News of Sunday, 22nd November 2026
દિવાળીના તહેવારોમાં પણ સ્માર્ટફોન માર્કેટ ઠંડું, ઊંચા ભાવને કારણે વેચાણમાં ૨૨ ટકાનો મોટો ઘટાડો નોંધાયો
મેમરી ચિપ્સ મોંઘી થતા ફોનની કિંમતોમાં ૨૮ ટકાનો ઉછાળો, બજેટ ગ્રાહકોએ ખરીદી ટાળતા રિફર્બિશ્ડ આઇફોન અને ઇએમઆઇ પર ખરીદીનો નવો ટ્રેન્ડ

નવી દિલ્હી : ભારતમાં ૨૦૨૬ના દિવાળી અને નવરાત્રી જેવા મોટા તહેવારોની મોસમમાં પણ સ્માર્ટફોન બજારને મોટો આંચકો લાગ્યો, જ્યાં વેચાણમાં વાર્ષિક ધોરણે આશરે ૨૨ ટકાનો મોટો ઘટાડો નોંધાયો. કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના તાજેતરના અહેવાલ મુજબ ૮ ઓક્ટોબરથી ૧૦ નવેમ્બર ૨૦૨૬ દરમિયાન ગ્રાહકોએ નવા ફોન ખરીદવામાં ઓછો રસ દાખવ્યો, જે બજાર નિષ્ણાતોના ૧૨ ટકા ઘટાડાના અંદાજ કરતા ઘણો વધારે સાબિત થયો. જોકે, ફોનની કિંમતોમાં થયેલા તોતિંગ વધારાને કારણે કુલ વેચાણ મૂલ્યમાં બહુ મોટો ફેરફાર જોવા મળ્યો નથી, પરંતુ નબળી ગ્રાહક માંગે કંપનીઓની ચિંતા ચોક્કસપણે વધારી દીધી.
સરેરાશ વેચાણ ભાવ એટલે કે એએસપીમાં વાર્ષિક ૨૮ ટકાનો વધારો થવા પાછળ ડીરેમ અને નેન્ડ મેમરી ચિપ્સના વધતા ભાવ મુખ્ય જવાબદાર રહ્યા, જેના લીધે કંપનીઓ માટે પોસાય તેવા ભાવે ફોન વેચવા મુશ્કેલ બન્યા. ગયા વર્ષે તહેવારોમાં મળતું ૩૫ થી ૪૦ ટકા ડિસ્કાઉન્ટ આ વખતે ઘટીને માત્ર ૧૦ થી ૨૫ ટકા સુધી સીમિત રહેતા ઓછા બજેટવાળા ગ્રાહકોએ ખરીદી મુલતવી રાખી, પરિણામે ૨૦,૦૦૦ રૂપિયાથી ઓછી કિંમતના ફોનના વેચાણમાં ૫૦ ટકા સુધીનો કડાકો બોલી ગયો. ડિસ્કાઉન્ટ ઘટતા કંપનીઓએ નો-કોસ્ટ ઇએમઆઇ, બેંક ઓફર્સ અને એક્સચેન્જ ડીલ્સ પર ભાર મૂક્યો, જેના કારણે તહેવારોનું લગભગ ૪૮ ટકા વેચાણ ફાઇનાન્સિંગ દ્વારા થયું અને વપરાયેલા તથા રિફર્બિશ્ડ આઇફોનની માંગમાં ઉછાળો આવ્યો.
નબળા બજાર વચ્ચે પણ સેમસંગે ૨૧ ટકા બજાર હિસ્સા સાથે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું અને તેના વેચાણમાં માત્ર ૮ ટકાનો ઘટાડો થયો, જેમાં ગેલેક્સી એસ૨૫ અલ્ટ્રા અને એસ૨૫ની મજબૂત માંગે મોટો ભાગ ભજવ્યો. બીજી તરફ વીવોના વેચાણમાં ૨૧ ટકા, ઓપ્પોમાં ૨૪ ટકા અને શાઓમીમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો, જોકે દિવાળી આસપાસ રેડમી નોટ ૧૫ અને ૧૭ શ્રેણીની માંગ વધી તેમજ એઆઇ પ્લસ કંપનીએ દસ લાખથી વધુ ફોન વેચી સારું પ્રદર્શન કર્યું. એપલના એકંદર વેચાણમાં ઘટાડા છતાં આઇફોન ૧૮ પ્રો શ્રેણી અને આઇફોન ૧૭ પ્રત્યે ગ્રાહકોનો રસ જળવાઈ રહ્યો, જ્યારે ૪૫,૦૦૦ રૂપિયાથી વધુના પ્રીમિયમ સેગમેન્ટમાં ગૂગલ સૌથી ઝડપથી વિકસતી બ્રાન્ડ બની અને અત્યાર સુધીના સૌથી વધુ પિક્સેલ ફોન વેચ્યા.
કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના વિશ્લેષક શુભમ સિંહના મતે ઊંચી કિંમતોને કારણે ગ્રાહકોએ નવા ફોન લેવાને બદલે જૂના ફોન વાપરવાનું ચાલુ રાખતા માત્ર ડિસ્કાઉન્ટથી વેચાણ વધારવું અશક્ય બન્યું. અગાઉના વર્ષોમાં તહેવારોની સીઝન બજેટ સ્માર્ટફોનના જંગી વેચાણ માટે જાણીતી હતી, પરંતુ હવે બજાર સંપૂર્ણપણે પ્રીમિયમ સેગમેન્ટ અને ફાઇનાન્સિંગ તરફ વળી ચૂક્યું છે. આગામી વર્ષ ૨૦૨૭માં સ્માર્ટફોન ઉત્પાદક કંપનીઓ માટે સૌથી મોટો પડકાર ઉત્પાદન ખર્ચને નિયંત્રિત કરી કિંમતો ઓછી રાખવાનો, સરળ ઇએમઆઇ વિકલ્પો આપવાનો અને દરેક બજેટ વર્ગના ગ્રાહકોને આકર્ષી શકે તેવા સારા ફોન બજારમાં મૂકવાનો રહેશે.
(12:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
