તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
હવામાં ઈન્ડિગો વિમાનના કાર્ગોમાં વાગ્યું સ્મોક એલાર્મ: ૧૦૯ મુસાફરોના જીવ અધ્ધર, લખનૌ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ!
અગરતલાથી દિલ્હી જઈ રહેલી ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા પાયલોટે લીધો ત્વરિત નિર્ણય; એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના કાફલા સાથે રેસ્ક્યૂ ટીમ તૈનાત કરાઈ

લખનૌ : અગરતલાથી દેશની રાજધાની દિલ્હી તરફ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં મંગળવારે સાંજે મધ્ય-આકાશમાં અચાનક ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. વિમાન જ્યારે લખનૌના હવાઈ ક્ષેત્ર (એરસ્પેસ)માંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તેના કાર્ગો હોલ્ડ (સામાન રાખવાના વિભાગ)માં ધુમાડો હોવાની ચેતવણી આપતું સ્મોક એલાર્મ વાગવા લાગ્યું હતું. આ ગંભીર ટેકનિકલ ખામીની જાણ થતાં જ પાયલોટે ત્વરિત નિર્ણય લઈ લખનૌના ચૌધરી ચરણ સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલ (ATC) નો સંપર્ક કર્યો હતો અને ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની મંજૂરી માગી હતી.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લખનૌ એટીસીએ વિમાનને લેન્ડિંગ માટે સર્વોચ્ચ પ્રાથમિકતા આપી હતી. એરપોર્ટ પર તાત્કાલિક ઈમરજન્સી પ્રોટોકોલ લાગુ કરી દેવામાં આવ્યો હતો અને રનવેની આસપાસ ફાયર ફાઈટિંગ વાહનો, એમ્બ્યુલન્સ અને રેસ્ક્યૂ ટીમોને તૈનાત કરી દેવાઈ હતી. ૧૦૩ પ્રવાસીઓ અને ૬ ક્રૂ મેમ્બર્સ સહિત કુલ ૧૦૯ લોકોને લઈને જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E-6504 સાંજે લગભગ ૬:૨૯ વાગ્યે લખનૌ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ જતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
સુરક્ષિત લેન્ડિંગ બાદ તમામ મુસાફરો અને તેમના સામાનને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા અને એન્જિનિયરોની ટીમ દ્વારા ધુમાડાનું એલાર્મ વાગવા પાછળના સાચા કારણની ગહન તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, માંડ બે અઠવાડિયા પહેલાં જ ૩ સપ્ટેમ્બરના રોજ વારાણસીથી દિલ્હી જતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં પણ કાર્ગો સ્મોક એલાર્મ વાગતા લખનૌમાં જ ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. ફ્લાઈટોમાં સતત બની રહેલી આવી ઘટનાઓએ મુસાફરોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
(9:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
