તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
સોશિયલ મીડિયા પર સેન્સરશીપના એંધાણ? સુપ્રીમ કોર્ટ પહોંચ્યો '₹૩૭૦ બિરયાની' વિવાદ : સ્ટેન્ડ-અપ અને AI પર લગામ કસવાની માંગ!
કોમેડિયન પ્રણિત મોરેની વિવાદાસ્પદ ટિપ્પણી અને ન્યાયાધીશો વિશે સોશિયલ મીડિયા પર ફેલાયેલા ફેક ન્યૂઝ બાદ કોર્ટમાં અરજી: ઓનલાઈન કન્ટેન્ટ, પોડકાસ્ટ અને એઆઈ માટે કડક નિયમો બનાવવાની જોરદાર રજૂઆત

નવી દિલ્હી: શું હવે ઇન્ટરનેટ, યુટ્યુબ પોડકાસ્ટ અને સ્ટેન્ડ-અપ કોમેડી શો પર સરકારનું કડક નિયંત્રણ આવી જશે? આ સવાલ દેશની સર્વોચ્ચ અદાલતમાં દાખલ થયેલી એક સનસનાટીભરી જનહિત અરજી બાદ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગુરુગ્રામમાં એક લાઈવ શો દરમિયાન જાણીતા કોમેડિયન પ્રણિત મોરે દ્વારા કરવામાં આવેલી '₹૩૭૦ બિરયાની' સંબંધિત વિવાદાસ્પદ જોકનો હવાલો આપીને સુપ્રીમ કોર્ટમાં કાનૂની માળખું તૈયાર કરવાની માંગ કરવામાં આવી છે. આ અરજીમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે અભિવ્યક્તિની આઝાદીના નામે સોશિયલ મીડિયા અને સ્ટેન્ડ-અપ પ્લેટફોર્મ પર કોઈપણ નિયંત્રણ વિના પીરસવામાં આવતું કન્ટેન્ટ દેશની શાંતિ અને સંસ્થાઓની ગરિમા માટે જોખમી બની રહ્યું છે.
વરિષ્ઠ વકીલ વિશાલ તિવારી દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં ડિજિટલ પ્લેટફોર્મ અને ખાસ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા જનરેટ થતી સામગ્રી પર નજર રાખવા માટે વહેલી તકે એક સ્વતંત્ર નિયમનકારી મંડળ બનાવવાની માંગ કરાઈ છે. અરજીમાં તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક નકલી સમાચારનો પણ સખત શબ્દોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ફેક ન્યૂઝમાં દાવો કરવામાં આવ્યો હતો કે કરદાતાઓના સરકારી નાણાં પર ભારતીય ન્યાયાધીશો અને કેન્દ્રીય મંત્રીઓ લંડનમાં બેડમિન્ટન ટુર્નામેન્ટની મજા માણી રહ્યા છે. આવા પાયાવિહોણા સમાચારો ખૂબ જ ટૂંકા સમયમાં લાખો લોકો સુધી પહોંચીને બંધારણીય સંસ્થાઓની વિશ્વસનીયતા પર સવાલો ઊભા કરે છે.
અરજીકર્તાએ દેશની નબળી કાનૂની વ્યવસ્થા પર પણ આંગળી ચીંધતા કહ્યું છે કે આપણી પ્રણાલી 'પોસ્ટ-રિએક્ટિવ' છે, એટલે કે જ્યારે મોટું નાુકસાન થઈ જાય ત્યારે જ કાયદો એક્શનમાં આવે છે. જ્યાં સુધી ફેક્ટ-ચેક (સત્યતાની ચકાસણી) થાય અથવા તો સરકાર દ્વારા કોઈ સત્તાવાર સ્પષ્ટતા બહાર પાડવામાં આવે, ત્યાં સુધીમાં કરોડો યુઝર્સ તે ભ્રામક માહિતી જોઈ ચૂક્યા હોય છે અને તેને સાચી માનીને આગળ શેર પણ કરી દે છે. આથી, કોઈ નુકસાન થાય તે પહેલા જ સોશિયલ મીડિયા, ડિજિટલ વીડિયો અને પોડકાસ્ટ માટે 'સેન્સિંગ ગાઈડલાઈન્સ' લાવવી અનિવાર્ય બની ગઈ છે. હવે જોવાનું એ રહેશે કે સુપ્રીમ કોર્ટ આ ડિજિટલ સેન્સરશીપના મુદ્દે આગામી દિવસોમાં શું કડક વલણ અપનાવે છે.
(6:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
