તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
સોશિયલ મીડિયા પર '૧૯૮૦ રેટ્રો AI ટ્રેન્ડ'ની ધૂમ: પીએમ મોદી, રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓ વિન્ટેજ અવતારમાં ચમક્યા
AI ટાઇમ મશીન બન્યું: પહોળા કોલરના શર્ટ, બેલ-બોટમ પેન્ટ અને ૮૦ના દાયકાની હેરસ્ટાઇલમાં નેતાઓના ફિલ્મી લુક વાયરલ

નવી દિલ્હી:ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાલ એક નવો અને અનોખો વાયરલ ટ્રેન્ડ ધૂમ મચાવી રહ્યો છે, જે લોકોને સીધા ૪૦ વર્ષ પાછળ એટલે કે ૧૯૮૦ના દાયકામાં લઈ જાય છે. '૧૯૮૦નો રેટ્રો AI ટ્રેન્ડ' નામે જાણીતા બનેલા આ વાયરલ ફીવરમાં માત્ર સામાન્ય લોકો જ નહીં, પરંતુ દેશના ટોચના રાજકારણીઓ અને બોલીવુડ હસ્તીઓ પણ હોંશે હોંશે જોડાઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા અને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ સહિતના નેતાઓના ૮૦ના દાયકાના ક્લાસિક AI ફોટોસે સોશિયલ મીડિયા પર ભારે આકર્ષણ જમાવ્યું છે.
વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં રાજકીય નેતાઓ ૮૦ના દાયકાની આઇકોનિક ફેશનમાં નજરે પડે છે. જેમાં મોટા અને પહોળા કોલરવાળા શર્ટ, વિન્ટેજ હેરસ્ટાઇલ, બેલ-બોટમ ટ્રાઉઝર અને તે સમયના ક્લાસિક કલર ટોન જોવા મળે છે. નેતાઓ પોતે પણ આ ટ્રેન્ડનો આનંદ માણી રહ્યા છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ પોતાનો રેટ્રો લુક શેર કરતા રમુજી અંદાજમાં લખ્યું હતું કે, "હું નોસ્ટાલ્જીયા સાથે જોડાયેલા કોઈપણ ટ્રેન્ડમાં જોડાવાથી મારી જાતને રોકી શક્યો નથી... પાછા ૮૦ના દાયકામાં!" જ્યારે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પણ પોતાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બનેલી તસવીર પોસ્ટ કરીને નોસ્ટાલ્જીયાનો ભાગ બનવાની ખુશી વ્યક્ત કરી હતી.
આ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ફોટો ચેલેન્જ છે. જેમાં યુઝર્સ પોતાના વર્તમાન સમયના સામાન્ય ફોટોગ્રાફ્સને AI ટૂલ અથવા એપમાં અપલોડ કરીને ૧૯૮૦ના દાયકાનો આદેશ (Prompt) આપે છે. આ ટેકનોલોજી સેકન્ડોમાં ફોટોના કપડાં, હેરસ્ટાઇલ, પૃષ્ઠભૂમિ અને કલર ગ્રેડિંગ બદલીને તેને ૪૦ વર્ષ જૂના રીલ કે ફોટો આલ્બમ જેવો લુક આપી દે છે.
ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને એક્સ (અગાઉનું ટ્વિટર) પર લોકો નેતાઓના આ ફિલ્મી અવતાર પર રસપ્રદ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. યુઝર્સ રાહુલ ગાંધીના લુકને ૮૦ના દાયકાના બોલીવુડ હીરો સાથે સરખાવી રહ્યા છે, તો પીએમ મોદી અને હિમંતા બિસ્વા શર્માના લુકની પણ સરાહના થઈ રહી છે. લોકો કોમેન્ટ્સમાં લખી રહ્યા છે કે "એઆઈ ખરેખર એક ડિજિટલ ટાઇમ મશીન બની ગયું છે". ટેકનોલોજી અને મનોરંજનના આ અનોખા સંગમથી સોશિયલ મીડિયા પર અત્યારે રેટ્રો ફેશનનો નવો ક્રેઝ જોવા મળી રહ્યો છે.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
