે સાંસદ પર ૨૦ વર્ષ સુધી પ્રતિબંધ મૂકો.
૪. સીબીએસઈની લૂંટ અને નીટનો ન્યાયઃ રિચેકિંગના નામે વસૂલાતા હજારો રૂપિયાની લૂંટ બંધ કરો અને નીટ પેપર લીકના પીડિતોને ન્યાય આપો.
૫. ગોદી મીડિયાની તપાસઃ ખોટા સમાચાર ફેલાવતા ન્યૂઝ એન્કરોના બેંક એકાઉન્ટ્સની તપાસ કરો.
આ આંદોલન માત્ર ઓનલાઈન પૂરતું સીમિત નથી. વિરોધીઓને જવાબ આપવા યુવા કાર્યકરોએ વંદા-કોન્ક્રોંચ ના મોટા કપડાં પહેરીને યમુના નદીનો કચરો સાફ કર્યો હતો. તેમણે મેસેજ આપ્યો કે, જો સિસ્ટમ્સ અમને કોકરોચ સમજતી હોય, તો અમે એ ગંદકી સાફ કરીશું જેને તમે જોવા પણ નથી માંગતા એટલું જ નહીં, પાર્ટી હવે આગામી સમયમાં બિહારની બાંકીપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ અને જન સુરાજ પાર્ટી સામે પોતાનો પહેલો ઉમેદવાર ઉતારવાની તૈયારી કરી રહી છે.
ટીએમસી સાંસદ કીર્તિ આઝાદે મજાકમાં પૂછ્યું કે, જોડાવા માટે શું લાયકાત જોઈએ? ત્યારે પાર્ટીએ જવાબ આપ્યો કે, ૧૯૮૩નો વર્લ્ડ કપ જીતવો એ પૂરતી લાયકાત છે!
ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાને પાર્ટીએ સભ્ય બનાવ્યા છે, જ્યારે રાહુલ ગાંધી પણ નીટ પેપર લીક અને બેરોજગારીના મુદ્દે સરકાર પર પ્રહારો કરી રહ્યા છે.
જો કે, સ્થાપક અભિજીતે વિડીયો જાહેર કરીને ગંભીર આક્ષેપ કર્યો છે કે, અમારા એકાઉન્ટ્સને હેક કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. ચીન સરહદે ઘૂસણખોરી કરે ત્યારે એક્શન લેવાતી નથી, પણ આ સરકાર પોતાના જ નાગરિકોને કચડવામાં પાવરધી છે!
અલ જઝીરા અને ધ વાયર જેવા માધ્યમોએ નોંધ્યું છે કે કાલ્પનિક પાર્ટી હોવા છતાં યુવાનોને તે વર્તમાન પક્ષો કરતાં બહેતર લાગી રહી છે, જે લોકશાહી પર સૌથી મોટો કટાક્ષ છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, મનીકંટ્રોલ અને બિઝનેસ ટુડે જેવા અખબારોએ આ પાર્ટીના જંગી ગ્રોથને કેસ-સ્ટડી તરીકે છાપ્યો છે. ગમે તે થાય, આ આંદોલને સાબિત કર્યું છે કે આજનો યુવાન ડિજિટલ માધ્યમથી પણ સરકારના પાયા હલાવી શકે છે. સત્તા પર બેઠેલા લોકોએ યુવાનોને નબળા સમજવાની ભૂલ ન કરવી જોઈએ, કારણ કે સિસ્ટમ્સને ભલે યુવાનો વંદા લાગતા હોય, પણ હવે આ વંદાએ આખા દેશમાં ઉડાન ભરી લીધી છે.(૩૮.૪૧)
કર્ટસી
અપૂર્વ ગણાત્રા
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
