<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

કોલકાતાની સત્યજિત રે ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાં હિંસક ઝઘડા બાદ સ્થિતિ વણસી: વિદ્યાર્થીઓનો શૈક્ષણિક બહિકાર યથાવત, હુમલાખોરોની તાત્કાલિક ધરપકડ કરવા ઉગ્ર માંગ

​કેમ્પસમાં આરએસએસ સંલગ્ન સંગઠનના કાર્યક્રમ અને બહારના તત્વો દ્વારા કરવામાં આવેલા હુમલા સામે વિદ્યાર્થીઓનો વિરોધ પ્રદર્શન; તબીબી અને ઇમરજન્સી સિવાયની તમામ પ્રવૃત્તિઓ બંધ રાખવાની ચીમકી આપી પોલીસ તંત્ર તથા વહીવટીતંત્ર સામે રોષ વ્યક્ત કર્યો

​કોલકાતા: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા સ્થિત દેશની પ્રતિષ્ઠિત ‘સત્યજિત રે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ’ (SRFTI) ખાતે તાજેતરમાં થયેલી હિંસક અથડામણ અને બબાલ બાદ વાતાવરણ ભારે તંગદિલીભર્યું બન્યું છે. આ હિંસક ઘટનાના વિરોધમાં અને જવાબદાર દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ સાથે વિદ્યાર્થીઓએ પોતાનો અનિશ્ચિત મુદતનો ‘એકેડેમિક બોયકોટ’ (શૈક્ષણિક બહિષ્કાર) યથાવત રાખવાની જાહેરાત કરી છે. વિદ્યાર્થીઓના આ બહિષ્કારને કારણે સંસ્થામાં તમામ શૈક્ષણિક વર્ગો, પ્રેક્ટિકલ શૂટિંગ તેમજ અન્ય કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે.

​મળતી વિગતો અનુસાર, ગત રવિવારે સંસ્થાના ઓડિટોરિયમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા 'અખિલ ભારતીય ગ્રાહક પંચાયત' (ABGP) નામના સંગઠન દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અને કેમ્પસમાં લગાવાયેલા બેનરો સામે સ્થાનિક વિદ્યાર્થીઓએ વિરોધ દર્શાવ્યો હતો. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે વિરોધ પ્રદર્શન દરમિયાન બહારથી આવેલા સંગઠનના લોકો તથા અસામાજિક તત્વોએ કેમ્પસમાં ઘૂસીને વિદ્યાર્થીઓ, વિધ્યાર્થીનીઓ અને ફેકલ્ટી સભ્યો પર હિંસક હુમલો કર્યો હતો. આ પથ્થરમારો અને મારપીટની ઘટનામાં અનેક વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો ઈજાગ્રસ્ત થયા હતા.

​સામે પક્ષે, આયોજકો અને ભાજપના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં દખલગીરી કરી, બેનરો અને પોસ્ટરો ફાડી નાખ્યા તથા રાષ્ટ્રવાદી સંગઠનના સભ્યો સાથે અબદ્ધ વર્તન કર્યું હતું. આ ઘટનાને પગલે કેમ્પસ બહાર ભારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે ત્રણ અલગ-અલગ એફઆઈઆર (FIR) નોંધી છે અને ઘટનાની તપાસ માટે એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે.

​જોકે, સંસ્થાના વિદ્યાર્થીઓનું કહેવું છે કે જ્યાં સુધી કેમ્પસમાં હિંસા આચરનારા અને વિદ્યાર્થીઓ પર હુમલો કરનારા તમામ સશસ્ત્ર બહારના તત્વોની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ શૈક્ષણિક કામગીરીમાં પાછા નહીં ફરે. વિદ્યાર્થી મંડળ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તબીબી કટોકટી અને ઇમરજન્સી સુવિધાઓ સિવાય સંસ્થાની અન્ય કોઈ પણ શૈક્ષણિક કે વહીવટી પ્રવૃત્તિ ચાલવા દેવામાં આવશે નહીં. આ વિરોધ પ્રદર્શનને દેશભરના વિવિધ કલાકારો, બુદ્ધિજીવીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પણ સમર્થન મળી રહ્યું છે. વિદ્યાર્થીઓ કેમ્પસમાં સુરક્ષા વધારવા અને ભવિષ્યમાં આવી રાજકીય કે બાહ્ય ઘટનાઓ પર પ્રતિબંધ મૂકવાની પણ કડક માંગ કરી રહ્યા છે.

(4:59 PM IST)