<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

ડ્રેગનની ઊંઘ ઉડાડતી રણનીતિ: હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ભારત-અમેરિકાની 'સમુદ્રથી અવકાશ' સુધી અભેદ્ય સુરક્ષા ઘેરાબંધી

અમેરિકી પેસિફિક કમાન્ડર એડમિરલ સેમ્યુઅલ પાપારો અને વિદેશ મંત્રી એસ. જયશંકર વચ્ચે નવી દિલ્હીમાં હાઈ-લેવલ બેઠક : એઆઈ-ડિજિટલ સ્પેસ કૌશલ્ય અને સંરક્ષણ ટેકનોલોજીના મોરચે મોટો રોડમેપ તૈયાર

નવી દિલ્હી :  ઈન્ડો-પેસિફિક (હિંદ-પ્રશાંત) ક્ષેત્રમાં ચીન તરફથી વધી રહેલા લશ્કરી પડકારો અને વિસ્તારવાદી નીતિ સામે ભારત અને અમેરિકાએ હવે આરપારનો મોરચો ખોલી દીધો છે. નવી દિલ્હીની છ દિવસીય મહત્ત્વપૂર્ણ મુલાકાતે આવેલા યુનાઇટેડ સ્ટેટ્સ પેસિફિક કમાન્ડના વડા એડમિરલ સેમ્યુઅલ જે. પાપારોએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે દ્વિપક્ષીય ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં હિંદ મહાસાગરમાં નૌકાદળના સંયુક્ત ગસ્તથી લઈને સ્પેસ અને ડિજિટલ સિક્યુરિટી જેવા ભવિષ્યના સુરક્ષા પાસાઓ પર અત્યંત ગંભીર ચર્ચા થઈ હતી, જેણે ડ્રેગન ગણાતા ચીનની ચિંતાઓમાં મોટો વધારો કર્યો છે.

વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ બેઠકની વિગતો આપતાં ખુશહાલ સહયોગનો સંકેત આપ્યો હતો. ભારતમાં યુએસ દૂતાવાસે જારી કરેલા સત્તાવાર નિવેદન અનુસાર, આ મુલાકાત માત્ર શિષ્ટાચાર પૂરતી સીમિત ન રહેતાં, ભવિષ્યમાં આવનારા કોઈ પણ સુરક્ષા પડકારનો સામનો કરવા માટે બંને દેશોની સૈન્ય ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવાની દિશામાં માઈલસ્ટોન સાબિત થશે. ઉભરતી લશ્કરી ટેકનોલોજી, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને સાયબર મોરચે બંને દેશોની સેનાઓ એક સાથે મળીને કામ કરશે, જેનાથી આ વિસ્તારમાં સંતુલન જાળવવામાં મદદ મળશે.

અગાઉ ભારતીય સેના પ્રમુખ જનરલ ધીરજ સેઠ અને યુએસ આર્મી પેસિફિકના ડેપ્યુટી કમાન્ડર વચ્ચે યોજાયેલી બેઠક બાદ યોજાયેલી આ ઉચ્ચ-સ્તરીય વાટાઘાટો દર્શાવે છે કે બંને દેશો હવે જમીન, આકાશ, સમુદ્ર અને સ્પેસ સુધી ચારેય મોરચે એક સાથે વ્યુહરચના ઘડી રહ્યા છે. હાલમાં જ પૂરી થયેલી સંયુક્ત 'યુદ્ધ અભ્યાસ' કવાયતની સફળતા બાદ બંને સેનાઓ વચ્ચેનો તાલમેલ અભૂતપૂર્વ સ્તરે પહોંચ્યો છે. હિંદ મહાસાગરમાં અમેરિકાની મજબૂત હાજરી અને ભારતની પ્રાદેશિક ક્ષમતાનો સંગમ હવે ઈન્ડો-પેસિફિકમાં શક્તિનું નવું કેન્દ્ર બની રહ્યો છે, જે સમગ્ર ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે નિર્ણાયક સાબિત થશે.

(5:40 PM IST)