<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

અખાતી દેશોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ : ઈરાની ડ્રોન અને મિસાઈલ હુમલાથી યુએઈમાં ખળભળાટ : ફુજૈરાહમાં ત્રણ ભારતીયો ઈજાગ્રસ્ત

દુબઈ ઉત્તરે કાર્ગો જહાજ અને રાસ અલ ખૈમાહમાં મધદરિયે આગની ઘટનાઓથી તણાવ : અમેરિકાનો હોર્મુઝની સામુદ્રધુની પર ‘સંપૂર્ણ નિયંત્રણ’નો દાવો : ટ્રમ્પને ઈરાન સાથેની વાટાઘાટોમાં હજુ પણ પોઝિટિવ પરિણામની આશા

દુબઈ: સંયુક્ત આરબ અમીરાત (UAE) માં સોમવારે રાત્રે મિસાઈલ અને ડ્રોન હુમલાની શ્રેણીબદ્ધ ઘટનાઓને પગલે યુદ્ધ જેવો માહોલ સર્જાયો હતો. યુએસ-ઈરાન યુદ્ધવિરામ અમલમાં આવ્યા બાદ પ્રથમ વખત યુએઈના રહેવાસીઓને મિસાઈલના જોખમ અંગેની ઈમરજન્સી એલર્ટ પ્રાપ્ત થઈ હતી. સાંજના સમયે એક પછી એક કુલ ચાર મિસાઈલ થ્રેટ એલર્ટ મળતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ કરી હતી કે હવામાં સંભળાયેલા અવાજો એર ડિફેન્સ દ્વારા મિસાઈલોને આંતરવાની પ્રક્રિયાના હતા.

ફુજૈરાહમાં ઓઈલ ઝોન પર હુમલો, ભારતીયો ઈજાગ્રસ્ત

ઈરાની હુમલાના કારણે ફુજૈરાહ પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીઝ ઝોન (FOIZ) માં ભીષણ આગ ફાટી નીકળી હતી. ફુજૈરાહ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં ત્રણ ભારતીય નાગરિકોને મધ્યમ સ્તરની ઈજાઓ પહોંચી છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત, હોર્મુઝની સામુદ્રધુનીમાં અદનોક (Adnoc) માલિકીના એક ઓઈલ ટેન્કર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેની યુએઈ સરકારે સખત શબ્દોમાં નિંદા કરી છે.

દરિયામાં બે જહાજોમાં આગની ઘટના

યુનાઈટેડ કિંગડમ મેરિટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO) એ અહેવાલ આપ્યો છે કે દુબઈથી ઉત્તરે આશરે 36 નોટિકલ માઈલ દૂર એક માલવાહક જહાજના એન્જિન રૂમમાં આગ લાગી હતી. જોકે, તેના તમામ ક્રૂ મેમ્બરો સુરક્ષિત હોવાનું જણાવાયું છે. બીજી તરફ, રાસ અલ ખૈમાહના મીના સકરથી પશ્ચિમે 14 નોટિકલ માઈલ દૂર અન્ય એક જહાજમાં આગ લાગી હોવાના અહેવાલ મળ્યા છે, જેના કારણોની તપાસ ચાલી રહી છે.

અમેરિકાનો કડક વલણ અને ટ્રમ્પનો આશાવાદ

આ તણાવ વચ્ચે અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરીએ નિવેદન આપ્યું છે કે હોર્મુઝની સામુદ્રધુની પર અમેરિકાનું ‘સંપૂર્ણ નિયંત્રણ’ છે અને તેઓ માર્ગો ખોલી રહ્યા છે. અમેરિકાએ ઈરાનના એ દાવાઓને પણ ફગાવી દીધા છે જેમાં યુએસ નેવીના જહાજો પર હુમલો થયાની વાત કરવામાં આવી હતી. દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે ઈરાન સાથેની વાતચીતથી ‘ખૂબ જ હકારાત્મક’ પરિણામો આવી શકે છે.

મંત્રાલયની કડક સૂચના

યુએઈના સંરક્ષણ મંત્રાલયે નાગરિકોને કડક સૂચના આપી છે કે એર ઇન્ટરસેપ્શન બાદ જમીન પર પડેલા મિસાઈલ કે ડ્રોનના ટુકડાઓને સ્પર્શવો નહીં કે તેના ફોટા પાડવા નહીં. કોઈપણ શંકાસ્પદ વસ્તુ જણાય તો તાત્કાલિક 999 પર જાણ કરવા જણાવાયું છે. મોડી રાત્રે પરિસ્થિતિ કાબૂમાં આવતા સત્તાવાળાઓએ રહેવાસીઓને ‘સેફ એલર્ટ’ મોકલીને રાહત આપી હતી.

(9:49 PM IST)