તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
મંડ્યાના મંદિરમાં મહિલા PSIને થપ્પડ મારવી ભારે પડી! ભાજપના ધારાસભ્ય સુરેશ ગૌડાની પુત્રીએ જાહેરમાં માગવી પડી માફી
હાઈકોર્ટના કડક આદેશ બાદ ઐશ્વર્યા ગૌડાએ વીડિયો જાહેર કરીને હાથ જોડ્યા: વીઆઈપી દર્શન મુદ્દે મહિલા પોલીસ અધિકારી સવિતા પાટીલને મારી હતી થપ્પડ, આગોતરા જામીન માટે શરત મુકાઈ

મંડ્યા : કર્ણાટકના તુમાકુરુ ગ્રામીણ વિસ્તારના ભારતીય જનતા પાર્ટી (BJP) ના ધારાસભ્ય બી. સુરેશ ગૌડાની પુત્રી ઐશ્વર્યા ગૌડાનો અહંકાર આખરે કાયદા અને અદાલતના આકરા વલણ સામે ઓગળી ગયો છે. મંડ્યા જિલ્લાના એક પ્રસિદ્ધ મંદિરમાં ફરજ પર તૈનાત મહિલા પોલીસ સબ-ઈન્સપેક્ટર (PSI) સાથે ગેરવર્તણૂક કરવા અને તેમને જાહેરમાં થપ્પડ મારવાના ચર્ચિત કેસમાં હાઈકોર્ટના નિર્દેશ બાદ ઐશ્વર્યાએ એક વીડિયો સ્ટેટમેન્ટ જાહેર કરીને પીડિત મહિલા પોલીસ અધિકારી પાસે નિઃશરત જાહેરમાં માફી માગી છે.
આ શરમજનક ઘટના ઓગસ્ટ મહિનામાં ભીમ અમાવસ્યાના પવિત્ર દિવસે ઘટી હતી. ઐશ્વર્યા પોતાના બે બાળકો સાથે ઉક્કડાના મરમ્મા મંદિરે દર્શન કરવા ગઈ હતી. મંદિરમાં ભારે ભીડ હોવા છતાં ધારાસભ્યની પુત્રી અને એક આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ACP) ની પત્ની હોવાના રોફમાં તેણે સામાન્ય લોકોની કતારમાં ઊભા રહ્યા વિના સીધા ગર્ભગૃહમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ફરજ પર તૈનાત મહિલા PSI સવિતા પાટીલે તેમને અન્ય શ્રદ્ધાળુઓની સુવિધા માટે લાઈનમાં આવવા વિનંતી કરી, ત્યારે ઉશ્કેરાયેલી ઐશ્વર્યાએ "હું ધારાસભ્યની દીકરી છું, તું મને કેવી રીતે રોકી શકે?" કહીને મહિલા અધિકારી સાથે ઉગ્ર બહસ કરી હતી અને આવેશમાં આવીને તેમને થપ્પડ મારી દીધી હતી.
CCTV ફૂટેજ વાયરલ અને જામીન મેળવવા માફીનો વારો
આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે જનઆક્રોશ ફાટી નીકળ્યો હતો. વીડિયોમાં મહિલા PSI એ પણ પોતાના બચાવમાં સામે વળતો પ્રહાર કર્યો હતો, ત્યારબાદ સ્થળ પર હાજર લોકોએ બંનેને અલગ કર્યા હતા. મહિલા અધિકારીની ફરિયાદના આધારે પોલીસે ઐશ્વર્યા સામે સરકારી કામમાં અડચણ ઊભી કરવા અને હુમલો કરવા બદલ એફઆઈઆર (FIR) નોંધી હતી.
સ્થાનિક સત્ર અદાલતે ઐશ્વર્યાની આગોતરા જામીન અરજી ફગાવી દીધા બાદ તેણે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. જોકે, હાઈકોર્ટે જામીન આપતા પહેલાં પીડિત મહિલા પોલીસ અધિકારી પાસે જાહેરમાં માફી માગવાનો કડક નિર્દેશ આપ્યો હતો. આદેશનું પાલન કરતા ઐશ્વર્યાએ દુઃખ વ્યક્ત કર્યું હતું કે, "આ ઘટના ગુસ્સામાં બની ગઈ હતી, જે નહોતી બનવી જોઈતી. જો મારાથી PSI સવિતા પાટીલને દુઃખ પહોંચ્યું હોય તો હું દિલગીર છું અને તેમની ક્ષમા માગું છું." આ મામલે તેના પિતા અને ભાજપ ધારાસભ્ય સુરેશ ગૌડાએ પણ પુત્રીના વર્તન બદલ દિલગીરી વ્યક્ત કરી કાયદો પોતાનું કામ કરશે તેમ જણાવ્યું હતું.
(5:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
