<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

જમ્‍મુ કાશ્‍મીરના અનેક ઉંચાઈવાળા વિસ્‍તારોમાં હિમવર્ષા

પ્રવાસન સ્‍થળો બરફની ચાદરથી ઢંકાયાઃ ગુલમર્ગના કાંગદોરી, ફેઝ ૧ અને ફેઝ ૨માં ભારે હિમવર્ષાઃ મોટી સંખ્‍યામાં પ્રવાસીઓ ગુલમર્ગ તરફ : ગુલમર્ગ અને સોનમર્ગની સુંદરતામાં વધારોઃ પ્રવાસન પ્રવૃત્તિઓને પણ વેગ

શ્રીનગર,તા.૧૩: જમ્‍મુ કાશ્‍મીરના ઉંચાઈવાળા અનેક વિસ્‍તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. જેના કારણે પ્રખ્‍યાત પ્રવાસન સ્‍થળો અને પહાડી વિસ્‍તારો બરફની ચાદરથી ઢંકાઈ ગયા છે. જેમાં સાદના ટોપ, ફર્કિન ટોપ, કર્નાહ વેલી, પીર કી ગલી, સિન્‍થાન ટોપ અને ઝોઝિલા પાસ ખાતે હિમવર્ષાના અહેવાલ છે. આ ઉપરાંત, ગુલમર્ગના ઉંચાઈવાળા વિસ્‍તારો જેમ કે અફરવત હિલ્‍સ અને કોંગડોરીમાં પણ તાજી હિમવર્ષા થઇ છે.

જેમાં ગુલમર્ગના કાંગદોરી, ફેઝ ૧ અને ફેઝ ૨માં ભારે હિમવર્ષા પછી મોટી સંખ્‍યામાં પ્રવાસીઓ ગુલમર્ગ તરફ જઈ રહ્યા છે. આ પ્રખ્‍યાત સ્‍કી રિસોર્ટમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે,  હવામાન વિભાગે પહેલાથી જ કાશ્‍મીરમાં ખાસ કરીને ગુલમર્ગ, સોનમર્ગ ગુરેઝમાં ૧૨ થી ૧૫ નવેમ્‍બર દરમિયાન ભારે હિમવર્ષાની આગાહી કરી હતી. જેના પગલે કાશ્‍મીરના તમામ પહાડી વિસ્‍તારો બરફની સફેદ ચાદરમાં ઢંકાઈ ગયા હતા.

જમ્‍મુ કાશ્‍મીરમાં તાજી હિમ વર્ષા બાદ પ્રવાસીઓ બરફથી ઢંકાયેલ ઢોળાવ પર મજા કરતા જોવા મળે છે.જ્‍યારે કેટલાક સ્‍લેડિગ અને સ્‍કીઇંગની મજા લેતા જોવા મળ્‍યા હતા. આ તાજી હિમવર્ષાએ પ્રવાસીઓમાં ઉત્‍સાહ ભરી દીધો છે. તેમજ ગુલમર્ગ અને સોનમર્ગની સુંદરતામાં વધારો કર્યો છે અને આ વિસ્‍તારમાં પ્રવાસન પ્રવૃત્તિઓને પણ વેગ આપ્‍યો છે.

આ ઉપરાંત હવામાન વિભાગે કુપવાડા, બાંદીપોરા અને ગાંદરબલના પહાડી વિસ્‍તારોમાં મધ્‍યમથી ભારે હિમવર્ષાની આગાહી કરી છે. તેમજ દિવસના તાપમાનમાં ૬ થી ૮ ડિગ્રી સેલ્‍સિયસનો ઘટાડો થઈ શકે છે. જેમાં કેટલાક સ્‍થળોએ ભારે પવન અને  કરા પડવાની પણ શક્‍યતા છે. હવામાન વિભાગે ખેડૂતો અને પ્રવાસીઓને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી છે.

આ દરમિયાન કુપવાડા પોલીસે હવામાન અને હિમવર્ષાને લઈને એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્‍યું છે કે  ઉંચાઈવાળા વિસ્‍તારોમાં રસ્‍તાઓ બંધ થઈ શકે છે. તેમજ વીજ પુરવઠો ખોરવાઈ શકે છે.  તેમજ પહાડી વિસ્‍તારોમાં રહેતા લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે, જ્‍યારે પ્રવાસીઓ અને ટ્રેકર્સને વહીવટીતંત્ર અને પોલીસની સૂચનાઓનું કડકપણે પાલન કરવા જણાવવામાં આવ્‍યું છે.

(10:20 AM IST)