<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

સોશિયલ મીડિયા પર એઆઈ ટેકનોલોજીથી 1980ના દાયકાના રેટ્રો લુકનો વાયરલ ક્રેઝઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વિન્ટેજ અવતાર જાહેર થતાં ભાજપના કાર્યકરો અને નેતાઓ પણ ડિજિટલ ટ્રેન્ડના રંગે રંગાયા

​ચેટજીપીટી અને એઆઈ ઈમેજ જનરેટરની મદદથી તૈયાર કરાયેલા વિન્ટેજ લુકમાં પીએમ મોદી સહિત દેશના અનેક રાજકીય દિગ્ગજોના રેટ્રો ફોટોઝ અને વિડિયો ઈન્ટરનેટ પર ભારે ધૂમ મચાવી રહ્યા છે

​નવી દિલ્હી: ​ડિજિટલ યુગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ક્રેઝ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર હાલમાં 1980ના દાયકાની ફેશન અને સ્ટાઈલ દર્શાવતો એક વિશેષ ટ્રેન્ડ ભારે લોકપ્રિય બન્યો છે. ઈન્ટરનેટ પર ચાલી રહેલા આ '80s Look' ટ્રેન્ડમાં હવે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પણ એક અનોખો અને આકર્ષક રેટ્રો અવતાર સામે આવ્યો છે.

​ભારતીય જનતા પાર્ટીની હિમાચલ પ્રદેશ શાખા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પીએમ મોદીના એઆઈ જનરેટેડ વિન્ટેજ લુક ધરાવતો એક વિશેષ વિડિયો શેર કરવામાં આવ્યો છે. વિડિયોના કેપ્શનમાં ભાજપે લખ્યું છે કે, "જ્યારે તેમનું આભા-મંડળ પહેલાથી જ બેમિસાલ હતું." જોકે વડાપ્રધાન મોદીએ પોતે આવી કોઈ તસવીર શેર કરી નથી, પરંતુ ભાજપના સત્તાવાર હેન્ડલ પરથી એઆઈ પ્રોમ્પ્ટ ટૂલ્સની મદદથી બનેલી આ અલગ-અલગ અંદાજની તસવીરો વાયરલ થતાં જ નેટીઝન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.

​દિગ્ગજ નેતાઓ પણ રેટ્રો ટ્રેન્ડના રંગે રંગાયા

​વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પહેલાં પણ દેશના વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ આ વાયરલ ટ્રેન્ડનો હિસ્સો બની ચૂક્યા છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ગ્રે સૂટ, સફેદ શર્ટ અને એવિયેટર સનગ્લાસિસ સાથેની પોતાની એઆઈ ઈમેજ શેર કરીને લખ્યું હતું કે તેઓ 80ના દાયકાના ટ્રેન્ડની મજા માણી રહ્યા છે. આ ઉપરાંત કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂ, ચિરાગ પાસવાન તેમજ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂર જેવા દિગ્ગજ રાજકારણીઓ પણ સનગ્લાસ, વિન્ટેજ કાર અને તે સમયની ખાસ હેરસ્ટાઈલવાળા પોઝમાં પોતાના એઆઈ અવતાર શેર કરી ચૂક્યા છે.

​કેવી રીતે કામ કરે છે આ એઆઈ ટ્રેન્ડ?

​ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી રહેલા આ ટ્રેન્ડમાં યુઝર્સ પોતાની વર્તમાન તસવીરો ચેટજીપીટી (ChatGPT) કે અન્ય એઆઈ ટૂલ્સ પર અપલોડ કરે છે. ત્યારબાદ કમાન્ડ (પ્રોમ્પ્ટ) આપવામાં આવે છે કે તસવીરમાં ચહેરાની મૂળ બનાવટ અને હાવભાવ યથાવત રાખીને 1980ના દાયકાની ફેશન મુજબ કપડાં, હેરસ્ટાઈલ, મૂછો, પોઝ, બેકડ્રોપ અને લાઈટિંગ બદલી દેવામાં આવે.

​1980ના દાયકાનો ભારતીય લુક મેળવવા માટે આ ટૂલ્સમાં ખાસ કરીને પહોળા કોલરવાળા શર્ટ, હાઈ-વેસ્ટ ટ્રાઉઝર, રેટ્રો સનગ્લાસ, ઘેરા રંગો, ક્લાસિક સ્ટુડિયો બેકડ્રોપ અને વોર્મ લાઈટિંગનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી તસવીરો તે જમાનાના અસલી ફોટોશૂટ જેવી દેખાય છે.

(2:32 PM IST)