<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

૪૦ દિવસમાં છઠ્ઠી ધમકીથી કાશ્મીરી પંડિતોમાં ફરી ફફડાટ: કર્મચારીઓની અંગત વિગતો જાહેર થતાં પુનર્વસનના વિશ્વાસ સામે ગંભીર સવાલ ઊઠ્યા

નોકરી કે જીવની સલામતી વચ્ચે પસંદગી નહીં કરવાની સરકારને હાકલ: અમિતભાઈ શાહ સમક્ષ સુરક્ષા સમીક્ષા અને કડક તપાસની માંગ કરાઈ

જમ્મુ, તા. ૧૩ : કાશ્મીર ખીણમાં વડાપ્રધાન પુનર્વસન યોજનાના કર્મચારીઓને નિશાન બનાવતા ધમકીપત્રોની વણઝારથી કાશ્મીરી પંડિતોમાં ફરી ભય ફેલાયો છે. છેલ્લા લગભગ ચાળીસ દિવસમાં યુનાઇટેડ લિબરેશન કાઉન્સિલના નામે છઠ્ઠો કથિત ધમકીપત્ર સામે આવ્યો છે. આ સંગઠનને લશ્કર-એ-તૈયબાનું મોરચા સંગઠન માનવામાં આવે છે. સુરક્ષા એજન્સીઓ ધમકીપત્રોની પ્રામાણિકતા અને તેના મૂળની તપાસ કરી રહી છે.

 

કેટલાક પત્રોમાં કર્મચારીઓનાં નામ, રહેણાંક સરનામાં અને મોબાઇલ નંબર સહિતની વ્યક્તિગત વિગતો જાહેર કરાઈ હોવાના દાવાએ ચિંતા વધારી છે. તાજેતરના પત્રમાં સુરક્ષિત રહેઠાણની માગ સાથે દેખાવો કરનારા કર્મચારીઓના ફોટોગ્રાફ અને બંદૂકનું ચિત્ર પણ મૂકાયું હોવાનું સામે આવ્યું છે.

 

અખિલ વડાપ્રધાન પેકેજ કર્મચારી મંચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને પત્ર લખીને ધમકીઓની ઊંડાણપૂર્વક તપાસ, જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી અને કર્મચારીઓ તથા વસાહતોની વ્યાપક સુરક્ષા સમીક્ષા માગી છે. અસુરક્ષિત સ્થળે રહેતા કર્મચારીઓને સુરક્ષિત પરિવહન આવાસ તાત્કાલિક ફાળવવાની પણ રજૂઆત કરાઈ છે.

 

કર્મચારીઓએ કહ્યું છે કે તેઓ આશા અને વિશ્વાસ સાથે ખીણમાં પરત ફર્યા હતા, પરંતુ સતત ધમકીઓથી નવેસરથી વસવાટનો વિશ્વાસ ડગમગી રહ્યો છે. તેમને રોજગાર અને જીવની સલામતી વચ્ચે પસંદગી કરવા મજબૂર ન કરાય તેવી સરકારને હાકલ કરવામાં આવી છે.

(4:14 PM IST)