તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
ધૂમ્રપાન કરનારાઓના ખિસ્સા પર બોજ પડશે : મે મહિનાથી સિગારેટના ભાવમાં તોતિંગ વધારો
નવું એક્સાઇઝ બિલ 2025 અમલી બનતા ગોલ્ડ ફ્લેક અને ક્લાસિકના ભાવમાં 17% સુધીનો ઉછાળો : એક તરફ વ્યસનીઓમાં ફફડાટ, તો બીજી તરફ ITC અને ગોડફ્રે ફિલિપ્સના શેરમાં બમ્પર તેજી

મુંબઈ: મે મહિનાની શરૂઆત સિગારેટના શોખીનો માટે મોંઘી સાબિત થવાની છે. દેશની દિગ્ગજ સિગારેટ ઉત્પાદક કંપનીઓએ ભાવમાં ધરખમ વધારો કરવાની જાહેરાત કરી દીધી છે. સરકાર દ્વારા તાજેતરમાં પસાર કરવામાં આવેલા 'સેન્ટ્રલ એક્સાઇઝ બિલ 2025' મુજબ, હવે સિગારેટ પર 40% GST ઉપરાંત ભારે એક્સાઇઝ ડ્યુટી લાદવામાં આવી છે. આ નવા ટેક્સ માળખાને કારણે ગોલ્ડફ્લેક પ્રીમિયમ જેવા લોકપ્રિય પેકેટના ભાવ ₹115 થી વધીને સીધા ₹135 ને પાર કરી શકે છે. માત્ર પ્રીમિયમ જ નહીં, પરંતુ નાની સિગારેટ (Shorts) ના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે.
રસપ્રદ વાત એ છે કે, ભાવ વધારાના સમાચારથી સિગારેટના ગ્રાહકો ભલે નારાજ હોય, પરંતુ શેરબજારમાં તો જાણે હોળી-દિવાળી જેવો માહોલ જામ્યો છે. ITC ના શેરમાં 4% અને ગોડફ્રે ફિલિપ્સના શેરમાં અંદાજે 7.80% નો જંગી ઉછાળો જોવા મળ્યો છે. રોકાણકારો જાણે છે કે સિગારેટ એક એવું વ્યસન છે કે જેની માંગ પર કિંમતની બહુ ઓછી અસર પડે છે. કંપનીઓનો ઉત્પાદન ખર્ચ ભલે 28% સુધી વધ્યો હોય, પરંતુ ગ્રાહકો પાસેથી વધુ કિંમત વસૂલીને કંપનીઓ પોતાનો નફો જાળવી રાખવામાં માહિર છે. આજે બપોર સુધીમાં ITC નો શેર ₹316.30 ના સ્તરે મજબૂતીથી ટ્રેડ થઈ રહ્યો હતો.
નિષ્ણાતોના મતે, આ ભાવ વધારાથી શરૂઆતમાં વેચાણમાં સામાન્ય ઘટાડો દેખાઈ શકે છે, પરંતુ લાંબા ગાળે આ કંપનીઓના નફામાં વધારો જ કરશે. 75mm થી મોટી સિગારેટ પર ટેક્સનો બોજ સૌથી વધુ છે, જે સીધી રીતે ઉચ્ચ મધ્યમ વર્ગના ખિસ્સાને અસર કરશે. એક તરફ સરકાર ટેક્સ વધારીને લોકોના સ્વાસ્થ્યની રક્ષા કરવાનો અને આવક વધારવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે બીજી તરફ ધૂમ્રપાન કરનારાઓએ હવે તેમના માસિક બજેટમાં આ 'ધૂમાડા' માટે વધુ જગ્યા રાખવી પડશે.
(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
