News of Tuesday, 15th September 2026
મહિને ₹૭૦ હજાર ભાડું ચૂકવવા છતાં 'ઝૂંપડપટ્ટીનો વ્યુ': ટીવી અભિનેત્રી આંચલ ખુરાનાએ મુંબઈની કડવી વાસ્તવિકતાનો પર્દાફાશ કર્યો
'રોડીઝ ૮' વિજેતાએ ફ્લેટ ટૂરનો વીડિયો શેર કરી બતાવી આલીશાન લાઈફ પાછળની સચ્ચાઈ; કહ્યું- "આજે જે રીતે મોંઘવારી છે, મુંબઈમાં ઘર ખરીદતા ૫૦૦ વર્ષ નીકળી જશે"

મુંબઈ : માયાનગરી અને 'સિટી ઓફ ડ્રીમ્સ' તરીકે ઓળખાતા મુંબઈ શહેરમાં ગ્લેમર જગતના કલાકારોની ચમકધમક પાછળ કેવું સંઘર્ષમય જીવન છુપાયેલું હોય છે, તેનો એક અત્યંત વાસ્તવિક અને આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. 'એમટીવી રોડીઝ ૮' ની વિજેતા અને 'બડે અચ્છે લગતે હૈ' ફેમ જાણીતી ટીવી અભિનેત્રી આંચલ ખુરાનાએ પોતાના ૧ BHK ફ્લેટની 'અનફિલ્ટર્ડ' ટૂર કરાવીને મુંબઈમાં મોંઘાદાટ ભાડાં અને રીયલ એસ્ટેટની કડવી સચ્ચાઈ છતી કરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વ્લોગમાં તેણે કોઈ પણ બનાવટ વગર પોતાના રોજીંદા જીવનની ગ્રાઉન્ડ રિયાલિટી રજૂ કરી છે.
આંચલે ખુલાસો કર્યો હતો કે તે મુંબઈના ૧૩મા માળે આવેલા જે ૧ BHK ફ્લેટમાં રહે છે, તેનું માસિક ભાડું પૂરા ૭૦ હજાર રૂપિયા છે. આટલું મસમોટું ભાડું ચૂકવવા છતાં તેની બારી કે રસોડામાંથી કોઈ દરિયા કિનારો કે ગાર્ડન નહીં પરંતુ ચારેય તરફ ઝૂંપડપટ્ટીઓનો નજારો દેખાય છે. જગ્યાના અભાવે નાના રસોડામાં જ વોશિંગ મશીન મૂકવું પડ્યું છે, જ્યારે મહેમાનો માટેનો રૂમ કપડાં સૂકવવા માટે વાપરવો પડે છે. ઇન્ડસ્ટ્રીમાં ૧૪ વર્ષથી વધુ સમયથી કામ કરી રહેલી આંચલે વ્યંગાત્મક અંદાજમાં કહ્યું કે, આજના સમયમાં જે રીતે મોંઘવારી વધી રહી છે તે જોતા મુંબઈમાં પોતાનું ઘર ખરીદતા તેને ૪૦૦ થી ૫૦૦ વર્ષ લાગી જશે!
ટીવી સીરિયલ 'સપને સુહાને લડકપન કે' અને હાલમાં 'તું જુલિયટ જટ્ટ દી' માં કામ કરી રહેલી આંચલે સેલિબ્રિટીઝ દ્વારા સોશિયલ મીડિયા પર દર્શાવવામાં આવતી બનાવટી અને આલીશાન લાઈફસ્ટાઈલની સરખામણીએ સામાન્ય વ્યક્તિની જેમ અસ્તવ્યસ્ત સામાન સાથેનું પોતાનું સાચું ઘર બતાવ્યું હતું. જોકે, તેની પાસે રહેલું બ્રાન્ડેડ અને ડિઝાઈનર હેન્ડબેગ્સનું કલેક્શન આ વાસ્તવિકતા વચ્ચે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. કલાકારોની આર્થિક સ્થિતિ અને મુંબઈના મોંઘા હાઉસિંગ માર્કેટ પરનો તેનો આ વીડિયો હાલ ભારે ચર્ચા જગાવી રહ્યો છે.
(6:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
