તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
રામ મંદિરમાં ચોરી મામલે SIT તપાસમાં ખુલાસો માત્ર 42 દિવસના ગાળામાં 70 વખત દાનની ચોરીનો ખેલ
તપાસ દરમિયાન દાનની રોકડ રકમની ગણતરી તેનું સંચાલન અને સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ખામી ખુલી :ભક્તોની શ્રદ્ધા સાથે જોડાયેલા આ મામલાએ દેશભરમાં ચર્ચા જગાવી

અયોધ્યાના રામ મંદિરમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવતા દાનને લઈને સામે આવેલા ચોરીના કેસમાં રોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા કરવામાં આવેલી તપાસમાં માત્ર 42 દિવસના ગાળામાં અંદાજે 70 વખત દાનની રકમ માંથી ગેરરીતિ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. 27 એપ્રિલથી 5 જૂન દરમિયાનના સીસીટીવી ફૂટેજની વિગતવાર તપાસ દરમિયાન અનેક મહત્વના પુરાવા હાથ લાગ્યા હતા.આ આધારે પોલીસે અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન દાનની રોકડ રકમની ગણતરી તેનું સંચાલન અને સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ખામીઓ સામે આવી છે. ભક્તોની શ્રદ્ધા સાથે જોડાયેલા આ મામલાએ દેશભરમાં ચર્ચા જગાવી છે.
SITની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે દાનની ગણતરી અને રેકોર્ડ જાળવવાની વ્યવસ્થા પૂરતી મજબૂત નહોતી. દાનની રોકડ રકમ અને અન્ય ચઢાવાની વસ્તુઓના હિસાબમાં પારદર્શિતાનો અભાવ જોવા મળ્યો હતો. આંતરિક નિયંત્રણ પ્રણાલી પણ નબળી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ખાસ કરીને સુપરવાઈઝર સ્તરે જવાબદારીઓ સ્પષ્ટ ન હોવાના કારણે ગેરરીતિઓને વેગ મળ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. તપાસ દરમિયાન દાનની ગણતરી માટેના રૂમમાં સુરક્ષા સંબંધિત અનેક ખામીઓ પણ સામે આવી હતી. SITએ 2022થી 2025 સુધીના આંતરિક ઓડિટ રિપોર્ટની પણ સમીક્ષા કરી હતી જેમાં પણ દાન વ્યવસ્થાને લગતી કેટલીક ગંભીર ત્રુટિઓ મળી આવી હતી. સાથે જ તપાસ એજન્સીએ દાનને લઈને સોશિયલ મીડિયા અને કેટલાક માધ્યમોમાં ચાલી રહેલા તમામ દાવાઓને સાચા ગણાવ્યા નથી અને અનેક અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે.
તપાસમાં મળેલા પુરાવાના આધારે પોલીસે 8 લોકો સામે ચોરી, ગુનાહિત વિશ્વાસઘાત અને ગુનાહિત ષડયંત્ર સહિતની વિવિધ કલમો હેઠળ FIR નોંધાવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં રામશંકર યાદવ ઉર્ફે ટિન્નૂ યાદવ, અનુકલ્પ મિશ્રા, અવિનાશ શુક્લા, કરુણેશ પાંડેય, લવકુશ મિશ્રા, રમાશંકર મિશ્રા, સુભાષ શ્રીવાસ્તવ અને મનીષ યાદવનો સમાવેશ થાય છે. બીજી તરફ તપાસ ચાલી રહી હતી તે દરમિયાન રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાએ પોતાના પદ પરથી રાજીનામું આપતાં સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. હાલ તપાસ એજન્સીઓ સમગ્ર દાન વ્યવસ્થાની પ્રક્રિયા અને સંભવિત જવાબદાર લોકોની ભૂમિકા અંગે વધુ તપાસ કરી રહી છે.
(6:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
